અને લગ્ન થઈ ગયું.વાર્તા

 અને લગ્ન થઈ ગયું...




એક ગામ હતું. એમાં એક કુટુંબ હતું.આ કુટુંબમાં છોકરીનું લગ્ન હતું. સગાઈ ખૂબ મુશ્કેલીથી થઈ હતી.છોકરાવાળા અભિમાની હતા. આથી છોકરીના પક્ષ પર ભરોસો મૂકતા ન હતા. એવામાં છોકરા વાળાએ છોકરી વાળાને હેરાન કરવા એક વિચિત્ર શરત મૂકી કે જાનમાં કોઈપણ ઘરડા માણસને લાવવા નહીં. છોકરીવાળાને છુટકો નહોતો. એટલે એમણે શરત સ્વીકારી લીધી.એમણે ગામમાં જાહેર કરી દીધું કે લગ્નમાં કોઇ ઘરડી વ્યક્તિએ આવવું નહીં. એટલે બીજા બધા તો માની ગયા પણ છોકરીના નાનાજી માન્યા નહીં.તેમણે કહ્યું કે હું તો લગ્નમાં આવવાનો છું મને ગમે તેમ કરીને લઈ જાઓ. 


હવે એમને લગ્નમાં લઈ જઈ શકાય એમ હતા નહીં. એટલે શું કરવું તે પ્રશ્ન ઊભો થયો.આ બાજુ નાનાજીએ કહ્યું કે ગમે તે કરો પણ મને જાનમાં લઈ જાઓ. જોઈએ તો મને એક પેટીમાં સંતાડીને લઈ જાઓ પણ લઈ જાવ. આખરે બધા નાનાજીને એક પેટીમાં છુપાવીને જાનમાં લઈ ગયા.


હવે બન્યું એવું કે, સામેના પક્ષને જાનમાં એક પણ ઘરડો માણસ ન દેખાયો એટલે એમણે છોકરી વાળાને હેરાન કરવા બીજી શરત મૂકી કે અમે લગ્ન કરવા તૈયાર છીએ પરંતુ અમારી એક શરત છે કે અમારા ગામમાં જે નદી છે એ દૂધથી ભરી દો. હવે આ શરત કોઈપણ સંજોગોમાં પૂરી કરી શકાય એમ ન હતી.એટલે છોકરી વાળાએ જાન લઈને પાછા જવાનું નક્કી કર્યું.


એવામાં એક માણસે કહ્યું કે હવે જો આપણે જાન લઈને પાછા જવાનું હોય તો નાનાજીને પેટીમાંથી બહાર કાઢી નાખો.હવે અંદર રાખવાનો કોઈ ફાયદો નથી. બધાને લાગ્યું કે વાત સાચી છે અને નાનાજીને પેટીમાંથી બહાર કાઢવામાં આવ્યા.બહાર નીકળીને એમણે પૂછ્યું કે કેમ શું છે? કંઈ તકલીફ છે? એટલે સગાસંબંધીઓએ કહ્યું કે આ લગ્ન થઈ શકે એમ નથી. કારણ કે સામેવાળાએ આપણી પાસે એક શરત મૂકી છે.એવી શરત મૂકી છે કે ગામમાં જે નદી છે એ તમે દૂધથી ભરી દો. હવે આ શરત પૂરી થઈ શકે એમ નથી. એટલે અમે જાન લઈને પાછા જઈએ છીએ. ત્યારે નાનાજી હસી પડ્યા અને કહ્યું કે આટલી મામૂલી વાતમાં જાન લઈને પાછા જાઓ છો? તો બધાએ કહ્યું કે, તો આપણે શું કરી શકીએ? નાનાજીએ કહ્યું કે છોકરાવાળાને જણાવી દો કે અમે તમારી શરત પૂરી કરવા તૈયાર છીએ. પરંતુ તમે પહેલા નદી ખાલી કરાવી દો. બાકી અમારી પાસે દૂધ તૈયાર છે.આ વાત સાંભળીને  છોકરાવાળા ઝૂકી ગયા અને સમજી ગયા કે આ શક્ય નથી અને લગ્ન થઈ ગયું.


ત્યારે એક માણસ બોલ્યો કે માનો યા ના માનો પણ છોકરી પક્ષમાં એકાદ ઘરડો માણસ આવેલો હોવો જોઈએ. ઘરડા માણસની સલાહ વગર આ શક્ય બની શકે નહીં. તો વાતનો સાર એ છે કે ઘરડા લોકોને તમે અવગણી શકો નહીં. એમની પાસે જે અનુભવ છે, તે ખરેખર અત્યંત કીમતી હોય છે. એટલે વડીલોને માન આપવું અને નિર્ણયની પ્રક્રિયામાં વડીલોને સાથે રાખવા.

સંકલિત


કર્દમ  ર.  મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094


યુ ટ્યુબ ચેનલ

kardam modi




Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા