ભગવદ્ ગીતા

 

ભણવામાં ભગવદ્ ગીતા મુકાય?

(આ લેખને વધુમાં વધુ share કરો)

સરકાર ભણવામાં ભગવદગીતા મૂકવાની છે એવા એક સમાચાર આવ્યા છે.જેનાથી લોકો આશ્ચર્ય ચકિત થઇ રહ્યા છે અને ખાસ કરીને તો હિન્દુઓને આશ્ચર્યની સાથે આનંદ પણ થઈ રહ્યો છે.

જો કે એની સાથે બીજી કેટલીક બાબતો પણ સમજી લેવી જરૂરી છે.

1)  કેટલાક લોકો એમ માને છે કે ભગવદ્ ગીતા એ હિંદુ ધર્મનો ગ્રંથ છે.આ વાત એટલી બધી સાચી ન ગણાય.કારણ કે ભગવદ્ ગીતામાં ચીલાચાલુ ટ્રેડિશનલ હિન્દુ ધર્મની કોઈ વાત જ આવતી નથી. ભગવદગીતા એ મનુષ્યના કર્મનું વિજ્ઞાન બતાવનારો ગ્રંથ છે.આમ તે મનોવિજ્ઞાનનો ગ્રંથ ગણી શકાય અથવા અધ્યાત્મનો ગ્રંથ ગણી શકાય.આમાં જેને ચીલાચાલુ ધર્મ કહેવામાં આવે છે તેવું કશું આવતું જ નથી.ગીતામાં હિન્દુ શબ્દ પણ નથી.આથી કોઈપણ ધર્મ વાળી વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે તો એમાં કોઈની લાગણી દુભાવવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.ઊલટાની ભગવદ્ ગીતા એક વાંચવા જેવો ગ્રંથ છે જે કૃષ્ણે અર્જુનને રણમેદાનમાં કહી હતી.

2) ખરા અર્થમાં આપણે આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ.જે પ્રજા પોતાની સંસ્કૃતિ ભૂલી જાય છે તે પ્રજા પોતાની ખુમારી પણ ગુમાવે છે અને બીજાની સંસ્કૃતિને મહાન માનતી થઈ જાય છે.(જેમ સિંહનું બચ્ચું ઘેટાંના ટોળામાં રહીને પોતાને ઘેટું માનતું થઈ જાય)આ જ ઘટના આપણા દેશમાં બની છે કે આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો આપણે લગભગ ભૂલી રહ્યા છીએ અને પશ્ચિમની સંસ્કૃતિને ચડિયાતી માનીએ છીએ. આપણે આપણી સંસ્કૃતિ જાણવા માટે પણ આપણે ભગવદ્ ગીતાને જાણવી જરૂરી છે.

3) ભગવદ્ ગીતાને જાણવી એટલા માટે પણ જરૂરી છે કે સંપૂર્ણ ભારતીય માનસિકતા અથવા ઇન્ડિયન સાયકોલોજી એ ભગવત ગીતાના બેઝ પર રચાયેલી છે.આપણા શાસ્ત્રો ગીતાના બેઝ(આધાર) પર રચાયા છે.આપણા દેશમાં ભગવદગીતાના આધાર પર એટલું બધું ખેડાણ થયું છે કે જેની ન પુછો વાત. શંકરાચાર્યથી માંડીને તમામ મહાપુરુષો અને પંડિતોએ ભગવદ ગીતા ઉપર ટીકાઓ લખેલી છે.એટલું જ નહીં ગાંધીજી જ્યારે આઝાદીની લડત વખતે જેલમાં ગયેલા તો એમણે ભગવદ ગીતા ઉપર અનાસક્તિયોગ નામનો ગ્રંથ લખેલો.લોકમાન્ય તિલક જેલમાં ગયા ત્યારે જેલમાં તેમણે ગીતા રહસ્ય નામનો ગ્રંથ લખ્યો હતો.વિનોબા ભાવે જેલમાં ગયા ત્યારે તેમણે ગીતા પ્રવચનો નામનો ગ્રંથ લખ્યો હતો.આમ, તમામ મહાનુભાવોને  જ્યારે સમય મળ્યો ત્યારે ગીતાનો અભ્યાસ કર્યો છે.કારણ કે ગીતાએ હકીકતમાં આપણા લોહીમાં વસેલી છે અને આપણી સંસ્કૃતિ તેમજ આપણી માનસિકતા ગીતાના આધાર પર જ રચાયેલી છે (તમે ન વાંચી હોય તો પણ) એટલે આપણે ગીતાને સમજવી જરૂરી છે.

