જાપાનીઝની શિસ્ત


 .....ત્યારે હું દેડીયાપાડા નોકરી કરતો હતો. ડેડીયાપાડાની સ્કૂલ ખ્રિસ્તી મિશનરી હતી અને આ મિશનરીનો જાપાનની કોઈ સંસ્થા જોડે સંપર્ક હતો.એટલે દર બે વર્ષે જાપાનના વિદ્યાર્થીઓ ડેડીયાપાડા અમારી સંસ્થામાં મુલાકાત માટે આવતા હતા. તે દરમિયાન તેઓ આ વિસ્તારમાં ફરતા અને ડેડીયાપાડા વિસ્તારની આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ પણ કરતા હતા. તે કાર્યક્રમના ભાગરૂપે અમારી શાળાની અંદર એક સાંસ્કૃતિક કાર્યક્રમ  રાખવામાં આવ્યો હતો.એ દરમિયાન ચાલુ કાર્યક્રમે એક જાપાનીઝ વિદ્યાર્થીએ મને કહ્યું કે મારે મેક વોટર (પેશાબ)માટે જવું છે. તો મને મૂતરડી બાજુ લઈ જાવ. એટલે હું તેને શાળાની યુરીનલ બાજુ લઈ ગયો.પરંતુ તે દિવસે રવિવાર હોવાથી શાળાની યુરીનલને તાળું મારેલું હતું.તેની ચાવી ઓફિસમાં હતી અને ઓફિસ પણ બંધ હતી. આથી યુરીનલ ખૂલવી શક્ય નહોતી. એટલે મેં તે વિદ્યાર્થીને કહ્યું કે બહાર ખુલ્લામાં પેશાબ કરી લેવો.પરંતુ તે વિદ્યાર્થીએ એવું કરવાની ના પાડી.

 હવે હકીકતમાં શાળાની પાછળ ખેતર હતું અને તદ્દન ખુલ્લી જમીન હતી. એટલે એવું કરવામાં આપણી દ્રષ્ટિએ કોઈ પ્રકારનો વાંધો નહોતો. પરંતુ તે વિદ્યાર્થીએ કહ્યું કે હું ખુલ્લામાં જઈ શકું નહીં. મારે તો બાથરૂમમાં જવું છે. એટલે પછી મેં કહ્યું કે જો બાથરૂમમાં જવું હોય તો અહીંથી અડધો કિલોમીટર દુર હોસ્ટેલ છે. તે હોસ્ટેલ ની અંદર બાથરૂમ હશે. તો આપણે ત્યાં જવું પડે. તો તે વિદ્યાર્થીએ કહ્યું કે કશું વાંધો નહીં. પછી હું તેને અડધો કિલોમીટર ચલાવી અને સંસ્થાની હોસ્ટેલના બાથરૂમમાં લઇ ગયો અને ત્યાં તેણે તેનું કામ પતાવ્યું. તો આ છે જાપાની પ્રજાની શિસ્ત અને તેનો મને પોતાને થયેલો અનુભવ.

જોકે આવો એક બીજો પણ અનુભવ છે.ત્યારે હું સમી જતો હતો અને સમીની અંદર જાદુગર હકાશા પોતાના જાદુના ખેલ લઈને આવ્યા હતા. એ એક ખેલ જોવા અમે પણ ગયા હતા ત્યારે મને ખબર પડી કે જાદુગર હકાશાએ જાપાનનીમાંચાર વર્ષ ગાળ્યા છે. એટલે મને થોડી ઇચ્છા થઈ કે એ બેઝ પર હું થોડી વાત કરું.એટલે મેં જાદુગર હકાશાને કહ્યું કે સાહેબ મારે તમારી સાથે દસ મિનિટ માટે જાપાન વિશે વાત કરવી છે.તો તમારા જાપાનના થોડા અનુભવ મને કહો. ત્યારે જાદુગરે જાપાન વિશે ઘણી સારી સારી વાતો કરી. પરંતુ તેમની એક વાત મને એટલી બધી સ્પર્શી ગઈ કે એ આજે આપ સૌની સાથે શેર કરવાનું મન થાય છે. એમણે એવું કહ્યું કે જાપાનની અંદર પ્રજા એટલી બધી શાંત છે કે કોઈ પ્રકારની ચહેલ પહેલ કે શોર બકોર હોતો નથી. તમારે જાપાનના રસ્તા ઉપર બે વ્યક્તિને ઝઘડો કરતા જોવા હોય તો, તમારે વર્ષો સુધી ઘણા બધા માણસોને જાપાની ઘણી બધી સડકો પર, ઠેર ઠેર ગોઠવવા પડે અને તો પણ કદાચ તમને આવું દ્રશ્ય જોવા ના મળે.તો આ પણ જાપાનની એક નોંધપાત્ર બાબત છે.વાત વિચારવા જેવી છે કે નહીં?

 બોલો આવું આપણે ક્યારે કરી શકવાના છીએ?

 કર્દમ મોદી,

ધરમપુર.

૩૦ ઓક્ટોબર, ૨૦૨૦

Comments

  1. મારાં પણ જાપનીસ સાથે ના ઘણા સારા અનુભવ છે. શિસ્ત અને સ્વછતા અંગે, હું નાનો હતો. ધોરણ ચોક્કસ યાદ નથી પણ. 8મુ 9 મુ હશે.. ડાંગ ની સુબીરગામ ની નવજ્યોત સ્કૂલમાં હું હતો.. તમે વાત કરી એમ જ જાપાનીશ આવ્યા હતા. એક દિવસ અમારી શાળા માં રોકાયા.બાદ બીજા દિવસે અમારે તેમને આહવા મુકવા જવાનુ હતું.. સરકારી બસમાં. મારાં શિક્ષકે મને પણ સાથે લીધો હતો કાંઈ મદદરૂપ થાઉં એ હિસાબે,
    બસ સ્ટેશન પર નાનો બનાવ બન્યો.જે આજેય મારાં મગજ માં. સચવાયો છે. અને. જયારે પણ કોઈ જાપાનીશ જેવી વ્યકિત ને જોઉં છું ત્યાંરે મારાં માનસ પટ લ એ ચિત્ર ઉભું થઇ જાય છે.
    વાત જાણે એમ હતી કે સવાર no સમય હતો, બસમાં જવા બસ સ્ટેશને ઉભા હતા. બસ ની વાર હતી એટલે મારાં શિક્ષકે એ જાપાનીશ લોકો ને એક એક કેળા આપ્યા. થોડો નાસ્તો થઇ જાય એમ વિચારી ને હશે. ભધાએ સહર્ષ સ્વીકાર્યા પણ ખાધા કોઈએ નહિ, આમ તેમ જોવા લાગ્યા, અમને કાંઈ સમજાયું નહિ, અમે તો આપડા ઇન્ડિયન કલચર પ્રમાણે કેળા ખાઈ છાલ નીચે ફેંકી દીધી. એક જાપાનીશ ઘણું ઘણું કાંઈ કહેતો. આશ્ચ્ર્ય થી અમારા નજીક આવી છાલ વણી લીધી.. ત્યાંરે અંગ્રેજી મને સામાન્ય પણ સમજાતું ન હતું. અંગેજી માં વિનતી થી કાંઈ કહેતો હતો.. એટલુંજ સમજાયું.. પણ એનું વર્તન ઘણું સમજાવી ગયું.. હું અને મારાં શિક્ષક જોતા જ રહ્યા.. તે પછી.. જાહેર માં છાલ નાખવાનું થાય તો મને યાદ આવી જાય.અને ભૂલ સુધારી શકાય ત્યાં સુધી સુધારી લઉં છું

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા