યાત્રા સીરીયલ
યાત્રા
આજકાલ વેબ સીરીઝનો જમાનો છે. ટીવીને એકલું પાડી દઈને લોકો મોબાઈલમાં પૈસા ખર્ચીને જાત જાતની વેબસીરીઝ જુએ છે. પરંતુ મારી પાસે એક નવી વાત છે.
ભૂતકાળમાં દૂરદર્શન ઉપર અદભુત સિરિયલો આવતી હતી. આ તમામ સિરીયલો સાહિત્યના આધારવાળી હતી. તેમાંની મોટાભાગની સિરિયલો અમે જે તે વખતે જોયેલી હતી. આ તમામ સિરિયલોમાં સાહિત્યનું ખેડાણ હતું અને જીવન વિશેનો દ્રષ્ટિકોણ હતો એટલે વેબ સીરીઝ ની માયામાં ન પડવું હોય તો એનાથી પણ ઘણો સારો કન્ટેન્ટ youtube ઉપર દૂરદર્શનની ચેનલ માંથી મળી રહે છે.ઘણી વખત તો એમ થાય છે કે આમાંથી કઈ સીરીયલ નબળી છે એ કહેવું મુશ્કેલ છે
હમણાં મેં એક સીરીયલ જોઇ,યાત્રા. જેના વિશે ટૂંક માં લખવા માંગું છું. આ સીરીયલ શ્યામ બેનેગલની છે અને ઓમપુરી,નીના ગુપ્તા વગેરે કલાકારો છે જે તેમના કાયમના કલાકાર હોય છે. આ સીરિયલ દક્ષિણ ભારતના કન્યાકુમારથી ચાલુ થાય છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે એક ટ્રેન એવી છે (હિમસાગર એકસપ્રેસ) કે જે કન્યાકુમારીથી શરૂ થઈ કાશ્મીર સુધી જાય છે.આ ટ્રેન કન્યાકુમારીથી ચાલુ થાય ત્યારે સીરીયલ ચાલુ થાય છે અને આ ટ્રેન કાશ્મીર પહોંચે છે ત્યારે સીરિયલ પૂરી થાય છે.
સમગ્ર સીરીયલના તમામ પ્રસંગો ટ્રેનની અંદર જ રચાય છે. ટ્રેનની અંદર જાતજાતના કિસ્સાઓ, જાતજાતના લોકો, ભાતભાતના ઝગડાઓ અને જાતભાતની વાતોની સાથે ટ્રેન આગળ વધે છે અને આપણને એવી અનુભૂતિ થાય છે કે આપણે પોતે પણ કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો પ્રવાસ કરી રહ્યા હોઈએ.સાથે સાથે રેલવે તંત્રની કેટલીક સૂક્ષ્મ અને ટેકનિકલ બાબતોની જાણકારી અને શિસ્ત વિશે પણ જાણવા મળે છે. આમાં કોઈ ઐતિહાસીક પ્રસંગો કે કોઈ મોટી વાર્તાના પ્લોટ હોય એવું કશું જ નથી. તદ્દન ચીલાચાલુ પ્રસંગો છે કે જે રોજબરોજ બનતા હોય છે.
યાત્રા સીરિયલના મજેદાર પ્રસંગો:
એક ઘરડા સાધુ હિમાલયમાં જઈને જ મરવા માંગે છે માટે ટ્રેનમાં બેઠા છે.
એક સ્ત્રી પોતાના સંતાનને પિયરમાં જ જન્મ આપવા માગે છે માટે ટ્રેન માં બેઠી છે.
એક પ્રેમી યુગલ નવા લગ્ન કરીને ભાગી જવા માંગે છે માટે ટ્રેનમાં બેઠું છે.
ત્રણ-ચાર ગુંડાઓ એક સમાજસેવકનું અપહરણ કરવા માંગે છે એટલા માટે ટ્રેનમાં બેઠા છે.
કેટલાક કોલેજીયનો અપડાઉન કરતા હોય છે માટે જગ્યા શોધવા માટે રિઝર્વેશનના ડબ્બામાં ચડી ગયા હોય છે.
સિરીયલના એક પ્રસંગમાં ચાલુ ટ્રેનમાં એક વ્યક્તિ પર પોતાના ઘેરથી તાર આવે છે જે એક નોંધપાત્ર કિસ્સો ગણાય.એ સમયે પોસ્ટ ખાતું કેટલું એક્ટિવ હશે કે (જોકે આજે પણ છે) કે ચાલુ ટ્રેનમાં પણ તાર પહોંચાડવામાં આવતા હતા.
બીજો એક કિસ્સો અત્યંત કરુણ લાગે એવો છે કે રેલવેના એક કર્મચારીને લાંબા સમય સુધી રજા મળતી નથી. પરંતુ ચાલુ ટ્રેનના માર્ગમાં પોતાનું ગામ આવે છે. આથી એ દિવસમાં બે વખત ટ્રેનમાં બેઠા બેઠા પોતાના ઘરને જુએ છે પણ પોતાના ઘેર જઈ શકતા નથી. એટલે એમની પત્ની રેલવે સ્ટેશન પર એમને મળવા માટે આવે છે ત્યારે સ્ટેશન માસ્તર કહે છે કે તમે મળવાનું કામ ફટાફટ પતાવી દો પછી રેલવેની ફરજ પર ચડી જાઓ.
અન્ય એક કિસ્સામાં કોલેજના છોકરાઓ ડબ્બામાં બહુ ધમાલ કરે છે. જેની સ્ટેશન ઉપર ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે એ સ્ટેશન માસ્ટરે આગળના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને જાણ કરી અને આગળના રેલવે સ્ટેશન પરથી પોલીસને. બંને સ્ટેશનની અધવચ્ચે મોકલી દેવામાં આવે છે અને અધવચ્ચે ખેતરમાં ટ્રેન ઉભી રાખીને ત્યાં જ બધા છોકરાઓને ટ્રેનમાંથી ઉતારીને ફટકારવામાં આવે છે.
અન્ય એક કિસ્સામાં એક માણસ ટ્રેનના પાટા પર આપઘાત કરવા આવે છે, ત્યારે ટ્રેન ઉભી રાખીને એને બચાવી લેવામાં આવે છે પરંતુ પછી એન્જિન ડ્રાઇવર એને જે ધમકાવે છે એ બહુ મજાનું છે.
નાટક મંડળીમાં એક પાત્ર ઘટે છે એટલે એક જણાને તાત્કાલિક પ્રેક્ટિસ કરાવે છે.એ પણ કર્ણના પાત્ર માટે.જે ખૂબ જ હાસ્ય પ્રેરક છે.કારણકે એણે કદી નાટકમાં કામ જ કર્યું નથી હોતું.
આવા પ્રસંગોથી સીરીયલ ભરેલી છે. પરંતુ શ્યામ બેનેગલે આ સીરિયલ એટલી મજાની બનાવી છે કે આપણને પોતાને પણ પ્રવાસનો અહેસાસ થાય છે અને નિર્દોષ મનોરંજન મળે છે.
વેબ સીરીઝની માયાજાળમાંથી બહાર આવીને દૂરદર્શન પરની એક જૂની હલકી ફૂલકી સીરીયલ "યાત્રા" ખરેખર માણવા લાયક છે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.,
પાટણ.
82380 58094
U Tube: kardam Modi

Comments
Post a Comment