વિચારવું એ પણ એક ક્રિયા
આપણે ત્યાં જ્યારે પણ કામ કરવાની વાત આવે છે ત્યારે આપણે તેનો અર્થ એવો જ કાઢીએ છીએ કે કોદાળી લઈને ખાડો ખોદીએ કે ખીલીને હથોડી વડે ભીંતમાં ઠોકીએ કે કુહાડી વડે લાકડા કાપીએ કે પછી વાહન ચલાવીએ તેને જ કામ કહેવાય. મતલબ કે એને જ કામ કહીએ છીએ કે જેમાં હાથ-પગ ચલાવવાના આવે. પરંતુ હાથ પગ ચલાવ્યા વગર ખુરશીમાં સ્થિર બેસીને પણ કામ કરી શકાય છે એ વાત હજુ આપણા દિમાગમાં બેસતી નથી. અમેરિકાના મહાન શિક્ષણ શાસ્ત્રી જહોન ડ્યુઈએ કહ્યું કે થિન્કીંગ ઈઝ ડુઈંગ, અર્થાત્ વિચારવું એ કાર્ય છે. આપણે ત્યાં વિચારણાને કાર્યનો દરજ્જો નથી મળ્યો. હા, નવરો બેઠો નખ્ખોદ વાળે એવી કહેવત જરૂ૨ સર્જાઈ છે. આપણે હવે એ શીખવાનું છે કે વિચારણા એટલે શું? શું વિચારવું, શેના વિશે અને શેને માટે વિચારવું એ બધું આપણે શીખવું રહ્યું. કારણ કે આપણને ટેવ પડી નથી એને લીધે આપણે જૂના વિચારોના આધારે ઘસડાયા કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપે બીબાઢાળ અને કંટાળાજનક જીવન શૈલીનો ઉદ્ભવ થાય છે અને આપણને કશું જ નવું પ્રાપ્ત થતું નથી. આપણી આસપાસનું જગત અને આપણાં ખુદનાં જીવન વિશે જો વિચારણા કરવામાં આવે તો એમાંથી ઘણાં નવા પરિમાણો સર્જાઈ શકે. જેમ દર્દી જ્યારે ડૉક્ટર...