કણ કણમાં સમાયું રણ Treking
કણ કણમાં સમાયું રણ
સમીથી સુરેન્દ્રનગર જતા વચ્ચે બજાણા (જિ. સુરેન્દ્ર નગર)નામનું ગામ આવે છે.આ બજાણા કચ્છના નાના રણની ધાર પર આવેલું છે એવું કહી શકાય આ જગ્યાએ જંગલ ખાતાએ એક સરસ રહેવાનું ટેન્ટ સીટી બનાવેલું છે જેમાં પહેલેથી બુકિંગ કરાવીને જઈ શકાય છે.
બહાર રોડ ઉપર એક દરવાજો છે ત્યાં ઝીપ તેમજ પેસેન્જરની પ્રવેશ ફી ભર્યા પછી રણની અંદર જીપ સફારી માટે જઈ શકાય. રણના ઊંડાણના વિસ્તારમાં વિવિધ જગ્યાએ છીછરા પાણી ભરેલા હોય છે જેમાં વિદેશી પક્ષીઓ આવેલા હોય છે એની મજા માણી શકાય છે અને ખૂબ આગળ જતા ઠેર ઠેર મીઠાના અગરો તેમજ ઘુડખર નામના જંગલી ગધેડા જોવા મળે છે આ જંગલી ગધેડા સમગ્ર દુનિયામાં આ એક જ જગ્યાએ જોવા મળે છે. જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. દેશ વિદેશના રંગબેરંગી પક્ષીઓ ખાસ કરીને સુરખાબ જોવાનો અનેરો આનંદ હોય છે સાથે સાથે રણની જીવ સૃષ્ટિ તેમજ વૈવિધ્યતા જોવાની પણ ખૂબ જ મજા આવે છે.રણમાં એક ખાસ પ્રકારની ભાજી થાય છે જેને લુણી કહેવાય છે.આ લુણી ખારી હોય છે તેમજ તેમાં પાણીનો ભાગ વધારે હોય છે જે ખાઈને ઘુડખર ઉનાળામાં પણ આરામથી જીવી શકે છે.આવી રણના જીવનની આવી અનેક અવનવી વાતોથી પરિચિત થવા માટે આ જગ્યાએ જઈને એક અથવા બે દિવસ રોકાઈએ તો વધારે મજા આવે.
રણમાં લાઈટ ન હોય એ સ્વાભાવિક છે માટે રાત્રે આકાશ દર્શન કરવાની ખૂબ મજા આવે છે. જે તારાઓ શહેરમાં ક્યારેય દેખાતા નથી તે રણમાં આરામથી દેખાય છે અને નવા પ્રકારનું આકાશ જોતા હોય તેવું લાગે છે.રોજિંદા જીવનની ઘટમાળને તોડવા માટે ક્યારેક રણના જીવનમાં પણ ડોકિયું કરવું જરૂરી ખરું! એક સુંદર અને આનંદદાયક અનુભવ લીધાનો સંતોષ થયો.
બજાણાથી થોડે દૂર ખારાઘોડા નામનું સ્થળ છે જ્યાં મીઠાની ફેક્ટરીઓ આવેલી છે.રણના અગરોમાં પકવેલું મીઠું આ ફેક્ટરીઓમાં પ્રોસેસ થવા માટે આવે છે અને ત્યાંથી પેકિંગ થઈને આપણા સુધી આ મીઠું પહોંચતું હોય છે.
રણનો વિસ્તાર ઉનાળામાં ખતરનાક હોય છે તો સાથે સાથે શિયાળામાં આનંદદાયક પણ હોય છે.આમ જીવનમાં એકાદ વખત શિયાળામાં રણની મુલાકાત લેવા જેવી ખરી અને નાઈટ હોલ્ટ તો જરૂરથી કરવો.
કર્દમભાઈ મોદી
પાટણ
Comments
Post a Comment