રાજા અને સમ્રાટ

 

એક જંગલ હતું. તેમાં એક હાથી રહેતો હતો.એનો સ્વભાવ ખૂબ સારો હતો.તે બધાની જ મદદ કરતો હતો.હાથીની છાપ જંગલના અન્ય પ્રાણીઓમાં ખૂબ સારી હતી અને તે જંગલના રાજા સિંહને ગમતું નહોતું સિંહને હંમેશા થતું કે હું ભલે જંગલનો રાજા છું પણ બધા હાથીને વડીલ તરીકે વધારે માન આપે છે.આથી સિંહે હાથીની ગેરહાજરીમાં બધા પ્રાણીઓની સભા ભરીને સેવા ભક્તિ વિશે સુંદર ભાષણ આપ્યું.જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને અંતે પોતે સેવા કરવાની તત્પરતા બતાવી.

બધા પ્રાણીઓને થયું કે શું વાત છે, જંગલનો રાજા આટલો ભલો અને સેવાભાવી છે તો આપણે હવે હાથીને બદલે જંગલના રાજાની મદદ લઇશું એમ વિચારી બધા છુટા પડ્યા.@કર્દમ મોદી

એકવાર એક બકરીને પેટમાં દુખતું હતું. તેણે તરત જંગલના રાજાને જાણ કરી કે તરત જ પોતાના મંત્રી શિયાળને બકરી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાનું કહ્યું.શિયાળ સીધુ હથી પાસે ગયું.શિયાળે હાથીને બકરીની પેટમાં દુખવાની વાત કરી એટલે હાથી તરત જ એક ટેકરી પર ગયો અને એક જડીબુટ્ટી તોડીને બકરીને આપી.બકરી થોડીવારમાં રમતી થઇ ગઈ.

એક વાર કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ રમતા હતા.તેમનો દડો પાણીમાં પડી ગયો.તેઓ બધા ભેગા થઈ ગયા અને ગયા સીધા જંગલના રાજા સિંહ પાસે.સિંહે તરત જ શિયાળને બોલાવ્યું.શિયાળને થયું કે આ દુઃખ ક્યાંથી આવ્યું. એટલે એ તો સીધો હાથી પાસે ગયો અને હાથીને વાત કરી. હાથીએ કહ્યું કે મને હમણાં જ એક દડો નદીમાં નાહતા નાહતા મળ્યો છે એ જ લઈ જા ને? મારે કશા કામનો નથી.શિયાળભાઈ દડો લઈને લાંબા ડગ ભરતા ભરતા નદી પાસે જઈને ગૌરવભેર ઉભા રહ્યા અને બોલ્યા કે લો તમારા માટેનો દડો.બધા પશુ પક્ષીઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ તો અમારો ખોવાઈ ગયેલો દડો જ છે.@કર્દમ મોદી

એકવાર સિંહ પોતે વૃક્ષની છાયામાં આરામ કરતો હતો.એવામાં વાવાઝોડું આવ્યું પણ સિંહને એમ કે વાવાઝોડું મને શું કરી શકવાનું છે?આથી સિંહે પોતાની જગ્યા છોડી નહી અને એવામાં જ સિંહની ઉપર રહેલું ઝાડ ધડામ કરીને પડ્યું તેની કમર પર. સિંહે તો પીડાથી બૂમો પાડવા માંડી.એ વખતે ત્યાંથી ઘણા પ્રાણીઓ વાવાઝોડાને લીધે ડરી ડરીને ભાગતા હતા.અમુક તો હસીને સિંહ સામે જોતા હતા.પણ કોઈની બચાવવાની હિંમત નહોતી ચાલતી.વળી આ પ્રાણીઓ એ ઝાડનું થડ પાડી પણ ન શકે અને વળી ઉપરથી વાવાજોડા નો ડર તો ખરો જ.સિંહને થયું કે હું આટલો સેવાભાવી બન્યો છું તોય કોઈ મને બચાવવા નથી આવતું.ભલાઈનો જમાનો જ નથી. એમ બોલતાં બોલતાં એની આંખો ભીની થઈ ગઈ.

એવામાં એક અજીબ ઘટના ઘટી.સિંહને લાગ્યું કે પોતાના ઉપરનું તોતિંગ વૃક્ષ ખસી ગયું છે અને પોતે પોતાના આમતેમ ફરી રહ્યો છે.પરંતુ આ સપનું છે કે સત્ય તે જાણવા તેણે પોતાનો પંજો પછાડીને ખાતરી કરી તો ખરેખર જ પોતાના ઉપરથી થડ ખસી ગયુ હતું અને પોતે મુક્તિનો અનુભવ કરતો હતો.

પછી તેણે પાછળ જોયું તો માથું હલાવતો હલાવતો હાથી ઉભો હતો.સિંહ મનમાં બધું સમજી ગયો.તે બીજાને નીચે પાડવા માટે લોકોની સેવા કરવા નીકળ્યો હતો.પરંતુ ખરેખર એવું કશું કરી શક્યો નહોતો.તે તો જંગલનો રાજા માત્ર હતો.જ્યારે હાથી તો લોકોની સેવા કરીને લોકોના હૃદયમાં બીરાજતો સમ્રાટ હતો.@કર્દમ મોદી
નોંધ: આ મારી સૌ પ્રથમ વાર્તા છે.

કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094

U Tube: kardam modi

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા