વિરાંજલી પાટણ
વિરાંજલી પાટણ
ગઈકાલે(૨૨/૫/૨૦૨૨) પાટણમાં ગુજરાત સરકાર આયોજિત વિરાંજલી કાર્યક્રમ માણ્યો.ગુજરાતી સાહિત્યકાર સાઇરામ રચિત આ કાર્યક્રમ ખરેખર ખૂબ જ ભવ્ય અને દિવ્ય છે.લોહીમાં રાષ્ટ્રપ્રેમ જગાડે તેવો જબરજસ્ત પ્રોગ્રામ જોઈને દિલ બાગ-બાગ થઈ ગયું.પાટણની પ્રજાની શિસ્ત અને શાંતિ પણ અદ્ભુત હતા. લગભગ ૫૦૦૦ થી વધુ પબ્લિકે પાટણના પ્રગતિ મેદાનમાં અત્યંત શાંતિપૂર્વક સમગ્ર કાર્યક્રમ જોયો.
આ કાર્યક્રમની અંદર સોથી વધારે કલાકારોએ ભાગ લીધો.સ્ટેજની પાછળના ભાગમાં એક મોટો પડદો હતો જેના ઉપર યુદ્ધના અને આગના દ્રશ્યો અવારનવાર બતાવવામાં આવતા હતા અને આગળના ભાગમાં વિવિધ કલાકારો અભિનય દ્વારા કે ગરબા દ્વારા વિવિધ રજૂઆતો કરતાં હતા.
મેડમ કામાએ બનાવેલા ભારતના પ્રથમ રાષ્ટ્રધ્વજ થી માંડીને,ઝાંસીની રાણીની શહાદતની કથાથી માંડીને, કાકોરી કાંડ,ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાની ઓથી માંડીને,ભગતસિંહની કથાથી માંડીને ભારતની આઝાદી સુધીની કથા રજૂ કરવામાં આવી. જેના મુખ્ય સૂત્રધાર સાંઈરામ હતા જે પોતે ભારતના તિરંગા ધ્વજનું પાત્ર ભજવતા હતા.અનેક દૃશ્ય દિલ ધડક હતા જેમાં ભગતસિંહની મોતની દેવી સાથેની મુલાકાતના સંવાદો ગજબના હતા.કઈક તદ્દન નવીજ કલ્પના.
આજના સમયમાં આ પ્રકારના કાર્યક્રમો અત્યંત આવશ્યક છે.આવા કાર્યક્રમોથી પ્રજાને આપણો ઈતિહાસ શીખવા મળે છે તેમજ રાષ્ટ્ર પ્રેમ જાગૃત થાય છે એ વિશે કોઇ પ્રકારની શંકા નથી.સરકારશ્રી નો ખુબ ખુબ આભાર કે આ પ્રકારનો જાહેર કાર્યક્રમ પાટણમાં યોજ્યો અને સાથે એક વિનંતી છે કે ગુજરાતના તમામ શહેરોમાં આ કાર્યક્રમ યોજવામાં આવે અને વધુમાં વધુ લોકો આ કાર્યક્રમનો લાભ લે તે માટે વ્યવસ્થા કરવામાં આવે.સાથે સાથે ટીવી પર પણ પણ આ પ્રોગ્રામ વધુમાં વધુ બતાવવામાં આવે તે જરૂરી છે.
સર્વ મિત્રોને વિનંતી કે યુ ટ્યુબ તેમજ ફેસબુક પર આ કાર્યક્રમ પ્રાપ્ય છે તો વિરાંજલી પાટણ લખીને આ કાર્યક્રમ શાંતિપૂર્વક જુઓ.લગભગ અઢી કલાકનો કાર્યક્રમ છે પરંતુ જોયા પછી સમયનો સદુપયોગ કર્યો તેવી અનુભૂતિ થશે.
કર્દમ ર. મોદી
પાટણ
82380 58094
Comments
Post a Comment