ઉજવણી કે પજવણી

 આપણા તહેવાર એ જ આપણી આગવી ઓળખાણ છે.જીવનમાં તાજગી ભરવા માટે ઘણા ચિંતન અને મનન પછી ઋષિ મુનિઓએ તહેવારોનું વૈવિધ્ય ઊભું કર્યું છે જેનાથી આપની economy પણ વહેતી રહે છે.મને તહેવારો માટે ગૌરવની લાગણી છે.પરંતુ હું હજુ એમાં કઈક ઉમેરવા માંગુ છું.


 આપણે જે રીતે તહેવારો ઉજવીએ છીએ તે ખૂબ જ સારી બાબત છે અને તહેવારોથી તો આપણા જીવનમાં એક પ્રકારનું નાવીન્ય આવે છે અને  જીવનમાં પરિવર્તન પણ આવે છે.પરંતુ આવા તહેવારો ઉજવતા ઉજવતા ક્યારેક વિવેક ચુકાઈ જાય છે ત્યારે થોડું દુઃખ થાય છે.આથી યાંત્રિક રીતે તહેવારો ઉજવવાના બદલે ઉજવણીની સાથે કંઈક સર્જનાત્મક કાર્યો અથવા સમાજસેવાને લગતા કાર્યોને  ફરજિયાત જોડી દેવામાં આવે તો એનાથી સમાજમાં પરિવર્તન આવશે અથવા કોઈની સેવા થશે.તમે જે તે તહેવારના નામે લાખો રૂપિયા ખર્ચી નાખો પરંતુ આ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ સમાજમાં એક માણસનું પણ ભલું ન થવાનું હોય તો આપણે બધાએ વિચારવું રહ્યું.કારણ કે તમે યાત્રા કરતા હોય અને જો તમે કશે પહોંચતા ન હોય તો માત્ર ડીઝલ જ બાળ્યું કહેવાય.એવી રીતે લાખો રૂપિયા ખર્ચીને તમે જો કોઈ તહેવાર કરતા હોય અને એ તહેવારથી સમાજમાં કોઈનું ભલું ન થયું હોય તો એ તહેવાર ઉજવવાની રીતમાં પરિવર્તન લાવવું જરૂરી તો ખરું!


આપણી આજુબાજુ અનેક પ્રકારના પ્રશ્નો વિહાર કરતા હોય છે.જેમકે સ્વરછતાના પ્રશ્નો, આરોગ્યના પ્રશ્નો,શિક્ષણના પ્રશ્નો ઇત્યાદિ.પરંતુ આપણે તહેવારના માધ્યમથી ક્યારેય આ પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગતા નથી.એટલું જ નહીં પ્રશ્નોને ઉકેલવા એવો આપણો કોઈ અભિગમ પણ નથી. આથી ઘણી વખત તહેવારો છે તે ઉજવણીના બદલે પજવણી બની જતા હોય છે.


સારાંશ એ છે કે આપણે દરેક તહેવાર ઉજવતી વખતે તહેવારની સાથે સમાજમાં કોઈ સારું કામ થાય અથવા સમાજમાં પરિવર્તન આવે એવી ઓછામાં ઓછી બે પાંચ બાબતો જોડી દેવી જોઈએ ત્યારે એ તહેવાર સાચા અર્થમાં ઉજવ્યો ગણાશે.



લેખક

કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed 

પાટણ

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા