એક પુસ્તકાલયની શક્તિ
પુસ્તકાલયની સંધિ પુસ્તક+ આલય એવી થાય.અર્થાત કે જ્યાં જઈને વ્યક્તિ પુસ્તકો વાંચી શકે પરંતુ પુસ્તકાલય પાછળનો અસલ ભાવ હવે સદંતર વિસરાઈ ગયો છે.આજકાલ આપણા લોકો પુસ્તકાલયમાં જઈને પુસ્તકાલયના પુસ્તકો નથી વાંચતા.પરંતુ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે.
આ પુસ્તકાલયનો ખરો હેતુ નથી.પરંતુ પાટણમાં ફતેસિંહરાવ લાઈબ્રેરી છે જે પુસ્તકાલયનો હેતુ સારી રીતે સાર્થક કરી રહી છે.પુસ્તકાલયનું કામ માત્ર પુસ્તકોની લેવડ દેવડ જ નહીં પરંતુ સમાજસેવા એવું પણ હોઈ શકે એવું આ લાઇબ્રેરી સાબિત કરી રહી છે.પાટણના બીજા છેડે રાણકી વાવ પહેલા આ લાઇબ્રેરી આવેલી છે.ખૂબ જ જૂની ફતેસિંહ રાવ લાઈબ્રેરી જે ગાયકવાડના સમયની છે તેમાં વિવિધ સામાજિક અને વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.જેમાં વિવિધ પ્રકારના કમ્પ્યુટર ક્લાસીસ,અંગ્રેજી સ્પોકનના વર્ગો તેમજ દર મહિને વિવિધ વક્તાઓના વિવિધ પુસ્તકો પરના સુંદર પ્રવચનોનું આયોજન કરવામાં આવે છે.
કેટલાક વક્તાઓ પાટણમાંથી હોય છે અને કેટલાક વક્તાઓ બહારથી પણ હોય છે.પરંતુ જુદા જુદા વિષયના વિદ્વાન તેમજ તજજ્ઞ વક્તાઓ આવી અને એટલા સુંદર પ્રવચનો આપે છે કે જે તે વિષયનું ખૂબ જ ઊંડાણપૂર્વકનો જ્ઞાન પ્રાપ્ત થાય છે.ધ ઓલ્ડ મેન એન્ડ સી, જોનાથન લિવિંગસ્ટન ધ સીગલ, હરમન હેસનું સિદ્ધાર્થ, ભગવદ્ ગીતા, મેઘદૂત, રઘુવંશ જેવા મહાન પુસ્તકોનો સ્વાદ તો જે ચાખે તે જ જાણે!! સાથે સાથે વિદ્યાર્થીઓ અત્યંત ઓછી ફી સાથે કમ્પ્યુટરના કોર્સ પણ કરી શકે છે.જેનાથી ગરીબ તેમજ પછાત વિદ્યાર્થીઓને ખૂબ જ લાભ થાય છે.
જો તમામ લાઇબ્રેરીઓ આ રીતે માત્ર પુસ્તકોની લેવડદેવડ પૂરતી મર્યાદિત રહેવાના બદલે સમાજને કેવી રીતે ઉપયોગી થઈ શકાય એવું વિચારે તો હું માનું છું કે લાઇબ્રેરીનો હેતુ સાર્થક થાય અને લાઇબ્રેરીના માધ્યમથી આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી શકાય.આવી પ્રવૃત્તિ શરૂ કરીએ તો લોકો તરફથી દાન પણ મળતું હોય છે.આથી પૈસાની પણ બહુ ચિંતા રહેતી નથી.પરંતુ મુખ્ય વસ્તુ છે કે આ પ્રવૃત્તિ શરૂ કરવા માટે કોઈક એક વ્યક્તિની દૃષ્ટિ જોઈએ.સદભાગ્યે પાટણની ફતેહસિંહ રાવ લાઇબ્રેરીમાં આવા વ્યક્તિઓ છે.જેમકે માનનીય ડૉ. શ્રી સોમપુરા સાહેબ,શ્રી નગીનભાઈ સાહેબ,શ્રી મહાસુખભાઈ મોદી,રાજેશભાઈ પરીખ, સુરેશભાઈ દેશમુખ,સુનિલભાઈ પાગેદાર અને કારોબારી સમિતિના સભ્યો તેમજ કેટલાક અન્ય વડીલ મિત્રો અત્યંત જહેમત ઉઠાવીને આ તમામ સુંદર પ્રવૃતિઓ ચલાવી રહ્યા છે જે માટે પાટણ શહેર ગૌરવ લઈ શકે તેમ છે.આ પવિત્ર કાર્યમાંથી પ્રેરણા લઈ ને ગુજરાતની અન્ય લાઇબ્રેરીઓમાં પણ આવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે અને સમગ્ર ગુજરાતમાં લાઇબ્રેરીનાં વિકાસ માટેની નોધ લેવામાં આવી રહી છે.ગાંધીનગર ખાતે સરકારે પણ આ લાઇબ્રેરી ને વિશિષ્ટ લાઇબ્રેરી નો દરજ્જો આપ્યો છે.છેલ્લે જ્ઞાનની જ તરસ નહિ પણ પાણીની તરસ માટે પણ એક સુંદર પરબ બનાવીને લાઇબ્રેરી એ પોતાની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લગાવી દીધા છે.લેખ લખવાનો હેતુ એટલો જ છે કે અન્ય પુસ્તકાલયો પણ આ પ્રકારની પ્રવૃત્તિ શરૂ કરી શકે.
લેખક
કર્દમ મોદી,
M.Sc.M.Ed.
પાટણ
8238058094
Comments
Post a Comment