શોખ કોને કહેવાય? હરદીપ
ગઈકાલે હું મારા મિત્ર હરદીપના ઘેર ગયો હતો. હરદીપ વાંસદામાં રહે છે(જીલ્લો નવસારી). વેપારી પણ છે અને ફેક્ટરી પણ ચલાવે છે. પરંતુ તેને સંગીતનો ખૂબ જ શોખ છે.
હરદીપ મુકેશ અને કિશોરના વોઇસ માં ખૂબ સારા ગીતો ગાઈ શકે છે.તે ખૂબ સારું એકોર્ડિયન પણ વગાડી શકે છે.તેને જુનિયર જય કિશનનો ખિતાબ પણ મળેલો છે.વાંસદા એ મહાન સંગીતકાર જયકિશનનું વતન છે. જય કિશન એટલે આપણા મહાન સંગીતકારો શંકર જયકિશન વાળી બેલડી.
તેણે પોતાના સંગીતના શોખને પોષવા માટે પોતાના ઘરના ઉપલા માળ પર લગભગ એક સંગીતનો સ્ટુડિયો બનાવેલ છે. આ સ્ટુડિયો બનાવવા માટે તેણે સમગ્ર રૂમને સાઉન્ડ પ્રૂફ કરેલો છે .એની અંદર સંગીતના વિવિધ પ્રકારના સાધનો ગોઠવેલા છે.આજકાલ ગાવા માટે કરાઓકે સંગીત નું ચલણ છે. એટલે કરાઓકે પ્રકારના ગીતો ગાવા માટે તમામ પ્રકારના જરૂરી સાધનો વસાવેલા છે. આ ઉપરાંત તેણે કેસીઓ,એકોર્ડિયન અને સેક્સોફોન પણ વસાવેલા છે. જ્યારે પણ તે નવરો પડે ત્યારે તે પોતાના સંગીત ખંડમાં સંગીતની સાધના કરવા માટે પહોંચી જાય છે ને પોતાની મસ્તીમાં ડૂબી જાય છે.
ખરેખર હરદીપને જોઈને વિચાર આવે છે કે માણસે પોતાના શોખને પોષવા માટે કંઈ પણ કરવું જોઈએ. જો માણસ પોતાના શોખને પોષવા માટે થોડું રોકાણ કરી અને વ્યવસ્થા ઉભી કરે તો એણે બિનજરૂરી અથવા બિન ઉત્પાદક અને નકામી પ્રવ્રુત્તિ કરીને સમય પસાર કરવો ન પડે. આ પ્રકારના શોખને લીધે સમય પણ સારી રીતે પસાર થાય છે અને કોઈ અયોગ્ય પ્રવૃત્તિ તરફ જવું પડતું નથી.શોખ એટલે શું તે સમજવા માટે આપણે હરદીપની પાસે જવું પડે.મને પોતાને પણ આજે એને ત્યાં જઈને એટલો બધો આનંદનો અનુભવ થયો કે ન પૂછો વાત!
હું મારા આનંદને શબ્દોમાં વર્ણવી શકતો નથી. છતાં પણ મારી ભાષામાં મારી અનુભુતિ ને લખવા પ્રયાસ કર્યો છે.
કર્દમ મોદી,
ધરમપુર.
1 નવેમ્બર 2020

Comments
Post a Comment