લેખન સંસ્કૃતિનો વિકાસ

 લેખન સંસ્કૃતિનો વિકાસ:


આપણે ત્યાં લખવાની સંસ્કૃતિનો કોઈ પ્રકારનો વિકાસ થયો નથી .આપણે ત્યાં બોલવાનો રિવાજ વધારે હોય છે . આપણને જાતજાતના વિચા નવરો આવે છે પરંતુ આપણે હંમેશા તે બોલવાનું પસંદ કરીએ છીએ .પરંતુ લખવાનું પસંદ કરતા નથી. આમાં તકલીફ એ છે કે બોલાયેલું કોઈ જગ્યાએ નોંધાતું નથી .આથી તમારો વિચાર ગમે તેટલો શક્તિશાળી કે લોક ઉપયોગી હોય પરંતુ તેનો કશો અર્થ રહેતો નથી .કારણ કે સાંભળવાવાળા લગભગ લખતા હોતા નથી. એ લોકો સાંભળી ને ઘેર ચાલ્યા જતા હોય છે. એના બદલે આપણે બોલતા પહેલા કે બોલતા પછી જો લખવાનો વિકલ્પ પસંદ કરીએ તો આપણા વિચારોનું ડોક્યુમેન્ટેશન થઈ શકે અને આ વિચારો ભવિષ્યમાં પણ આપણે ઉપયોગમાં લઇ શકીએ અથવા બીજો વ્યક્તિ પણ આ વિચારો નો ઉપયોગ કરી શકે. આથી લખવાનું ઘણું મોટું મહત્વ છે પરંતુ આપણે આ વાત ઝડપથી સમજી શકતા નથી. અગાઉ તો પત્રોનો જમાનો હતો .એટલે આપણે પત્રો લખતા હતા .એટલે આપણો લેખન શૈલી સાથે થોડો ઘણો પણ સંપર્ક રહેતો હતો અને સામાન્યમાં સામાન્ય માણસ પણ એક નાનો સાહિત્યકાર બની જતો હતો .કારણ કે મનની લાગણીઓને લખવા માટે પત્ર સિવાય આપણી પાસે બીજો કોઇ પ્રકારનો રસ્તો નહોતો .


આજે તો એવો સમય આવ્યો છે કે માણસો ખિસ્સામાં બોલપેન પણ રાખતા નથી. પત્રો પણ લખતા નથી અને અન્ય કોઈ પ્રકારનું લખાણ પણ કરતા નથી .કારણ કે મોબાઈલે એટલી બધી સુવિધા આપી દીધી છે કે આપણે લેખન સંસ્કૃતિથી ઘણા દૂર ચાલ્યા ગયા છીએ .


છતાં પણ મૂળ વાત સમજી લેવી જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ગમે એટલો વિકાસ થાય પરંતુ જીવનના મૂળભૂત નિયમો છોડવામાં મજા નથી આથી લખવાનો મહાવરો રાખવા જેવો છે. બીજી એક મહત્વની વાત એ પણ છે કે દરેક માણસ, પછી એ સામાન્ય માણસ હોય કે ઉચ્ચ શિક્ષિત માણસ હોય, પરંતુ તેને પણ અવારનવાર સારા અને ક્રાંતિકારી વિચારો તો આવતા જ હોય છે .આથી આવા વિચારોના લખવામાં આવે તો એની એક સારી નોંધ તૈયાર થઈ શકે. આપણે આપણા બાળકોને પણ લખવાનું શીખવાડવું જોઈએ .આજે શાળાઓની સૌથી મોટી કરુણતા એ છે કે શિક્ષણ ને વધુમાં વધુ પરીક્ષાલક્ષી બનાવી દીધુ છે અને તેના માટે એમસીક્યુ, ટૂંકા પ્રશ્નો ,ખાલી જગ્યા ,જોડકા જેવા શૈક્ષણિક મુદ્દાઓનો ઉપયોગ કરીને બાળકોની વિચારશક્તિ લગભગ ખતમ કરી નાખવામાં આવી છે .જેના લીધે આજના બાળકો બે લીટી થી વધારે લખી પણ શકતા નથી અને લાંબા પ્રશ્નો તો એમને વાંચ્યા પછી પણ સમજાતા નથી .એટલે લેખનકલા નો મહાવરો વધારવાની જરૂર છે.


 શિક્ષણ ખાડે જવાનું એક મહત્વનું કારણ આ ટૂંકા પ્રશ્નો ખાલી જગ્યા અને જોડકા પણ છે જે ભાગ્યે જ કોઈ કબૂલ કરે એવી વાત છે .પણ અમારો એક શિક્ષક તરીકેનો આ જાત અનુભવ છે કે આજના વિદ્યાર્થીઓ લાંબા પ્રશ્નો લખી શકતા નથી કે બીજાના લખેલા લાંબા લખાણ વાંચી પણ શકતા નથી .


તો વાતનો સાર એ છે કે લખવાની એક અલગ સંસ્કૃતિ છે. લખવાની એક અલગ મજા છે માટે લેખન કલાનો વિકાસ કરવાનો શોખ વિકસાવવા જેવો છે. બીજું કે જ્યારે પણ બોલવામાં આવે છે ત્યારે આપણા વિચારો ગમે એવા હોય પરંતુ એ વાયુ સ્વરૂપમાં હોય છે .પરંતુ બોલેલું જ્યારે લખવામાં આવે ત્યારે એ જ વિચારો કાગળમાં ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આથી એ વિચારો હંમેશા માટે અમર થઇ જાય છે અને જે વિચારો ઘન સ્વરૂપ ધારણ કરે છે એ જ વિચારો આગળ ફેલાઇ શકે છે.

આથી આપણા વિચારો , માત્ર બોલવા પર્યાપ્ત નથી. પરંતુ તેને લખવા પણ જરૂરી છે.આ એક સમજવા જેવી વાત છે.આભાર

કર્દમ ર. મોદી,

ધરમપુર 

11 ઓક્ટોબર 2020.

                   



                    

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા