માતૃભાષા
માતૃભાષાના ચાહકોને આ લેખ share કરવા આગ્રહ છે.
૧૯૧૮માં બ.ક. ઠાકોર નામના આપણા એક મહાન સાહિત્યકારે ગાંધીજીને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો.પરંતુ એના જવાબમાં ગાંધીજીએ એવું લખ્યું કે જ્યારે આપણો દેશ આઝાદ થશે ત્યારે આપણે ત્યાં એવો એક કાયદો બનાવવામાં આવશે કે જો બંને ભારતીયોને એક જ ભાષા આવડતી તો પછી અંગ્રેજીમાં લખો કે બોલો એ ફોજદારી ગુનો ગણાશે અને જેના માટે છ માસની સખત મજૂરીની સજા કરવામાં આવશે.ત્યારબાદ એ બાબતમાં આગળ શું થયું એ ખબર નથી.
પરંતુ અહીંયાં એક સમજવા જેવી વાત એ છે કે આપણા રાષ્ટ્રપિતા પણ માતૃભાષાની આટલી તરફેણ કરતા હતા.એટલું જ નહીં દુનિયાના તમામ મહાન વૈજ્ઞાનિકો પોતાની માતૃભાષામાં જ ભણ્યા છે અને માતૃભાષામાં જ એમણે કામ કર્યું છે.માતૃભાષા એ જન્મથી મગજ સાથે જોડાયેલી હોવાથી માણસ તે ભાષામાં ઊંડે સુધી સંદેશા વ્યવહાર કરી શકે છે. અને બીજાને યોગ્ય રીતે પોતાની વાત સમજાવી શકે છે.આથી માતૃભાષાનું મહત્વ અનેરું છે.
માતૃભાષા સારી આવડતી હોય તો એના આધાર ઉપર દુનિયાની કોઈ પણ ભાષા સારી રીતે શીખી શકાય છે.અર્થાત જો તમને ગુજરાતી સારી આવડતી હોય તો ગુજરાતીના આધાર ઉપર બીજી ભાષા શીખી શકાય છે.પરંતુ ગુજરાતી જ આવડતી ન હોય તો ભાષા એટલે શું એનો કન્સેપ્ટ મગજમાં ઉભો થતો નથી અને માટે બીજી ભાષા શિખવામાં પણ એટલી જ મુશ્કેલી પડી શકે છે.
હવે આજના સમયની વાત કરીએ તો ધોરણ-૧થી અંગ્રેજી ચાલુ કરવાની વાત ચાલે છે.હવે એ સમજાતું નથી કે ધોરણ એક માં ભણતા બાળક ને કઈ ભાષા સારી રીતે આવડતી હોય!! જ્યારે બાળકને ભાષા એટલે શું એની કોઈ ગતાગમ નથી તે વખતે તમે તેના ઉપર અંગ્રેજી. જેવી વિદેશી ભાષા ઠોકી બેસાડો તો મને લાગે છે બાળકના ભાગે ગૂંચવણ(confusion) સિવાય બીજું કશું આવતું નથી.મને લાગે છે કે આ અત્યાચાર ગણાશે અને આના વિશે શિક્ષણ શાસ્ત્રીઓએ તેમજ વાલીઓએ વિચાર કરવાની સખત જરૂર છે.
એક શિક્ષક તરીકે મારો અનુભવ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ શક્તિ ગણિત અને વિજ્ઞાનની પાછળ ખર્ચવાના લીધે આપણા વિદ્યાર્થીઓની ભાષા એટલી બધી નબળી થઈ ગઈ છે કે અત્યંત સીધાસાદા શબ્દોના અર્થ પણ બાળકો સમજી શકતા નથી અને માટે એમને ગુજરાતી હિન્દી સમાજવિદ્યા અને સંસ્કૃત જેવા વિષયો જરાય આવડતા નથી.
આથી હકીકતમાં હવે ગણિત-વિજ્ઞાન ને જરા બાજુ પર રાખીને આપણે વિદ્યાર્થીઓને માતૃભાષા સારી રીતે સમજી શકે તે દિશામાં પગલાં લેવાની જરૂર છે. આ વિષયમાં ઘણા સૂચનો અગાઉ કરી ચૂક્યો છું આથી એનું પુનરાવર્તન નહીં કરું પણ હું જોરજોરથી એટલું કહેવા માંગું છું કે અંગ્રેજી પ્રત્યેનો craze એ આપણા માટે બુમરેંગ સાબિત અને મરણતોલ ઘા સાબિત થશે.
જે પ્રજા પોતાની ભાષાને ચાહતી ન હોય એ પ્રજા કદાપિ બૌદ્ધિક વિકાસ કરી શકે નહીં એવું આ લખનારનું દ્રઢપણે માનવું છે.આજે ગુજરાતના વાલીઓ તેમજ શિક્ષણ શાસ્ત્રીઓને બે હાથ જોડી ને મારી વિનંતી છે કે માતૃભાષા પ્રત્યે જાગૃત બનો અને પોતાના બાળકોને માતૃભાષા સારી રીતે શીખવાડો.
લેખક:
કર્દમ ર. મોદી,
પાટણ
82380 58094
યુ ટ્યુબ ચેનલ
kardam modi
Comments
Post a Comment