સ્વામી રામતીર્થ

 સ્વામી રામતીર્થ


સ્વામી વિવેકાનંદ વિશે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ પરંતુ સ્વામી રામતીર્થ વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે.આજે મેં સ્વામી રામતીર્થના જીવન ચરિત્રનું એક પુસ્તક વાંચ્યું.તેના આધારે આ લેખ લખવા પ્રેરાયો છું અને જે આનંદનો અનુભવ થયો છે તે આપ સૌની સાથે વહેંચવા માંગુ છું.


સ્વામી રામતીર્થનું મૂળ નામ તીર્થ રામ હતું.તેઓ આજના પાકિસ્તાનમાં જન્મ્યા હતા ભણવામાં નાનપણથી અત્યંત હોશિયાર હતા.ધોરણ પાંચ સુધી પોતાના ગામમાં ભણ્યા હતા અને તે પણ ઉર્દુ માધ્યમમાં.ત્યારબાદ તેમને આગળ ભણવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ ગામમાં શાળાની સુવિધા ન હોવાથી તેમના માતા પિતાએ એમનો ભણવા માટેનો આગ્રહ જોઈને દૂરના એક મિત્રના ત્યાં એક શહેરમાં ભણવા મૂક્યા. ત્યાં જઈને પણ એ એટલું સારું ભણ્યા કે મેટ્રિકમાં સારું પરિણામ આવ્યું ત્યારબાદ પણ તે કોલેજ કરવા માગતા હતા.પરંતુ સામાજિક અને આર્થિક સ્થિતિ જોતા આગળ ભણવાનું શક્ય નહોતું.પરંતુ એમની આસપાસના કેટલાક લોકોએ એમના માતા પિતાને આગ્રહ કર્યો કે આ બાળક ભણવામાં ખૂબ હોશિયાર છે તો અમે ટેકો કરીશું પરંતુ એને ભણાવો અને ત્યારબાદ તે કોલેજ ભણ્યા..


એમનો વિષય ગણિત હતો. ગણિતમાં એટલા બધા પાવરફુલ હતા કે ગણિતના દાખલા ગણવાથી તેમનું મન ફ્રેશ થઈ જતું હતું અને જો ગણિતના દાખલાનો જવાબ ન આવે તો તે આત્મહત્યા કે કરવા સુધી પહોંચી જતા હતા પરંતુ આખરે ગણિત ના દાખલા નો જવાબ આવતા અત્યંત આનંદની અનુભૂતિ કરતા હતા.એમના પ્રોફેસરો તેમ જ આસપાસના લોકો એમના ભણતરથી એટલા બધા પ્રભાવિત હતા કે તમામ લોકો એમને મદદ કરવા તૈયાર રહેતા.એમનું શરીર ખૂબ જ નબળું હતું આથી એમના પ્રિન્સિપાલે એમની સામે એવી શરત મૂકી કે તું ભણવામાં ગમે એટલો સારો હોય પરંતુ શરીર સારું નહીં હોય તો જીવનમાં આગળ વધી શકીશ નહીં એટલે કોલેજ છૂટ્યા પછી રોજ સાંજે તારે એક કલાક કસરત કરીને ઘેર જવાનું અને ત્યારબાદ એમણે નિયમિત કસરત કરવાની શરૂ કરી દીધી. આગળ જતા એમણે એવું શરીર કેળવ્યું કે હિમાલયના પહાડો માં બરફમાં 20,20 કિલોમીટર દોડી શકતા અને દરિયામાં 20, 20 કિલોમીટર કરી શકતા હતા.


કોલેજ પૂરી કરી ત્યાં સુધીમાં એમને ખૂબ જ આર્થિક સંકડામણ માંથી પસાર થવું પડતું હતું પરંતુ કોલેજમાં સારું પરિણામ આવ્યા પછી તેમને 60 રૂપિયા જેવી માતબર શિષ્યવૃત્તિ મળતી હતી.જેનાથી એમની આર્થિક સંકડામણ દૂર થઈ ગઈ.


