બાળપણના વાનરવેડા

 બાળપણના વાનરવેડાનો લેખ



વજુ કોટકનું એક સુંદર પુસ્તક એટલે બાળપણના વાનરવેડા. બાળપણની નિર્દોષ મજાનો મહાસાગર. આ પુસ્તક એમણે આશરે ૧૬ વર્ષની ઉંમરે લખેલું. પછી ભવિષ્યમાં એને સુધારીને પછી છપાવેલું. જે એક નોંધપાત્ર બાબત ગણાય.


આ પુસ્તકમાં લેખકે પોતાના બાળપણની નિર્દોષ મજા મસ્તી, તોફાનો અને ચોરીના કિસ્સાઓની વાતો કરેલી છે. વાંચતી વખતે આપણે પણ ક્ષણાર્ધ માટે આપણો વર્તમાન ભૂલીને બાળપણમાં પહોંચી જઈએ. આજે જેમની ઉંમર ૪૦ કરતાં વધારે છે એમણે બાળપણની આ પ્રકારની મજા માણી જ હશે.એવા લોકોને હું નસીબદાર માનું છું.આ લોકોને આ પુસ્તક વાંચતા પોતાનું બાળપણ ચોક્કસ યાદ આવી જાય.


ટપાલપેટીનો લાલ ડબ્બો જોઈને લેખકના મનમાં કેવા મજાના વિચારો આવતા, રેલગાડીનું સિગ્નલ જોઈને કેવા અવનવા વિચારો આવતા, શાળાના શિક્ષકોને જોઈને લેખકના મનમાં જે ભયંકર ગુસ્સો ભભૂકી ઉઠતો, પોતાના પિતાને જોઈને લેખક મનોમન ડરી જતા . તેમજ પોતાના ગામના બીજા ફળિયાના છોકરાઓ જોડે દુશ્મનાવટ અને યુદ્ધની વ્યૂહ રચનાઓ જોઈને ક્યારેક વિશ્વયુદ્ધની યાદ આવી જાય.વળી કોઈપણ વસ્તુ સાહસપૂર્વક જ મેળવવાની વાત. પરંતુ સાહસનો અર્થ અહીં ચોરી એવો જ કરવાનો. ક્યારેક તો એવું લાગે આ પુસ્તકનું નામ ચોરી કરવાની કળા એવું રાખવું જોઇએ.પરંતુ આ ચોરી એટલી જ નિર્દોષ હોય. હોળી આવે એટલે છાણાં,લાકડાં ચોરવાના અને ઉનાળો આવે એટલે કેરીઓ ચોરવાની. લેખક અને તેમની ટોળકીને કેરી ખાવાનું મન થયું. આથી એમણે કેરી ચોરવાનું ભવ્ય આયોજન કર્યું. અંતમાં શું પરિણામ આવ્યું તે પેટ પકડીને હસાવે એવું છે. એ વિષે વાંચવાની ખરેખર ખૂબ મજા આવે.


લેખકને ભૂત વિશે પણ એટલી જ જિજ્ઞાસા એટલે એમણે ભૂતને જોવા માટે પણ આયોજન કરેલું અને અડધી રાત્રે એમની ટોળકી સ્મશાનમાં ગયેલી. પછી ત્યાં જે અનુભવ થયો તે શરૂઆતમાં ડર અને પછી હાસ્યથી ભરપુર. .જાતભાતના આયોજન રોજ થાય અને આ તમામ આયોજનનો નકશો બનાવવાનું સ્થળ એટલે ગામની નદી. શાળા છોડી નદી કાંઠે પહોંચી જવાનું અને નદી કાંઠે જઇને પહેલા પકડવાનો એક ગધેડો. તેને પકડીને તેના ઉપર સવારી કરવાની અને જેમ પૃથ્વીરાજ સંયુક્તાને ઉઠાવીને ભાગતો હોય તેમ સવારી કરવાની.પછી એમાં પડવાનું પણ આવે, વાગવાનું પણ આવે અને માર ખાવાનો પણ આવે.પરંતુ એક બાબત સતત દેખાય કે લેખકને શિક્ષણની પદ્ધતિ ઉપર સખત ગુસ્સો છે.શિક્ષણ વિશે લેખક સતત લખ્યા કરે છે એ જોતા ક્યારેક તો આ પુસ્તક વિશે એવું કહેવાનું મન થાય કે નવી શિક્ષણ નીતિ બનાવવી હોય તો પહેલા આ પુસ્તક વાંચી લેવું જોઈએ. કારણ કે બાળકોના મનમાં શું ચાલે છે તે આટલું સારું તો કદાચ શિક્ષણશાસ્ત્રીઓ પણ બતાવી બતાવી શક્યા નથી.


પુસ્તકમાં બે-ત્રણ કરુણ કિસ્સાઓ પણ છે. લેખકના બે-ત્રણ મિત્રો ગુજરી પણ જાય છે. જે અત્યંત ગંભીર પ્રકરણો છે.


અંતમાં લેખકના ફુઆ લેખકને ભણવા માટે અમદાવાદ લઈ જાય છે. ત્યારે લેખક ગમગીન હૃદયે ગામની વિદાય લે છે. સાથે સાથે આપણને એવું પણ લાગે કે જાણે લેખક પોતાના બાળપણને પણ વિદાય આપી રહ્યા હોય.એક શિક્ષક તરીકે મેં આ પુસ્તક અનેક વિદ્યાર્થીઓને વંચાવ્યું છે. તમામ વિદ્યાર્થીઓએ આ પુસ્તક વિશે ઉત્તમ અભિપ્રાય આપેલો છે. આપને પણ જો થોડી વાર માટે આપનો વર્તમાન ભૂલીને ટાઇમ ટ્રાવેલ કરીને ભૂતકાળમાં પહોંચી જવાની ઈચ્છા હોય તો, આ ખરેખર સુંદર પુસ્તક છે.

 

કર્દમ ર. મોદી,

M.Sc.,M.Ed.

પાટણ.

82380 58094

U Tube: kardam modi



Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા