લોકમાન્ય તિલક
અગાઉ હું દૂરદર્શનની યુ ટ્યુબ પરની કેટલીક સીરીયલ વિશે લખી ચુક્યો છું.ગોરા, યાત્રા વગેરે.
આજે પણ હું એક વધુ સીરીયલ વિશે લખવા જઈ રહ્યો છું.યુ ટ્યુબ પર( દૂરદર્શનની નેશનલ ચેનલ પર આ " લોકમાન્ય " સિરિયલ પ્લેલિસ્ટમાં ) સરળતાથી પ્રાપ્ય છે.આપ સૌ જુઓ એવો મારો પ્રેમભર્યો આગ્રહ છે.
શરૂઆતમાં મેં સહજતાથી આ સીરિયલ જોવાની શરૂ કરી.પરંતુ સિરિયલ જોતા જોતા હું સીરીયલમાં એટલો ડૂબી ગયો કે મને પોતાને હવે ખબર પડી કે તિલકજી કેટલું વિરાટ ચરિત્ર હતા.સામાન્ય રીતે આપણા મનમાં જાણતા કે અજાણતા એવી છાપ પડેલી છે કે આઝાદીના આંદોલનમાં બે ત્રણ માણસો સિવાય કોઈએ કશું કર્યું જ નથી.પરંતુ હકીકતમાં ઘણા માણસોએ ઘણું બઘું કર્યું છે.થોડા અભ્યાસની જરૂર છે.
આ સિરીયલ જોઇને મને ખ્યાલ આવ્યો કે લોકમાન્ય તિલક એ અસાધારણ જીવન ચરિત્ર હતું.તિલક કેસરી નામનું છાપુ ચલાવતા હતા.આ છાપુ એ કોઈ ચીલાચાલુ સમાચાર પત્ર ન હતું.પરંતુ અંગ્રેજો સામે લડવા માટેનું એક શક્તિશાળી હથિયાર હતું.તેમાં તેઓ પોતાની આગ ઝરતી વાણીથી સમગ્ર સમાજને જગાડવાનું કામ કરતા હતા.એના લીધે અંગ્રેજોને કેસરી પર ખૂબ જ ગુસ્સે હતો. પરંતુ લોકમાન્ય તિલકની કુશાગ્ર બુદ્ધિ અને કલમ પર અસાધારણ પકડ હોવાના લીધે અંગ્રેજ એમને કશું કરી શકતા ન હતા.છતાં પણ ઘરના ભૂવા અને ઘરના જાગરીયા એ ન્યાયે એમના જ ન્યાયાધીશો અને એમના જ જ્યૂરી મેમ્બર્સનો ઉપયોગ કરી અને અંગ્રેજોએ લોકમાન્ય તિલકને છ વર્ષ માટે માંડલેની જેલમાં બર્મા મોકલી આપ્યા હતા.હકીકતમાં અંગ્રેજો લોકમાન્ય તિલકથી ખૂબ જ ગભરાતા હતા.લોકમાન્ય તિલકની લોકો ઉપર અસાધારણ પકડ હતી સાદી ભાષામાં કહેવું હોય તો લોકો તિલકજીને પૂછ્યા વગર પાણી પણ પીતા નહોતા, એટલું વિરાટ ચરિત્ર હતું લોકમાન્ય તિલક.
આજે ચાલતો ગણપતિનો તહેવાર અને શિવાજી જયંતિ એ તિલકજીએ શરૂ કરેલો.આ તહેવારથી સમાજ એકત્ર થવા માંડ્યો અને આઝાદીની ચળવળને ઘણો વેગ મળ્યો.તિલકજીનું આ ઘણું મોટું પ્રદાન છે.
મને તિલકજીનો સૌથી વધારે જે ગુણ ગમ્યો તે છે નિડરતા.એક વખત તિલક એમના મિત્રો સાથે બીજા માળે ઊભા હતા અને મિત્રોએ એમને કહ્યું કે તિલકજી અહીંયા તમે ઉભા છો અને અચાનક અહિયાં ચાર જણા આવીને તમને ઘેરી લે તો તમે શું કરો? તત્કાળ વિચાર્યા વગર તિલકે ત્યાંથી નીચે સીધો કૂદકો માર્યો અને નીચે આવી ગયા.એમના મિત્રો તો જોતા જ રહી ગયા.તેઓ જબરજસ્ત ખુમારી ધરાવતા હતા અને સિંહ જેવું વ્યક્તિત્વ હતા.ક્યારેક જરૂર પડે તો ગુસ્સા અને ક્રોધનો પણ તે ઉપયોગ કરતા.
માંડલેની જેલમાં ગયા પછી ઘેર એમણે પ્રથમ પત્ર લખ્યો ત્યારે એનું પ્રથમ વાક્ય હતું કે અહીંયા ધ્યાન માટે એકાંત સારું છે.અહીં સમજવાની વાત એ છે કે મહાપુરુષોને જિંદગીની ગમે તેવી આગમાં નાખી દો તો પણ એને એ બાગ બનાવીને જ રહે છે.
બીજા દિવસે જેલર આવીને પૂછે છે કે પછી આપને કશું જોઈએ છે ત્યારે તેમણે કહ્યું કે મને કેટલાક પુસ્તકો લાવી આપો.ત્યારબાદ તેમણે આધ્યાત્મિક પુસ્તકો મંગાવ્યા અને જેલના છ વર્ષનો ઉપયોગ કરી અને ગીતા રહસ્ય નામનો એક મહાન ગ્રંથ લખ્યો. ભૂતકાળમાં એમણે આઝાદીનું આંદોલન કરતા કરતા ઓરાયાન નામનો ખગોળશાસ્ત્રનો ગ્રંથ પણ લખ્યો હતો.ત્યારે થાય છે કે આ લોકો કેટલા મહાન પંડિતો હતા કે આઝાદીનું આંદોલન કરતાં કરતાં ખગોળશાસ્ત્રનાં ગ્રંથો પણ લખી શકતા હતા. આપણે બધા એ બાબત કદાચ જાણીએ છીએ કે તિલક એક ગણિતપ્રેમી વ્યક્તિ પણ હતા.ગણિત એમનો અત્યંત પ્રિય વિષય હતો.
કોર્ટમાં એમનો જે કેસ ચાલતો હતો તેમાં પોતાની પેરવી એમણે પોતે જ કરેલી.એ વખતે અંગ્રેજોને એ કેસ ચલાવતા પરસેવો છૂટી ગયો હતો અને જજે સામે ચાલીને એમને કહ્યું હતું કે you are an intelligent man.અંગ્રેજો પણ એમની પ્રખર બુદ્ધિથી પ્રભાવિત હતા.આ સમગ્ર ઘટના દસમા હપ્તામાં છે. જે જોવા માટે આપને મારો ખાસ આગ્રહ છે.
એક ઘટના એવી છે કે એક અંગ્રેજે તિલકજીના વિરોધમાં એક પુસ્તક લખ્યું.ત્યારે એમના એક અનુયાયીએ કહ્યું કે મહારાજ એક માણસે તમારા વિરોધમાં પુસ્તક લખ્યું છે,ત્યારે તિલકજીએ કહ્યું કે કશો વાંધો નહિ.આપણે એ પુસ્તકના સામે ઇંગ્લેન્ડની કોર્ટમાં કેસ મુકીશું અને એ બહાને ઈંગ્લેન્ડ જઈને આઝાદીના આંદોલનનું કામ કરીશું. અનુયાયીએ કહ્યું કે ઇંગ્લેન્ડ જવાના પૈસા ક્યાંથી આવશે?તિલકે કહ્યું કે આઝાદીનું કામ છે,પૈસા ગમે ત્યાંથી મળી આવશે.ત્યારબાદ પોતાનું ઘર એમણે ગીરવે મૂકી દીધું અને એ પૈસાથી ઇંગ્લેન્ડ ગયા અને પોતાનો કેસ લડ્યા.ઈંગ્લેન્ડમાં પણ એમની બૌદ્ધિક પ્રતિભાથી બ્રિટિશ લોકો જબરદસ્ત પ્રભાવિત થયા હતા.ઇંગ્લેન્ડની કોર્ટમાં ચાલેલો એમનો ઐતિહાસિક કેસ સીરીયલમાં વિગતવાર જોવા જેવો છે.એનું વર્ણન કરવા મારી પાસે યોગ્ય શબ્દો પણ નથી.
જેલમાં એમની રસોઈ કરવા માટે અંગ્રેજ સરકારે એક રસોઈયાની નિમણૂક કરી હતી.રસોઇ પોતે પણ એક કેદી જ હતો.જ્યારે રસોઈયો એમને મળે છે ત્યારે રસોઈયો કહે છે કે મહારાજ મેં જે ગુનો કર્યો હતો તે તો મારા જીવનનું પુણ્ય સાબિત થઈ ગયું કે મને આપના માટે રસોઇ કરવા મળી. ત્યારબાદ લોકમાન્ય તિલક માટે આ રસોઈયાએ છ વર્ષ રસોઈ કરી. તિલકે જ્યારે છ વર્ષ પછી જેલ છોડે છે ત્યારે જેલરે પણ એમને કહ્યું કે તમે જતા રહેશો પણ અમને તમારી કમી મહેસુસ થશે.
સીરિયલ ખરેખર સરસ બની છે. તિલકજીના જીવનને સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે.આપ સર્વેને નમ્ર વિનંતી કરું છું કે યુ ટ્યુબની દૂરદર્શનની નેશનલ ચેનલ પર આ સિરિયલ પ્લે લિસ્ટમાં સરળતાથી પ્રાપ્ય છે.આપ સૌ જુઓ એવો મારો પ્રેમભર્યો આગ્રહ છે.
લિંક
https://m.youtube.com/watch?v=eTY2rlypeF4&t=14s
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ(ઉ.ગુ.)
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment