વિચારવું એ પણ એક ક્રિયા

 આપણે ત્યાં જ્યારે પણ કામ કરવાની વાત આવે છે ત્યારે આપણે તેનો અર્થ એવો જ કાઢીએ છીએ કે કોદાળી લઈને ખાડો ખોદીએ કે ખીલીને હથોડી વડે ભીંતમાં ઠોકીએ કે કુહાડી વડે લાકડા કાપીએ કે પછી વાહન ચલાવીએ તેને જ કામ કહેવાય. મતલબ કે એને જ કામ કહીએ છીએ કે જેમાં હાથ-પગ ચલાવવાના આવે. પરંતુ હાથ પગ ચલાવ્યા વગર ખુરશીમાં સ્થિર બેસીને પણ કામ કરી શકાય છે એ વાત હજુ આપણા દિમાગમાં બેસતી નથી. અમેરિકાના મહાન શિક્ષણ શાસ્ત્રી જહોન ડ્યુઈએ કહ્યું કે થિન્કીંગ ઈઝ ડુઈંગ, અર્થાત્ વિચારવું એ કાર્ય છે. આપણે ત્યાં વિચારણાને કાર્યનો દરજ્જો નથી મળ્યો. હા, નવરો બેઠો નખ્ખોદ વાળે એવી કહેવત જરૂ૨ સર્જાઈ છે.


આપણે હવે એ શીખવાનું છે કે વિચારણા એટલે શું?

શું વિચારવું, શેના વિશે અને શેને માટે વિચારવું એ બધું આપણે શીખવું રહ્યું. કારણ કે આપણને ટેવ પડી નથી એને લીધે આપણે જૂના વિચારોના આધારે ઘસડાયા કરીએ છીએ. જેના પરિણામ સ્વરૂપે બીબાઢાળ અને કંટાળાજનક જીવન શૈલીનો ઉદ્ભવ થાય છે અને આપણને કશું જ નવું પ્રાપ્ત થતું નથી. આપણી આસપાસનું જગત અને આપણાં ખુદનાં જીવન વિશે જો વિચારણા કરવામાં આવે તો એમાંથી ઘણાં નવા પરિમાણો સર્જાઈ શકે. જેમ દર્દી જ્યારે ડૉક્ટર પાસે જાય ત્યારે ડોક્ટરે તેનું દર્દ સમજવું પડે છે પછી દવાની વાત આવે છે. તેવી રીતે આપણે સૌપ્રથમ આપણાં જ જીવનનો સર્વે કરીને એના વિશે તારણો કાઢવાની જરૂર છે પછી ધીમેથી વિચારવાની શરૂઆત કરી શકાય કે ક્યા ખૂણેથી શું નવું કરી શકાય એમ છે. ધીમે ધીમે આ જ પથ પર ચાલવાથી જીવન પરિવર્તન પણ થઈ શકે.


જીવનને વિશે વિચારવા ઉપરાંત જો વિજ્ઞાનના વિષયને પકડવામાં આવે તો એડિસનનું ઉદાહરણ યાદ કરવું કે એડિસનને હાથની આંગળી ઉપર ટાંકણી વાગી ત્યારે તેણે ધ્યાનથી આંગળીનું નિરીક્ષણ કર્યું અને એને આંગળી પરની સૂક્ષ્મ રેખાઓ વિશે ખ્યાલ આવ્યો. એને ખ્યાલ આવ્યો કે આવી જ સૂક્ષ્મ રેખાઓ, ધાતુની પ્લેટ પર પાડવામાં આવે અને એના ઉપર ટાંકણી કે એવું ચોક્કસ પ્રકારનું સાધન ઘસવામાં આવે તો ઘર્ષણના લીધે અવાજ ઉત્પન્ન થઈ શકે. પછી એણે એક સ્ટેપ આગળ વિચાર્યું કે જો આપણો ધારેલો અવાજ ધ્વનિ ઉત્પન્ન કરવો હોય તો પ્લેટ પરની રેખાઓ ચોક્કસ રીતે પાડવી પડે અને આ જ વિચારણાનું અંતિમ નક્કર સ્વરૂપ એટલે ગ્રામોફોનની શોધ.

એ જ ગ્રામોફોનનું આધુનિક સ્વરૂપ એટલે આજની સી.ડી. અને ડી.વી.ડી.


આ એડિસને ૧૦૦૦થી વધારે શોધ કરી. તે બધી જ પોતાના નવરાશના સમયની વિચારણાની ફલશ્રુતિ ગણવી રહી. વળી, સાથે સાથે એ પણ સ્વીકારવું રહ્યું કે હંમેશ માટે, સૌપ્રથમ શોધની શોધ મનમાં થાય છે પછી જ એને સાકાર સ્વરૂપ આપવામાં આવે છે. આમ, મૂળ બાબત છે પોતાના મનની અંદર નવો વિચાર ઉત્પન્ન થવો. આ નવા વિચારોને મૂર્ત સ્વરૂપ આપવામાં આવે એટલે એક નવો આવિષ્કાર થઈ શકે. એટલે જ, અભિષેક બચ્ચન કહે છે કે એક આઈડીયા, જો બદલ દે આપકી દુનિયા કો!


ઢોલક એ આપણા દેશમાં હજારો વર્ષથી પ્રચલિત સંગીતનું સાધન છે. પરંતુ આશરે બારમી સદીમાં અમીર ખુશરોને વિચાર આવ્યો કે આ જ ઢોલક વચ્ચેથી કાપી નાખીને બંને ‘ફાડીયા’ને અલગ અલગ કેમ ન વગાડી શકાય! અને એ જ રીતે કરવામાં આવ્યું અને આ જગતમાં તબલાની શોધ થઈ.


જંગલમાં પોતાની સાથે શિકાર માટે આવતા ડોબરમેન કૂતરાની ચામડીમાં જંગલી વનસ્પતિના ભંઠીયા ચોંટી જતા અને ઉખાડવા ભારે પડતા. ત્યારે વૈજ્ઞાનિક એ ભંઠીયાનો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અભ્યાસ કરીને શોધ્યું કે ભંઠીયાના છેડા ખાસ પ્રકારના વળાંક વાળા છે અને એમાંથી પ્રેરણા લઈને એ જ વિજ્ઞાનિકે બુટની દોરીના વિકલ્પ રૂપે વપરાતું ચરર ચ૨૨ વાળું રેસાવાળું પ્લાસ્ટિક શોધ્યું.


આવા સેંકડો ઉદાહરણ આપી શકાય. ન્યૂટનનું ગુરૂત્વાકર્ષણની શોધ માટેનું સફરજનવાળું ઉદાહરણ વિશ્વપ્રસિદ્ધ છે. આ બધી જ વાતોનો અર્થ એ છે કે આપણે ત્યાં વિચારવાની ક્રિયાને કાર્યનો દરજ્જો મળવાનો બાકી છે. આપણે હજુ શરીરશ્રમને જ કાર્ય માનીએ છીએ.


આને લીધે આપણા જીવન વધુ બીબાઢાળ અને વધુ ચીલાચાલુ બની રહે છે. નથી આપણા જીવનમાં નાવીન્ય આવતું કે નથી આપણી પ્રવૃત્તિમાં નાવીન્ય આવતું. ફળ સ્વરૂપે આપણાં શ્રીમુખેથી ફરિયાદોનો ધોધ વહે છે. જે બધી જ ફરિયાદો આપણા સ્વયંના અસ્તિત્ત્વપૂર્વે પણ રહી અને પછી પણ રહેશે. કારણ કે આપણે ફરિયાદોના સૂરને સર્જનશીલતામાં ફેરવવાની કળા (આર્ટ ઓફ ક્રીએટીવીટી)થી અજાણ છીએ અને ક્યારેક જરૂરી પણ નથી માનતા.


આમ, થિન્કીંગ દ્વારા આપણી અંતર્નિહીત શક્તિમાં પરિવર્તન લાવવાની મથામણ કરીશું તો નિષ્ફળતા તો નહીં જ સાંપડે. આપણે પોતાના ઘડતર તેમજ આવશ્યક્તાના સંદર્ભમાં વિચારણા કરવી રહી.



લેખક

કર્દમ મોદી

પાટણ

8238058094


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા