પંચાયત
એક મજેદાર વેબ સીરીઝ
ભાઈ, આજકાલ તો વેબ સીરીઝનો જમાનો છે. હવે તો મોબાઇલમાં ટીવી અને થિયેટર સમાઈ ગયા છે.( બિંદુમાં સિંધુ) એટલે હવે વેબ સીરીઝની ભાષામાં વાત કરવી પડે.
હમણાં એક સારી વેબસીરીઝ જોવા મળી એટલે માત્ર જાણ કરવા પૂરતું આપ સૌની સાથે એ વાત શેર કરી રહ્યો છું. વેબ સિરીઝ નું નામ છે પંચાયત...
સૌથી મોટું આશ્ચર્ય એ છે કે આજના સમયમાં પણ ગામડાના બેકગ્રાઉન્ડ પર બનેલી આ સ્ટોરી એટલી બધી રસપ્રદ બનાવી છે કે આખી સીરીયલ લગભગ એક જ બેઠકે પૂરી થઈ જાય છે. થોડા વર્ષો પહેલા એક ફિલ્મ આવી હતી, માલામાલ વિકલી. આ ફિલ્મ સંપૂર્ણપણે ગામડાના બેકગ્રાઉન્ડ પર બનેલી હતી અને લોકોએ અત્યંત પસંદ કરી હતી. આ સીરીઝનું પણ એવું જ છે.
વાર્તા કંઈક એવી છે કે શહેરનો એક છોકરો છે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીને બહુ મોટો અધિકારી બનવા માંગે છે. પરંતુ એ મોટો અધિકારી બને એ પહેલાં જ એ તલાટીની પરીક્ષામાં પાસ થઈ ગયો અને તલાટી તરીકે કોઈ ગામડામાં નોકરી પણ મળી ગઇ. પરંતુ તેને ગામડામાં તલાટી થવામાં કોઈ પ્રકારનો રસ નથી. આથી નોકરી કરવા જવા માગતો નથી. પરંતુ એનો મિત્ર એને જબરદસ્તી પૂર્વક મોકલે છે કે તું એકવાર નોકરી ચાલુ કરી દે અને પગાર લેતો થઇ જા. ત્યારબાદ ત્યાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષાની મહેનત કરજે અને પછી તું મોટો અધિકારી બનજે. એટલે આ યુવાન ઇચ્છા ન હોવા છતાં પણ ગામડામાં તલાટી બનીને આવે છે અને શરૂ થાય છે ગામડાની અંદર બનતી અવનવી ઘટનાઓ. ખરેખર એટલી બધી રસપ્રદ અને મનોરંજક સિરિયલ બનાવી છે કે થોડીવાર માટે તો આપણે પણ ભૂલી જઈએ છીએ કે આપણે ક્યાં બેઠા છીએ. ગામના લોકોનું ભોળાપણું, ગામના લોકોની અંધશ્રધ્ધા, ગામના લોકોનું મનોરંજન, ગામના લોકોને હાસ્યવૃત્તિ અને સાથે સાથે ગામના લોકોના ઝઘડા કરવાના મુદ્દા... આ બધુ સીરીઝમાં એટલું સરસ રીતે વણવામાં આવ્યું છે કે સાડા ચાર કલાક ની આખી સીરીયલ લગભગ એક જ બેઠકે પૂરી થઈ જાય છે. અંત પણ એટલો જ સરસ. આપણા એક મહાન જૂના કલાકાર રઘુવીર યાદવ ( મુંગેરીલાલ વાળા) એમના વ્યક્તિત્વ પ્રમાણે સરપંચ પતિનું પાત્ર જબરું ભજવી ગયા છે અને પટાવાળાના પાત્ર વાળા કલાકારે પટાવાળાના પાત્રને જાણે ગરિમા આપી છે.નમ્રતાની સાથે તેની નૈતિક હિમ્મત કાબિલેદાદ છે.મોટા મોટા પ્રશ્ન એ સહજતાથી ઉકેલી નાખે છે. કેટલાક રચનાત્મક મુદ્દાઓ પણ સરસ આપ્યા છે. જેમ કે આપણે ત્યાં મહિલા સરપંચ લગભગ રબર સ્ટેમ્પ હોય છે.પરંતુ આ સીરીઝમાં મહિલા સરપંચે કેવી રીતે કામ કરવું જોઈએ એનો બહુ સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો છે. બધું લખવા કરતાં આપ સર્વે આ સીરીઝ જુઓ એ સારું રહેશે.ઘેર બેઠા ગામડાની મજા લેવાની વાત છે. આ સીરીયલ જોવા માટે મારો આગ્રહ છે.
કર્દમ ર. મોદી, આચાર્ય.
પીપી હાઈસ્કૂલ, ચાણસ્મા.
M.Sc., M.Ed. Maths
M. 82380 58094
You tube channel
kardam modi
તા. ક. મિત્રો, લખાણોને share કરવાનો આગ્રહ રાખો. આપણે વાંચીએ એટલું પૂરતું નથી. બીજાને વંચાવ
વું પણ જરૂરી છે.

Comments
Post a Comment