બે ગણિત
પેપરમાં એક સમાચાર છપાયા.મારી દ્રષ્ટિએ આ મોટા સમાચાર છે. પરંતુ આશ્ચર્યની વાત છે કે કોઈએ એની નોંધ લીધી નહીં.
આપણે ત્યાં દસમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત વિષય અત્યંત અઘરો લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થાય છે.સરકારશ્રીએ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બે પ્રકારના ગણિત ઓફર કર્યા છે એક સરળ પ્રકારનું ગણિત (બેઝિક)અને બીજું અઘરા પ્રકારનું (સ્ટાન્ડર્ડ ગણિત)હમણાં સુધી કોઈને ખબર નહોતી કે કેટલા પ્રકારના કેટલા વિદ્યાર્થીઓએ કયું ગણિત લીધું છે પરંતુ છાપામાં સમાચાર આવ્યા છે કે કુલ નવ લાખ વિદ્યાર્થીમાંથી 8 લાખ વિદ્યાર્થીને સાદું ગણિત રાખેલ છે અને એક લાખ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે.
આ શું સાબિત કરે છે? આપણા વિદ્યાર્થીઓ 80થી 90 ટકા મહેનત ગણિત અને વિજ્ઞાનની પાછળ કરે છે અને ગુજરાતી-હિન્દી સમાજવિદ્યા અને સંસ્કૃત જેવા વિષય લગભગ નહિવત વાંચે છે છતાં પણ ગણિત વિજ્ઞાનની અંદર પરિણામ નથી લાવી શકતા. તો એનું સાચું કારણ શું હોઈ શકે એ વિશે સમાજે તેમજ શિક્ષણશાસ્ત્રી વિચાર કરવા જેવો છે મારી દ્રષ્ટિએ આમાં નીચે પ્રમાણેના કારણો હોઈ શકે.
1) ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જેવા વિષયોની અવગણના કરવાના લીધે ભાષાઓ અત્યંત નબળી રહી ગઈ છે અને વિદ્યાર્થીની ભાષા નબળી હોવાના કારણે ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો સમજવા અઘરા પડે છે.
2) ગણિત અને વિજ્ઞાન માટે વિદ્યાર્થી વધારે પડતી મહેનત કરે છે ખરા પરંતુ તેમનો આગળનો પાયો અત્યંત નબળો હોવાને લીધે સારી રીતે ભણી શકતા નથી.આથી ગણિત અને વિજ્ઞાનમાં ચોક્કસ પ્રકારની પેપર પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિના લીધે વિદ્યાર્થીઓ સારા માર્કસ મેળવી જાય છે ખરા પરંતુ એમાં એમનું કોઈ ખાસ નોલેજ જેવું હોતું નથી.
3) આપણે ત્યાં જે ટેસ્ટ કે પરીક્ષા લેવામાં આવે છે સાચા હોય છે તે માનવું અત્યંત ભૂલભરેલું છે.મોટા ભાગની ટેસ્ટ અને પરીક્ષાના પ્રશ્નો અગાઉથી આપી દેવામાં આવે છે.વિદ્યાર્થીઓ તેને ગોખી નાખે છે અને પછી બીજા દિવસે પરીક્ષામાં લખે છે આથી એ માર્કસને સાચા માનવાની ભૂલ કરવા જેવી નથી.
4) આપણા પાઠ્યપુસ્તકો એનસીઆરટી નું ભાષાંતર છે.આ ભાષાંતર અત્યંત ક્લિષ્ટ પ્રકારનું છે.તેમાં કેટલાક શબ્દો અને વાક્યો એટલા ગૂંચવાડા ભરેલા છે કે શિક્ષકને પણ તે સમજવામાં તકલીફ પડે.આવા પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ સમજી શકે એ લગભગ શક્ય નથી.આ કારણથી પણ વિદ્યાર્થીઓનું પરિણામ ખરાબ આવી શકે છે.
5) ઘરમાંથી વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન જેવા વિષયમાં માર્ક લાવવા માટે અત્યંત દબાણ કરવામાં આવે છે.એની સામે ભાષાઓની સદંતર અવગણના કરવામાં આવે છે.જેને લીધે વિદ્યાર્થીઓ ભાષાના પેપરો પરીક્ષાના આગલા દિવસે જ વાંચે છે અને ભાષાઓ અત્યંત નબળી રહી જાય છે.
6) ગણિત અને વિજ્ઞાન ઉપર વધારે પડતો ભાર મૂકવામાં આવે છે.એની સામે ઈતર વાંચન પર લગભગ પ્રતિબંધ જેવું છે.આથી વિદ્યાર્થીઓ બહારનું કશું જ વાંચતા નથી.આથી એમની સમજ નો વિકાસ થતો નથી.
7) અન્ય એક કારણ એવું પણ છે કે આપણા ગણિત વિજ્ઞાન વિષય અત્યંત અવ્યવહારુ પ્રકારના બનાવવામાં આવ્યા છે.જેનો જીવનના કોઇપણ ખૂણે સંબંધ ઊભો થતો નથી.આથી વિદ્યાર્થીઓ માટે આ વિષય રસપ્રદ બની શકવો અસંભવ છે.પરંતુ કોઇ અગમ્ય કારણસર ગણિત અને વિજ્ઞાનના વિષયોને આસમાની વિષયો બનાવી દેવામાં આવ્યા છે.
8) આપણે ત્યાં વિજ્ઞાન વિષયમાં પ્રયોગશાળામાં લઈ જવા બાબત કે પ્રયોગ કરવા બાબતે કોઈપણ પ્રકારની જાગરૂકતા નથી એટલું જ નહીં હવે તો 11 12 સાયન્સમાં પણ જાણે પ્રયોગોને મહત્વ આપવામાં આવતું નથી.આને લીધે વિજ્ઞાન વિષય નબળો અને ખોખલો બની ગયો છે.આખી દુનિયામાં સૌથી વધારે સાયન્સ ગ્રેજ્યુએટ આપણા દેશમાં હોવા છતાં પણ વિજ્ઞાન વિષયમાં આપણે નોંધપાત્ર ધાડ મારી શકતા નથી. આખીર કયું!!!
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment