ગાંધી-વામનમાંથી વિરાટ
આજના સમયમાં કોઈને એવું લાગે કે ગાંધીજીના વિચારોની કોઈ જરૂર નથી. ઘણા લોકોને તો એવું લાગે છે કે મોબાઈલના જમાનામાં કોઈ ની પણ જરૂર નથી. પરંતુ હકીકત એવી નથી મોબાઈલ આવે કે મોબાઈલ પછીની કોઈ વસ્તુ આવે જીવનના મૂળભૂત નિયમો ક્યારેય બદલાયા નથી અને બદલાવાના નથી .આજથી ૧૦૦૦ વર્ષ પછી પણ જીવનના મૂળભૂત નિયમો એના એ જ રહેવાના છે પરંતુ કેટલાક સાધનો અને ટેક્નોલોજીના લીધે તેના પ્રભાવમાં આવી જવાના લીધે તેના પ્રત્યેના મોહને લીધે અને આપણા પોતાના અજ્ઞાનના લીધે આપણે ક્યારેક જીવનના મૂળભૂત નિયમો વિસરી જઈએ છીએ ત્યારે કુદરત કેટલાક માણસોને આ દુનિયામાં મોકલે છે જે આપણને આ નિયમો યાદ કરાવે છે એવા અનેક માણસોમાંથી એક માણસનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી.
મહાત્મા ગાંધીએ આ દુનિયામાં આવીને ખરેખર તો આપણા ઉપર જ ઉપકાર કર્યો છે કારણ કે નાનપણમાં અત્યંત સામાન્ય હોવા છતાં પણ આગળ જતાં તે એટલા બધા જુદા બની ગયા કે આપણને માન્યામાં ન આવે કે આટલી સામાન્ય વ્યક્તિ આટલી બધી મહાન કઈ રીતે બની શકે!
મહાત્મા ગાંધીનું બાળપણ જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આના કરતાં તો બીજા કોઈ પણ બાળકો વધારે સારા ગણાય. પરંતુ મહાત્મા ગાંધી નું આગળ નું જીવન જોતાં આપણને ખ્યાલ આવે છે કે તેઓ અન્ય તમામ માનવો કરતાં ઘણા આગળ નીકળી ગયા હતા અથવા મહાન બની ગયા હતા. એનું કારણ શું હતું એનું કારણ બહુ સીધો સાદુ છે .તેઓ ભૂલો કરતા ગયા અને ભૂલોમાંથી શીખતા ગયા .બીજું એમણે એકની એક ભૂલ ક્યારેય બીજી વાર કરી નથી .બસ આ જ બાબતમાં એનું રહસ્ય છુપાયેલું છે.
તદુપરાંત ઉડીને આંખે વળગે એવી બીજી વાત એ છે કે એમણે પોતાને સોંપાયેલ કોઈપણ કામ હંમેશા નિષ્ઠાપૂર્વક કર્યું છે. સભા 11 વાગે શરૂ થવાની હોય તો સભા 11 જ વાગે શરૂ થાય એવો એમનો જે આગ્રહ હતો એ આગ્રહે પણ એમને મહામાનવ બનાવ્યા છે .એવી રીતે કોઈ પણ વસ્તુનો ખોટો બગાડ ન થવો જોઈએ એવા આગ્રહને લીધે એક નાનકડી પેન્સિલને પણ છેક સુધી વાપરવાનો આગ્રહ હતો તે આગ્રહે એમને મહામાનવ બનાવ્યા છે .તદુપરાંત તેઓ પોતાનાથી નાના માણસોનું કીધેલુ પણ કરતા હતા. એટલું જ નહીં પરંતુ કોઈની ગેરહાજરીમાં પણ નિયમ પાલન કરવાનો પોતે આગ્રહ રાખતા હતા .તેઓ એવું નહોતા માનતા કે કોઈ મને જોતું હોય તો જ હું નિયમનું પાલન કરૂ. એવું એમના મનમાં ક્યારેય નહોતુ. પરંતુ મારે આ નિયમનું પાલન કરવું જોઈએ એમ માનીને તેઓ હંમેશા નિયમનું પાલન કરતા હતા.
અહિંસા એ આ દેશ માટે કોઈ નવી બાબત નહોતી પરંતુ એમણે આ દેશના લોકોને અહિંસાનો પ્રયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું અને જોતજોતામાં આ નવો વિચાર દુનિયાભરમાં ફેલાઈ ગયો અને ત્યારબાદ દુનિયાના અનેક લોકોએ તેનું અનુસરણ કર્યું અને બીજા દેશની અંદર પણ આ વિચાર ફેલાતા બીજા દેશની અંદર પણ નવા નવા સ્વરૂપે ગાંધી પેદા થયા. જેમકે નેલ્સન મંડેલા ,માર્ટીન લ્યુથર કિંગ વગેરે.
આજકાલ આપણે ત્યાં તો ગાંધીજીના વિરોધમાં બોલવાની જાણે એક જાતની ફેશન શરૂ થઈ ગઈ છે પરંતુ ગાંધીજીના વિશે ગમે એટલું વિરોધમાં બોલવામાં આવે પરંતુ ગાંધીજીના જીવનને એનાથી કોઈ ફરક પડવાનો નથી .કારણ કે ગાંધીજી જીવનના કોઈ પણ તબક્કે આપણને ઘણું બધું શીખવવા માંગે છે અને એ શીખવીને જ રહેશે એટલે ગાંધીજી આજે પણ એટલા જ પ્રસ્તુત છે
હા સમય બદલાય છે તેમ કેટલાક પરિવર્તનો એની અંદર જરૂર આવે છે જેમ કે આજે રેટીયો કાંતવાનું કામ આપણે લોકોને ન સમજાવી શકીએ પરંતુ એના બદલે બીજા ઘણા સારા કામો છે જેનાથી દેશનુ અને લોકોનું ભલું થાય તે કરવા આપણે જરૂર સમજાવી શકીએ .
પ્રદુષણ અને યંત્ર વિશે ગાંધીજીએ અનેક વર્ષો પહેલા જે વિરોધ બતાવ્યો હતો એ આજે બધાને સમજાઇ રહ્યો છે .આજે પર્યાવરણ અને પ્રદુષણના જે પ્રશ્નો ઊભા થયા છે તે હકીકતમાં ગાંધીજીનું કીધેલું ન માનવાને લીધે જ થયા છે .એ આપણે બધા હવે અંદરખાને સમજવા માંડ્યા છીએ અને ધીમે ધીમે પર્યાવરણ માટે લોકો જાગૃત પણ બનતા જઈ રહ્યા છે જે હકીકતમાં ગાંધીજીના વિચારો જ પ્રસ્તુત બની રહ્યા છે એવું આપણે કહી શકીએ.
ગાંધીજી વિશે અનેક પુસ્તકો છે જેમાં સૌથી પ્રખ્યાત પુસ્તક તેમની આત્મકથા સત્યના પ્રયોગો છે .જેના વિશે વધુ કહેવાની કોઈ આવશ્યકતા નથી પરંતુ મારે તેમના વિશેના અન્ય બે પુસ્તકો બાબતે ધ્યાન દોરવું છે એક પુસ્તકનું નામ છે અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જેના લેખક છે નારાયણ દેસાઈ .આ પુસ્તક ઘણું જાડું પુસ્તક છે. આથી કોઈને આ પુસ્તક જોઈને વાંચવાનો કંટાળો આવે પરંતુ આ પુસ્તકને મેં વાંચેલું છે અને આ પુસ્તક એકવાર તમે શરૂ કરો તો પૂરું કર્યા વગર એને છોડો નહિ એટલું રસપ્રદ પુસ્તક છે એટલે મારી સર્વ મિત્રોને ભલામણ છે કે આ પુસ્તક ખાસ વાંચવું.
તેવી જ રીતે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ .આ પુસ્તક પણ ખાસ વાંચવા જેવું છે.કદાચ નામ વાંચીને કંટાળો આવે પરંતુ હકીકતમાં આ એક અત્યંત સુંદર પુસ્તક છે .એટલે એ પુસ્તક પણ છોડવા જેવુ નથી .મેં આ પુસ્તક એક જ બેઠકે આખી એક રાત વાંચીને પૂરું કર્યું હતું.આ પુસ્તકની અંદર ખૂબ જ સુંદર પ્રસંગો નોંધાયેલા છે. અમુક પ્રસંગો તો હાસ્યથી ભરપુર છે .જે વાંચતા આપણને ક્યારેક તો હાસ્યનું સાહિત્ય વાંચતા હોય તેવી અનુભૂતિ થાય છે. ગાંધીજી એ ખરેખર એક વિરલ વ્યક્તિત્વ છે પરંતુ આજકાલ આપણે સમયના મોહમાં આવી જઈ અને કોઈ બાબતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગતા નથી અને એને લીધે ગાંધીજીનો પણ અભ્યાસ કરવા માંગતા નથી જેના લીધે આપણે આપણા દેશમાં જન્મેલા એક મહાનુભાવ ને સમજી શકતા નથી. જે અત્યંત દુઃખદ બાબત છે. હકીકતમાં ગાંધીજી વિશે જેમ વધારે વાંચીએ છીએ તેમ તેમ આનંદનો અનુભવ થતો જાય છે અને જીવનના નવા નવા પરિમાણો સમજાતા જાય છે.જેમ એક પથ્થરને કોતરવામાં આવે તો તેમાંથી મૂર્તિ બનતી જાય છે. તેવી લાગણી ગાંધીજીને સમજવાથી થાય છે અને આપણી અંદરનો વધારાનો કચરો પણ ખરી પડે છે અને એક સારા માનવીનો ઉદ્ભવ થાય છે .આભાર
કર્દમ મોદી
ધરમપુર
૨ ઓક્ટોબર ૨૦૨૦

પ્રેરણાદાયી...!👌💐
ReplyDelete