કિન્ડરજોય


                                         કિન્ડરજોય

મારી નાની બેબી પંથિની છ વર્ષની છે.તેને કિન્ડરજોય નામની ચોકલેટ ખૂબ ભાવે છે. જેની કિંમત લગભગ 35 રૂપિયા છે.જે આપણી સહનશક્તિ કરતાં ઘણી વધારે લાગે. જોયા અને ખાધા પછી બે રૂપિયા સુધી કિંમત હોય તો ચાલી જાય.

આમ વારંવારના 35, 35 રૂપિયાના હથોડા ખાધા પછી જોયનું રૂપાંતર ગુસ્સામાં થઈ ગયું અને તેની ખરીદી પર પ્રતિબંધ મુકી દીધો પછી મને શાંતિ થઈ પરંતુ સામેના પક્ષે શું બન્યું?

સામેના પક્ષે મોબાઈલમાં you tube ખોલી તેના સર્ચ બોક્સમાં કિન્ડરજોય લખ્યું. પછી એના વિડિયોનો ગહન અભ્યાસ શરૂ કર્યો. પછી વિડીયો વારંવાર જોઈને શોધી કાઢ્યું કે કિન્ડરજોય તો ઘેર બનાવી શકાય એટલું સહેલું છે.પછી મને કહ્યુ કે  તમે આ વિડિયો જુઓ.એમ કહીને કિન્ડરજોય કેવી રીતે બનાવશો? એવો વીડિયો જોવા મને મજબૂર કર્યો.

મારા જીવનમાં કિન્ડર બનાવવાના વિડીયો જોઈ શકું એટલી  માનસિક શાંતિ જ મારી પાસે નથી. મને કોઈ ગોળી મારવાની ધમકી આપે તો પણ હું આવા કિન્ડરના વિડીયો ના જોવું.પરંતુ અહીં તો મને મજબૂર કરવામાં આવ્યો હતો મેં નાછૂટકે ચૈત્ર મહિનામાં લીમડાનો રસ પીધો હોય તેવા મુખમંડળ સાથે વિડિયો જોયો અને કહ્યું કે સારો વિડિયો છે.તો મને કહે કે તો પછી બજારમાંથી ચોકલેટ પાઉડર લઇ આવોને?  મેં કહ્યું કે સારુ  લાવીશ.પણ પછી મેં પૂછ્યું કે  કિન્ડરજોયના ઉપરના પ્લાસ્ટિક ના ઈંડા જેવા કવર નું શું કરવાનું? એ તો બજારમાં નહીં મળે.એમ કહીને વાત ટાળવાની કોશિશ કરી. તો સામેથી જવાબ મળ્યો કે એ તો આગળના કિન્ડરજોય નું કવર ધોઈ ને મેં સાચવી રાખ્યું છે.મારા રમકડાના ટોપલામાં પડ્યું  જ છે. હવે મારી પાસે કોઈ વિકલ્પ ન હતો.

નાછુટકે મારે બજારમાંથી ચોકલેટ પાવડર લાવવો પડ્યો. એમાં મલાઈ નાંખી અને સાથે પર્કનો ભૂકો લગાવી અને કિન્ડરજોયના લખોટી જેવા લાડવા બનાવીને કિન્ડરજોયના પેલા જુના કવરમાં મૂકીને ફ્રીઝરમાં મૂક્યા.આમ હું વિશ્વકર્મા બની ગયો કિન્ડરજોયનો.

રાત્રે મુક્યા તો સવારે કિન્ડરજોયના કડક લાડવા કવરમાં તૈયાર. હું ચકિત થઈ ગયો. અરે માની પણ ન શક્યો કે કિન્ડરજોય જેવી ચોકલેટ આપણે પાંચ રૂપિયામાં ઘેર પણ બનાવી શકીએ છીએ અને એ પણ એક નાની બાળકીની પ્રેરણાથી.

કર્દમ મોદી,
પાટણ.
82 380 580 94
 

                                                         

Comments

Post a Comment

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા