પુસ્તક દિવસ
આઘાત જનક કે પછી આનંદ જનક ઘટનાઓની બાબતે માત્ર સ્ટેટસ મૂકી ને છૂટી જવાની વૃત્તિ જ્યારે વધી રહી છે ત્યારે આજના પુસ્તક દિવસ નિમિત્તે પણ સ્ટેટસ મુકવાથી આગળ વધીને એક બે વાતો લખવાની ઈચ્છા થાય છે.
પુસ્તક દિવસ હોવો એ ખરેખર આનંદની વાત છે.પરંતુ પુસ્તક દિવસ નિમિત્તે આપણે શું વિચારવું જોઈએ એના વિશે એક બે પોઇન્ટ હું અહીંયા જણાવવા માંગુ છું.
પુસ્તકની સ્થિતિ અત્યંત કરુણ બની રહી છે પુસ્તકાલયો હવે હકીકતમાં પુસ્તકાકાયો રહ્યા જ નથી.માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેના કેન્દ્રો બની ગયા છે.હદ તો ત્યાં થાય છે કે પ્રાઇવેટ લાયબ્રેરીઓ ઊભી થઈ રહી છે.કદાચ કોઈ વિદેશી આવીને જુએ તો પ્રાઇવેટ લાઇબ્રેરીઓના કન્સેપ્ટથી એ આનંદવિભોર થઈ જાય (હ્યુ એન સંગ ?) પરંતુ આ ભુરીયાઓને બિચારાઓને કોણ સમજાવે કે ભાઈ આ લાયબ્રેરી નથી પરંતુ આ એન્જિનિયર બન્યા પછી પટાવાળાની પરીક્ષામાં પાસ થવા માટેની મથામણ છે .એટલે આજકાલ પુસ્તકોની સ્થિતિ અત્યંત કરુણ છે એ કહેવાની કોઈ જરૂર નથી.
નવી પેઢીના મનમાંથી વાંચનનો આખો કન્સેપ્ટ ખતમ થઈ ગયો છે માત્ર પુસ્તકિયું શિક્ષણ, ગોખનીયું શિક્ષણ અને સંકુચિત મનોવૃત્તિના લીધે બાળકો સદંતર વાંચતા નથી.જેમ આજે પગે ચાલવાનું વલણ કે ઘંટીમાં જાતે લોટ દળવાની બાબત અથવા છાશમાંથી માખણ વલોણા દ્વારા જાતે કાઢવાની બાબત સમાજમાંથી લુપ્ત થઈ ગઈ છે એવી રીતે બાળકોના મનમાંથી વાંચવાની બાબત પણ લુપ્ત થઈ રહી છે.આના લીધે બાળકો અત્યંત સંકુચિત મનોવૃત્તિ ધરાવતા થઈ ગયા છે.જોકે આવા બાળકો પરીક્ષામાં 25/25 લાવતા હોય છે એની કોઈ ના નથી.
આવા સમયે મારા તરફથી એક સૂચન એ છે કે આપણે આપણા બાળકોને રોજ પુસ્તકાલયના પુસ્તકોના પાંચથી સાત પાના વાંચવા માટે પ્રેરિત કરીએ.એમને એવો એક નિયમ બનાવી દઈએ કે તારે રોજના પાંચ પાના તો વાંચવા જ પડશે અને સાથે બાળકોને થોડા ઓછા ટકા લાવવાની સ્વતંત્રતા પણ આપીએ કારણ કે ધોરણ 1 થી 8 માં લાવેલા ટકાના આધારે કોઈ પ્રકારની નોકરીઓ મળવાની નથી કે કોઈ પ્રકારના એડમિશનના પ્રશ્નો થતા નથી.પરંતુ એના મનનો વિકાસ થાય એ મહત્વનું છે અને મનના વિકાસ માટે લાઇબ્રેરીના પુસ્તકોનું વાંચન જરૂરી છે એના માટે મેં કેટલાક તબક્કા વિચાર્યા છે.
*જેમ કે સાવ નાના બાળકોને એમના માતા પિતા રોજની એક કે બે વાર્તાઓ પુસ્તકમાંથી વાંચીને સંભળાવે
*ત્યારબાદ ધોરણ 1 , 2 અને 3 ના બાળકોને પાસે બેસીને રોજની એકાદ વાર્તા વંચાવે .
*ધોરણ ત્રણથી ઉપરના બાળકો રોજ પાંચ થી સાત પાનાની વાર્તા જાતે વાંચે.
એવું કંઈક આયોજન કરી શકાય.આ બધું કરવું ખૂબ જ સહેલું છે.લાઇબ્રેરીઓમાં મોંઘી કિંમતના બાળકોના પુસ્તકો મફતમાં મળી રહે છે.પરંતુ એક સંકલ્પ હોવો અને વાંચનના મહત્વનું ફંડામેન્ટલ પોતાના મનમાં સ્પષ્ટ હોવું ખૂબ જ જરૂરી છે.જો તમે 25/25 ની માયાજાળમાં સપડાઇ ગયા તો યાદ રાખજો કે તમારું બાળક અત્યંત સંકુચિત મનોવૃત્તિનું થશે અને આગળ જતા ભણવામાંથી રસ ગુમાવી બેસશે.
આજના પુસ્તક દિવસ નિમિત્તે આપણે સૌ ઉપરના સૂચન વિશે વિચાર કરીએ.તેમજ એક વડીલ તરીકે સ્વયં વાંચીને પોતાના બાળકોને વાંચવાની પ્રેરણા આપીએ.
ગૃહકાર્ય: તમે રિમોટ લઈને બેસો તો તમારું બાળક તમારા હાથમાંથી રીમોટ લઈ લેશે.તમે મોબાઇલ લઈને બેસો તો તમારું બાળક તમારા હાથમાંથી મોબાઈલ લઈ લેશે અને તમે પુસ્તક લઈને બેસો તો તમારો બાળક તમારા હાથમાંથી પુસ્તક લઈ લેશે.પ્રયોગ કરીને જોઈ જોજો.
આભાર
કર્દમ ભાઈ મોદી
આચાર્ય
પીપી પટેલ હાઇસ્કુલ
ચાણસ્મા
Mob.82380 58094
Comments
Post a Comment