આંસુનાં તોરણ

 હળવાશની ગેરંટી



નાનપણથી મન પર એક સંસ્કાર હતો કે ભારે ભારે અને અઘરું વાંચવું. એથી લાઇફમાં અઘરું જ વધારે  વંચાયું.પરંતુ હકીકતમાં એ ધારણા ખોટી હતી.એવા પણ લેખકો છે જે અત્યંત સરળ અને લોકભોગ્ય ભાષામાં લખતા હોય છે. પરંતુ તેમાં ઊંડાણ હોય છે અને જીવન લક્ષી તત્વજ્ઞાન પણ હોય છે.તેઓ માત્ર અઘરી ભાષા નથી વાપરતા એટલું જ.હકિકતમાં આ તેમનો આપણા ઉપરનો મોટો ઉપકાર છે.


એવા એક લેખકનું નામ છે વજુ કોટક.વજુ કોટકે ઘણા પુસ્તકો લખ્યા છે.મેં તેમના તમામ પુસ્તકો ત્રીસ વર્ષ પહેલાં વાંચેલા.આથી મન પર એક સારા લેખક તરીકેની છાપ હતી. પરંતુ ત્યારબાદ ભારે ભારે વાંચવાની લાહ્યમાં ઘણું બધું ભુલાઈ ગયું હતું. પરંતુ હમણાં અચાનક એક પ્રેરણા થઇ અને આંસુના તોરણ પુસ્તક હાથમાં લીધું અને પુરુ પણ કર્યું.


આંસુનાં તોરણ એક અત્યંત સુંદર સામાજિક નવલકથા છે. તેના મુખ્ય પાત્રો અંબારામ અને ચીમન છે. અંબારામ એ સિદ્ધાંતવાદી માણસ છે.જ્યારે ચીમન એ ચાલુ આઇટમ છે.ગમે તેમ જુગાડ કરીને રસ્તો કરે એવો વ્યહવારુ માણસ.

ખોટું કરતા પણ ન અચકાય.છતાં પણ બે જણની દોસ્તી જબરજસ્ત.અંબારામના આયુર્વેદના જ્ઞાનનો ઉપયોગ કરીને ચીમન હંમેશાં જુગાડ કરતો રહે છે. બંને જણાં નાછૂટકે ધુતારા બનીને લોકોને છેતરતા રહે છે.અંબારામ બિચારો વારંવાર કહે છે કે અલ્યા ચીમન, ખોટું કરવામાં મારો આત્માનો અવાજ ના પાડે છે.ત્યારે ચીમન તેનો એક જ જવાબ આપે છે કે " બૂચ માર તારા આત્માના અવાજને".હાહાહા.. 


પ્રેમ કહાનીના આધાર પર વાર્તા આગળ વધતી રહે છે.વાર્તા એટલી રોમાંચક લખાઇ છે કે વાંચતી વખતે એવું લાગે કે જાણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા હોઈએ. વચ્ચે વચ્ચે તત્વજ્ઞાનની ઊંડાણ ભરી વાતો અને પેટ પકડીને હસાવે એવી કોમેડી પણ આવી જાય અને ત્યારે લાગે કે આ ચોપડી કોઈ પણ ભારે ચોપડીની બરાબરી કરી શકે એમ છે. પરંતુ તફાવત છે માત્ર ભાષાનો.અન્ય લેખકો શબ્દકોશ વાપરવો પડે એવા શબ્દો વાપરે જ્યારે વજુ કોટક લોકબોલીના શબ્દો વાપરે. જોકે વાંચનની મજા જ આમાં છે. વાંચન ખૂબ જ આરામદાયક લાગે.


ક્યારેક વજુ કોટકને હાસ્યલેખક કહી દેવાનું મન થાય એ હદે હાસ્ય ભરેલું છે.હસીને ક્યારેક તો પેટ દુઃખી જાય. હાસ્યની નિર્દોષતા, શબ્દની સરળતા અને જીવનનું ઊંડાણ એ તેમની ભાષામાં ઉડીને આંખે વળગે એવું છે. જો તમારે કોઈ પુસ્તક વાંચીને હળવા થવાની ઇચ્છા હોય તો આ પુસ્તક ગેરંટી છે. આજના કોરોના કાળમાં હળવા પુસ્તકો વાંચવા પણ જરૂરી છે.કારણકે કોરોનાએ આપણને આમ પણ ગંભીર કરી મૂક્યા છે.


વાચક મિત્રો, ભારેખમ પુસ્તકોની ભરમારમાંથી બહાર નીકળીને હળવા પુસ્તકો દ્વારા પણ જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખી શકાય અને એનો ઉત્તમ નમૂનો એટલે વજુ કોટકનું


                આંસુના તોરણ.

                

આપ સૌને વાંચવા માટે આગ્રહભરી વિનંતી.



કર્દમ  ર.  મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094

U tube channel

kardam modi


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા