વાર્તા:વાત કરવાની કળા
વાત કરવાની કળા
સિંહ અને સિંહણ બંને શાંતિથી વાર્તાલાપ કરી રહ્યાં હતાં. વાતમાંથી વાત નીકળતાં સિંહણે પ્રેમથી સિંહને કહ્યું, ‘વનરાજ, મારી વાત તમને નહીં ગમે, પણ સાચું જણાવું છું.
તમારા મોંમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે.’
સિંહને ગમ્યું નહીં, પણ ‘મેડમ’નું સાંભળવું તો પડે જ. હજી બે-ત્રણ વ્યક્તિ પાસે ખાતરી કરાવવાનું મન થયું. તરત જ ઘેટું મળ્યું. ઘેટાને બોલાવીને પૂછ્યું, ‘મારાં મોંમાંથી દુર્ગંધ આવે છે?’ ઘેટું ભોળું હતું. તેણે વાસ્તવિકતા જણાવી દીધી, ‘જી વનરાજ, ખૂબ જ દુર્ગંધ આવે છે. ખરેખર સહન કરવી અઘરી છે.’ ઘેટું આટલું જ બોલ્યું. સિંહને ખૂબ ક્રોધ આવ્યો અને તેને મારી નાખ્યું.
બપોરે વરુ મળ્યું. સિંહે વરુને પણ એ પ્રશ્ન કર્યો. જોકે વરુને ઘેટાના સમાચાર મળી ગયા હતા, તેથી તેણે કહ્યું કે, ‘ના, ના. સહેજે દુર્ગંધ આવતી નથી, મને તો સુગંધ આવે છે.’ સિંહને વરુની વાતથી સમજાઈ ગયું કે આ ખોટા વખાણ કરી મારી મજાક કરે છે અને તરત તેને પણ મારી નાખ્યું.
સાંજે શિયાળ મળ્યું. સિંહે શિયાળને પણ એ જ પ્રશ્ન કર્યો. શિયાળને ઘેટાના અને વરુના સમાચાર મળ્યા હતા. તેણે ઉત્તર આપ્યો ‘રાજન! મને તો છેલ્લા 15 દિવસથી શરદી થઈ છે, એટલે કોઈ ગંધ હું પારખી જ નથી શકતો.’ કહી શિયાળ તરત આગળ ચાલવા લાગ્યું.
ક્યારે, કોની સામે, કઈ રીતે વાત કરવી ? આ કળા જેની પાસે હોય, તે ક્યારેય દુઃખી થતો નથી.
Comments
Post a Comment