4) કારની પાછળ દોડતાં કૂતરાની જેમ આપણે માત્ર ટકાવારી અને પરિણામ પાછળની દોડને લીધે આપણા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું ક્યાંક ચૂક્યા છીએ.આજે આપણા બાળકોને સારી રીતે આરતી પણ આવડતી નથી. ત્યાં ગીતાના પરિચયની તો વાત જ શી કરવી? સંસ્કૃત વિષય પણ બાળકો અઘરા વિષયમાં ગણાવે છે.હવે આશાનું કોઈ કિરણ ખરું? એવામાં જો સરકાર બાળકોને ભગવદગીતા શીખવાડવાની જવાબદારી લેતી હોય તો તેમાં ખોટું શું છે? આશા રાખીએ કે એ રીતે પણ આપણા બાળકો ગીતા ભણે(સરકારી રાહે) બાકી એક શિક્ષક તરીકે મારુ દ્રઢ રીતે માનવું છે કે હિંદુઓના બાળકો આજે હિન્દુ ધર્મ વિશે એટલું જ જાણે છે કે જેટલું મુસ્લિમ ધર્મના બાળકો હિન્દુ ધર્મ વિશે જાણે છે(રોજનો જાત અનુભવ) કેટલાક બાળકોને રામાયણ અને મહાભારતના પાત્રોના નામ પણ ખબર નથી.કેટલાક બાળકો રામાયણના પાત્રો મહાભારતમાં સમજે છે અને મહાભારતના પાત્રો રામાયણમાં સમજે છે.(આ પ્રકારના કેટલાક વીડિયો પણ વોટ્સએપ પર વાયરલ થયેલા છે)

આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે પ્રજાને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બતાવીને કૃત્રિમ પાનો ચડાવવો પડે છે ત્યારે લાગે છે કે ભગવદગીતા એ ચોક્કસ આપણા બાળકોને આપણી સંસ્કૃતિ તરફ પાછા લઈ જવામાં મદદરૂપ થશે.

5) એક વાત સમજી લેવા જેવી છે કે હિન્દુ ધર્મમાં ક્યારેય કટ્ટરતા હતી નહીં, છે નહીં અને હશે પણ નહીં.હિન્દુધર્મનું પોત જ એવું છે.આથી ભગવદ્ ગીતાને શાળામાં ભણાવવાથી અન્ય કોઈપણ પ્રકારનો ડર રાખવા જેવો નથી.(આ મોહમ્મદ ઘોરીને સત્તર વખત જીવતદાન આપનાર પ્રજા છે અને હજુ પણ આપશે.)હિંદુ ધર્મનું પોત જ એ પ્રકારનું છે કે જેમાં કટ્ટરતાને અવકાશ જ નથી.એટલે એ બાબતે વિધર્મીઓએ કોઈપણ પ્રકારનો ડર રાખવો જરૂરી નથી.

6) અપેક્ષા માત્ર એટલી જ છે કે યોગ્ય વ્યક્તિઓ એક અધ્યાત્મના ગ્રંથનો યોગ્ય અભ્યાસ કરીને બાળકો સુધી પહોંચાડે.જે રીતે આપણે ગણિત વિજ્ઞાન જેવા વિષયોમાં કોપી-પેસ્ટ થીયરી લાવીને શિક્ષણનું ખસીકરણ કરી નાખ્યું છે તેવી રીતે આ એક મહાન ગ્રંથનુ પણ કોપીપેસ્ટ ન થઈ જાય એ જવાબદારી આપણા શિક્ષકોની છે.

7) શિક્ષણની અંદર નીતિ વિજ્ઞાન એટલે કે મોરલ સાયન્સનો સમાવેશ થાય છે અને બાળકોને જુદી જુદી રીતે નીતિશાસ્ત્ર શીખવાડવામાં આવે જ છે તો પછી ભગવદગીતા શીખવાડવામાં વાંધો શું છે?ભગવદ ગીતા એ મોરલ સાયન્સનો એક ક્લાસિક ગ્રંથ જ છે.આથી બાળકોમાં મોરલ સાયન્સના શિક્ષણના હેતુથી ગીતા ઉમેરાય એમાં કશું અયોગ્ય  નથી.
8) આપણે ગીતાના કેટલાક ઉદાહરણ જોઈએ.

* યોગક્ષેમો વહામ્યહમ્ અર્થાત્ હું તારો જીવન નિર્વાહ કરું છું.
* જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ અર્થાત્ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે.
* મમૈવાંશો  જીવલોકે અર્થાત્ સમગ્ર જીવો મારો જ અંશ છે.
• પચામ્યન્નમ્ ચતુર્વિધમ્ અર્થાત્ હું ચારેય પ્રકારના અન્ન પચાવું છું.
• કર્મણ્યેવાધીકારસ્તે માં ફલેશુ કદાચન અર્થાત્ તારો અધિકાર કર્મમાં છે, ફળમાં નહીં.
• યોગ: કર્મસુ કૌશલમ્ અર્થાત્ યોગ એ કર્મનું કૌશલ્ય છે.

આ બધા પ્રાથમિક કક્ષાના ઉદાહરણો છે.આવા સેંકડો ઉદાહરણો આપી શકાય.આમાં કોઈ ધર્મની વાત આવતી નથી. ગીતામાં પણ "ભગવાન ઉવાચ" છે, " કૃષ્ણ ઉવાચ " નથી.જે સાબિત કરે છે કે આ કોઈ ધર્મ વિશેષનો ગ્રંથ નથી.પરંતુ મનુષ્ય માત્રને લાગુ પડે છે.જે કરવામાં આપણે વ્યક્તિગત રીતે નીશફ ગયા છીએ એ જો સરકાર કરે તો એનાથી રૂડું શું! આખરે તો મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ કરવાની જ વાત છે. જે વર્તમાનની તાતી જરૂરિયાત છે.

કર્દમ ર. મોદી,
પાટણ.
M.Sc.,M Ed.
82380 58094
યુ ટ્યુબ ચેનલ
kardam modi

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા