ગાંધી ફિલ્મ
અત્યંત નાની છતાં પણ મારા માટે મહત્વની ગણી શકાય એવી એક બાબત આજે હું શેર કરવા માગું છું. મેં મારી પાસે ભણતા બાળકોને ડરતા ડરતા 1981 માં બનેલી ગાંધી ફિલ્મ બતાવી.મને પોતાને પણ થોડો ડર હતો કે બાળકોને ગમશે કે નહીં? પરંતુ મને વિશ્વાસ હતો કે બાળકોને ગમશે તો ખરી જ અને આ ફિલ્મ બતાવવાનું સાહસ કર્યું.તો મારા આશ્ચર્ય વચ્ચે બાળકોએ અત્યંત હોંશપૂર્વક અને પ્રેમપૂર્વક આ ફિલ્મ જોઈ જેની મને અત્યંત ખુશી છે. ચાલુ ફિલ્મે ફિલ્મને રોકી અને ઘણા બધા પ્રશ્નો પણ પૂછાયા અને એક ફિલ્મ દ્વારા તો સમગ્ર આઝાદીનો ઇતિહાસ જીવતો થઈ ગયો.મને આશ્ચર્ય થયું કે બાળકોને આપણી આઝાદીના સંગ્રામ વિશે લગભગ કશી જ ખબર નહોતી.બધા જ બાળકો ભણવામાં ખૂબ સારા છે છતાં પણ આઝાદીના ઇતિહાસ વિશે બહુ જ ઓછું જાણતા હતા.
હવે જોવાની વાત એ છે કે આ બધી જ વાતો એસએસ નામના વિષયમાં ભણવામાં આવે જ છે. પરંતુ આપણે ગણિત વિજ્ઞાન સિવાય કોઈ વિષયને મહત્વ આપતા નથી અથવા તો બાળકો સારી રીતે ભણતા નથી એટલે આપણા બાળકો આપણા પોતાના ઇતિહાસથી વંચિત રહી જાય છે. ઇતિહાસથી વંચિત રહી જવું એ પણ એક દ્રષ્ટિએ ગુનો બને છે કારણ કે જે બાળકો પોતાના જ દેશના ઇતિહાસને જાણતા નથી એ બાળકો આગળ જઈને દેશનું ભલું કરવાનું પણ વિચારી ન શકે એ સ્વાભાવિક છે.
પરંતુ મૂળ વાત તો એ હતી કે આજના યુગના આ બાળકોને ગાંધી ફિલ્મ ગમે એ મારા માટે આનંદની વાત હતી.આપ સર્વને પણ ભલામણ કરું છું કે 1981 માં બનેલી ગાંધી પરની પ્રથમ ફિલ્મ ખરેખર બહુ જ સુંદર બની છે.આપ સૌ જોશો એવી આશા સાથે વાત સમાપ્ત કરું છું.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
8238058094
Comments
Post a Comment