જો કે વચ્ચે એક પ્રસંગ એવો પણ છે કે કોલેજના પ્રથમ વર્ષમાં તેઓ ગણિતમાં નપાસ થયા હતા.જે એમની કલ્પના બહાર હતું.પરિણામ આવ્યું ત્યારે તેમને પોતાના પરિણામથી ખૂબ જ ખોટું લાગ્યું અને ત્યારબાદ એમણે ખૂબ જ મહેનત કરી અને બીજા વર્ષે તેઓ ગણિતમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ નંબર લાવ્યા.


આમ હાલ સુધીનું સ્વામી રામતીર્થનું જીવન ચરિત્ર જોતા સ્પષ્ટ માલુમ પડે છે કે એક વિદ્યાર્થી તરીકે તેઓ ખૂબ જ ઉત્તમ કક્ષાના વિદ્યાર્થીઓ હતા અને ગણિત તેમનો ખૂબ જ પ્રિય વિષય હતો.તેઓ બીજા વિદ્યાર્થીઓને પણ ગણિત શીખવાડતા હતા.જોકે કોલેજ પૂરી કર્યા પછી એમણે બીજી કોલેજોમાં નોકરી કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ લગ્ન થઈ ગયું હોવાથી સાંસારીક જીવન જીવવાનું પણ શરૂ કર્યું.


પરંતુ અધ્યાત્મ પ્રત્યેનો એમનો ઝુકાવ વધારે પડતો હોઇને પ્રભુને પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રબળ બનતી ગઈ.એક વખત એક રામકથામાં તેઓ બેઠા હતા ત્યારે રામ ભરતના મિલનનો પ્રસંગ સાંભળીને એટલા બધા રડ્યા કે કથાને અધવચ્ચે રોકી દેવી પડી હતી.તેમજ ભારતીય શાસ્ત્રો પ્રત્યેનો એમનો પ્રેમ એટલો બધો હતો કે આવકનો ઘણો બધો ભાગ પુસ્તકો ખરીદવામાં ખતમ થઈ જતો હતો અને આખરે પૈસાની ભીડ જ ઊભી થતી હતી.


એમને કુટુંબમાં એક દીકરો અને દીકરી હતા છતાં પણ ભક્તિમાં મન લાગેલું હોવાથી એક સમય એવો આવ્યો કે જ્યારે એમણે કુટુંબને કહી દીધું કે હવે હું સન્યાસ લેવા માંગુ છું અને ત્યારબાદ તેમના કેટલાક મિત્રો સાથે હરદ્વાર જતા રહ્યા અને સન્યાસી જીવન શરૂ કર્યું. પત્ની પણ સદગુણી અને સંસ્કારી હોવાથી સાથે આવવાનો આગ્રહ કરતા પત્ની અને બાળકોને પણ હરદ્વાર સાથે જ લઈ ગયા.પરંતુ અમુક સમય પછી કુટુંબને ઘેર પાછું મોકલી દીધું અને પોતે ત્યાં સન્યાસી જીવન જીવવા માંડ્યા અને આસપાસ ઉપદેશ કરવા લાગ્યા એમની વાણીમાં એવી પ્રબળ તાકાત હતી કે લોકો દૂર દૂરથી સાંભળવા આવતા હતા.ટીહરીના રાજાએ તો તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈ એમને જાપાનની વિશ્વ ધર્મ પરિષદમાં મોકલ્યા હતા.પરંતુ કંઈક સંદેશામાં ખામી હોવાના લીધે જાપાનમાં ગયા પછી ખબર પડી કે જાપાનમાં આવી કોઈ ધર્મ પરિષદ હતી નહીં એટલે એમને ખૂબ જ હસવું આવ્યું અને કહ્યું કે ભગવાન તે મને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે કેવી રીતે અહીં મોકલ્યો.


ત્યારબાદ એમણે જાપાનમાં ભારતીય સંસ્કૃતિ ઉપર ઘણા બધા પ્રવચનો આપ્યા અને લોકોનો પ્રેમ મેળવ્યો.ત્યારબાદ તેઓ જાપાનથી અમેરિકા ચાલ્યા ગયા અને અમેરિકામાં વિવિધ જગ્યાએ ફરીને એમણે એટલા બધા વ્યાખ્યાનો આપ્યા કે જેનાથી અમેરિકામાં વેદાંતનો ખૂબ જ પ્રચાર થયો. અમેરિકનો એમને ભરપૂર ચાહવા લાગ્યા.જ્યારે એમણે અમેરિકા છોડ્યું ત્યારે સેંકડો લોકોએ એમને રડતી આંખે વિદાય આપી અને કહ્યું કે તમે વહેલા વહેલા અમારા દેશમાં પાછા આવજો.પરંતુ તેઓ પાછા જઈ શક્યા નહોતા.


અમેરિકામાં જ્યારે રહેતા હતા ત્યારે પણ તેઓ જંગલમાંથી જાગતે લાકડા કાપી લાવતા હતા અને બધું જ કામ જાતે કરતા હતા.પોતાના શિષ્યોને નિયમિત રીતે કસરત પણ કરાવતા હતા અને કહેતા હતા કે શ્રમ કર્યા વગર કદી ખવાય નહીં.આ એમની એક વિશિષ્ટ બાબત જણાય છે.


ભારતમાં આવ્યા બાદ પણ હિમાલયના ઘણા બધા સ્થાન પર એમણે વસવાટ કર્યો અને વેદાંત ધર્મનો પ્રચાર કર્યો.પરંતુ ધીમે ધીમે એમને એકાંતવાસ વધારે સારો લાગવા માંડ્યો અને એક સમયે બધું જ છોડીને એકાંતમાં રહેવા ચાલ્યા ગયા.


એક વખત એમના એક રસોઈયા સાથે તે ગંગા નદીમાં સ્નાન કરવા જતા હતા અને પગ ખસી ગયો.ત્યારબાદ એમનું શરીર પાણીમાં તણાવવા માંડ્યું.એમણે બચવા કોશિશ કરી પણ એમને લાગ્યું કે હું બચી શકીશ નહીં એટલે તેમણે મોટા અવાજે ઓમનો નાદ કરીને પોતાના શરીરને ગંગામા છૂટું છોડી દીધું.એના સાત દિવસ પછી કોઈક સ્થાનેથી એમનું શરીર પદ્માસન વાળેલી અવસ્થામાં પ્રાપ્ત થયું હતું.ત્યારબાદ એમના શરીરને ગંગા નદીમાં જ જળ સમાધિ આપી દેવામાં આવી. 33 વર્ષની નાની ઉંમરે આ ફાની દુનિયા છોડી દીધી.


સ્વામી રામદેવનું સમગ્ર જીવન જોતા જણાય છે કે રામ તીર્થ એક અત્યંત ખુમારી વાળા અને ભગવાનના લાડલા દીકરા હોય એવી અસ્મિતા વાળા વિશેષ વ્યક્તિ હતા.ભારતીય સંસ્કૃતિ અને ભારત દેશ માટે એમને એટલો બધો પ્રેમ હતો કે અંગ્રેજો એમને સ્વાતંત્ર સેનાની માનીને એમને પકડવા માટે. વારંવાર છૂપી પોલીસ મોકલતા હતા પરંતુ પોલીસને તપાસમાં ક્યારેય કશું જ પ્રાપ્ત થતું ન હતું.


આપ સૌ મિત્રોને મારા તરફથી વિનંતી છે કે સ્વામી રામતીર્થનું જીવનચરિત્ર વાંચો અને ભારત દેશમાં કેટલા મહાન અને વિરલ ચરિત્રો થઈ ગયા છે એ જાણો. આપને પણ થશે કે આપણે કોઈ સામાન્ય ભૂમિમાં જન્મ્યા નથી અને આ ભૂમિમાં જન્મ્યા છીએ તો એનું ઋણ અદા કરવું રહ્યું.


કર્દમભાઈ મોદી,

આચાર્ય,

પી.પી પટેલ હાઇસ્કુલ,

ચાણસ્મા

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા