સંતાનોની કદર કરો

 હમણાં whatsapp માં એક વિધાન વાંચવામાં આવ્યું કે મા બાપ ગમે એટલી સારી વાતો કરે પરંતુ કદી એવું ના કહેત કે બેટા સુઈ જા હવે ઘણું વાંચી લીધું. મને આ વાક્ય થોડું મનોરંજક લાગ્યું એટલે મેં વિદ્યાર્થીઓ સમક્ષ કહી સંભળાવ્યું. એટલે વિદ્યાર્થીઓ હસવાના બદલે દુઃખી-દુઃખી થઈ ગયા અને બધા જ એક સૂરમાં બોલી ઊઠ્યા કે સાહેબ આ વાત તદ્દન સાચી વાત છે.ગમે એટલું વાંચી વાંચીને મરી જઈએ તો પણ કદી ઘરમાંથી કોઈ એમ કહેતું નથી કે આજે તે ઘણું વાંચ્યું ઉલટાનું એમ જ કહે છે કે તે તું વાંચતો નથી અને મહેનત કરતો નથી. એટલું જ નહીં પરંતુ અમે કદી અમારી જિંદગીમાં અમારા માતા-પિતાના મોઢે અમારા વખાણ પણ સાંભળ્યા નથી.


હવે આપણે એક વાલી તરીકે આ વાતને હસવામાં ન કાઢવી જોઈએ પરંતુ ગંભીરતાપૂર્વક લેવી જોઈએ. ખરેખર બાળકો એવું ઈચ્છે છે કે એમને પણ ક્યારેક સામે ચાલીને આરામ આપવામાં આવે,એમને પણ સામે ચાલીને ક્યારેક રમવા મોકલવામાં આવે, એમને પણ સામે ચાલીને ક્યારેક વખાણ કરવામાં આવે અને કોઈની હાજરીમાં એમના સારા ગુણો વિશે રજૂઆત કરવામાં આવે.પરંતુ આવું ક્યારેય બનતું નથી.


હકીકતમાં દરેક બાળક પાસે કંઈક નાની મોટી પરંતુ સારી બાબતો હોય જ છે એટલે એમને હંમેશા મનમાં એવું રહેતું હોય છે કે આપણા પણ વખાણ થવા જોઈએ,આપણી પણ કદર થવી જોઈએ.પરંતુ આપણે નેગેટિવ સાઇકોલોજીમાં માનીએ છીએ અથવા સાયકોલોજીમાં સમજ પડતી નથી.એટલે હંમેશા આપણે બાળકો સાથે નકારાત્મક અભિગમ રાખીએ છીએ અને બાળકોને હંમેશા ધમકાવ્યા કરીએ છીએ અને ઉતારી પાડીએ છીએ.એના બદલે બાળક થોડું વાંચે તો પણ પ્રેમથી કહેવામાં આવે કે આજે તો તે સારું જ વાંચ્યું, તો આવું કહેવા માત્રથી બાળકનો થાક ઉતરી જાય છે અને બીજી વખતે તે હરખથી વાંચશે. એવી જ રીતે તેના કોઈ નાના મોટા પરંતુ સારા ગુણોને બીજી વ્યક્તિની હાજરીમાં ફોકસ કરવામાં આવે તો એને જરૂર સારું લાગશે અને એને પણ લાગશે કે હું પણ આ ઘરનો એક મહત્વનો વ્યક્તિ છું.નહિતર સતત તેને એવું લાગશે કે હું આ ઘરનો એક વેઠીયો અથવા મજૂર છું.જેમ તમે તમારા ઘેર કામ કરતાં નોકરને ગમે એટલું સારી રીતે રાખો પરંતુ એના મનમાં એક માનસિકતા રહે છે કે હું આ ઘરનો નોકર છું.એવી રીતે બાળકને જ્યારે વખાણ કરવામાં ન આવે ત્યારે એને એમ થશે કે ભલે હું આ ઘરની સંપત્તિનો વારસદાર હોવ પરંતુ મારી હાલત તો મજૂર જેવી જ છે.


એટલે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણા બાળકોને યોગ્ય સમયે યોગ્ય ફીડબેક આપવો એ પણ આપણી જ ફરજ છે.આવું કરવાથી બાળકની ગુણવત્તામાં તેમજ માનસિકતામાં ઘણો સુધારો થાય એવું મારું માનવું છે. અભિપ્રાય આવકાર્ય છે.



લેખક

કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

8238058094


Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા