વાર્તા કળજુગ
દેશી ઓઠાં:
કળજુગ
ભોળુડી કન્યાના પગની રૂમઝૂમતી ઝાંઝરી જેવી ફૂલઝર નદી. નદીને કાંઠે એક મઢી.
એ મઢીમાં એક સિદ્ધ સંતનાં આસન. પડખેના ગામનો વનો બારૈયો રોજ દૂધનો કળશો ભરીને બાપુની મઢીએ આવે. સંતની સેવા કરે.
ધખતી ધૂણી, સૂંડલો ભરાય એવી લાંબીલચક જટા, ભભૂત ચોળેલી ને પડછંદ નરવી કાયા, અને સાધુના તપના તેજથી તો આખી મઢૂલી ઝળાંહળાં ઝળાંહળાં થાય. પણ આ બાપુ ગાંજાની ચલમની સટ માથે સટ મારે... ધૂવાડાના ગોટેગોટા ઊડે. વનાને આ બધું ગમે.
વળી, કોક દી સાધુ મોજમાં હોય તો સત્સંગની વાતું કરે. ધરમ-કરમના વેવાર પણ સમજાવે. એટલું જ નહીં, આ સાધુ તો જીવન-મરણના ભેદ પણ ખોલે.
સાધુની આ બધી વાતો વનો મૂંગોમૂંગો સાંભળ્યા કરે. આમ ને આમ ઘણા દિવસો વીત્યા. વનો વિચાર કરતો કે આ સાધુ-મહાત્મા બધાંને તો એવું કહે છે કે વ્યસનથી દૂર રહેવાનું, ક્યારેય કોઈ વ્યસનના બંધાણી નહીં બનવાનું.
આખરે એક દી વનાએ બીતાં બીતાં સાધુને પૂછ્યું:
‘બાપુ! ઘણા દીથી એક સવાલ મનમાં ઘોળાય છે. તમે અમને એમ ક્યો છો કે બંધાણથી છેટા ર્યો. દારૂ તો રાક્ષસ છે. તો પછી તમે કેમ રાત્ય ને દી ચલમ પીવો છો?'
સાધુએ આંખ્યું ઉઘાડી. ‘સુણ બચ્ચા! કોઈ પણ બંધાણ સારું નથી. પણ સંસારી અને સાધુની રીત અલગ છે. ચલમથી સાધુની સુરતાની મેડીએ અજવાળાં થાય. ચલમ એ અમારું બંધાણ નથી, નિસરણી છે. અલખ સાથે તાર બંધાય છે. સંસારીનુ ઈ ગજું નહીં. અને દારૂમાં કળજુગનો વાસો છે. એક વાર્તા છે,સાંભળ:
વગડાની વાટે એક ભગત હાલ્યા જાય છે. લૂંટારાના વેશમાં કળજુગે મારગ ભગતનો રોક્યો. ડોક માથે તલવાર મૂકીને બોલ્યો, જો ભગત! તારી સામે આ સુંદર સ્ત્રી છે, સોનું છે, પરમાટી છે અને દારૂ છે. આ ચારમાંથી કોઈ પણ એક તારે લેવું જ પડશે! નહિતર હું તને મારી નાખીશ.
એની વાત સાંભળીને ભગતે વિચાર કર્યો, પરસ્ત્રી તો માત સમાન, સોનું તો લોભામણી માયા, પરમાટીથી તો દેહ અભડાય. બસ, એક દારૂ છે, ઈ પાણી ગણાય, એમાં વાંધો નહીં. અને દારૂની અસર તો થોડીક વાર જ રહેશે. આમ, ભગતે દારૂ પીધો. નશો ચડ્યો. થોડીવારમાં સ્ત્રીનું બાવડું પકડ્યું. સોનું ઝોળીમાં નાખ્યું. પરમાટી ખાધી. ત્યારથી દારૂમાં કળજુગનો વાસ છે.’ આટલું કહી બાપુએ ચલમની સટ મારી.
Comments
Post a Comment