હસ્તકલાનું શિક્ષણ

 

આજે એક સુંદર અનુભવ થયો. હું એક વિદ્યાર્થીના ઘેર ગયો હતો. વિદ્યાર્થીએ કબાટમાંથી કાઢીને કેટલીક વસ્તુઓ બતાવી. આ વસ્તુઓમાં ત્રણ ચાર પ્રકારના પર્સ હતા. જે ઉનમાંથી બનાવેલા હતા. અત્યંત સુંદર રંગોવાળા ઊનમાંથી બનાવેલા આ પર્સ ખૂબ જ આકર્ષક હતા. જોતાંવેંત જ ગમી ગયા.

પરંતુ અત્યંત આશ્ચર્ય તો ત્યારે થયું કે જ્યારે એ વિદ્યાર્થી એમ કહ્યું કે આ તમામ પર્સ મારા દાદીમાએ બનાવેલા છે. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. એક ૭૫ વર્ષની ઉંમરના દાદીમાં આટલા સુંદર પર્સ ઉનમાંથી બનાવી શકતા હોય તો એમની હસ્તકલા વિશે શું કહેવું! ક્યારેક આપણે શિક્ષણને મહત્વ આપીએ છીએ. પરંતુ હવે એવો વિચાર આવે છે કે ૪૨ ટકા સાથે પ્રાપ્ત કરેલી ગ્રેજ્યુએશનની ડિગ્રી વધારે સારી કહેવાય કે હસ્તકલા દ્વારા બનાવેલા આ પર્સ !

વિચારવાની વાત એ છે કે હજુ પણ આપણી પાસે જૂની પેઢીના કેટલાક લોકો એવા વધ્યા છે કે જે આવી હસ્તકલાઓ જાણે છે અને નવરાશના સમયે આ પ્રકારની વસ્તુઓ બનાવે છે. નવી પેઢીએ સમય ફાળવીને આ પ્રકારની હસ્તકલાની વસ્તુઓ બનાવતા શીખવું જોઈએ અને પોતાના સમયનો સદુપયોગ કરવો જોઈએ. અત્યારે પૈસા વેરીને કોઈપણ વસ્તુ લાવવાનો ટ્રેન્ડ વધ્યો છે. આજે ઘરમાં કોઈ ચાનો મસાલો કે ચટણી બનાવવા માગતું નથી. તો પછી આ બધો સમય જાય છે ક્યાં?

તેનો જવાબ બહુ જ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા આપણો બધો જ સમય ખાઈ જાય છે. પરંતુ બે ચાર કે પાંચ કલાક સોશિયલ મીડિયા પર ચેટિંગ કર્યા પછી પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે આ મથામણનું કોઈ વિશેષ ફળ ખરું? કોઈ સર્જનશીલતા ખરી?

હકીકતમાં સોશિયલ મીડિયામાં તમે કશું સર્જનશીલ ( creative) ન કરતા હોય તો એ સમયનો માત્ર બગાડ જ છે.એના કરતાં આપણે એ સમયને બચાવીને હસ્તકલા શીખવા કે ઘર સજાવટની અવનવી વસ્તુઓ શીખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. હજુ પણ કેટલાક જૂના લોકો વધ્યા છે કે જેમની પાસેથી આપણે આ પ્રકારનું શીખી શકીએ છીએ.

આપણે શિક્ષણને આજકાલ વધારે અગ્રીમતા આપીએ છીએ. પરંતુ આજનું શિક્ષણ લેવાથી હકીકતમાં કેટલો ફાયદો થાય છે તેનાથી આપણે સૌ સારી રીતે વાકેફ છીએ. એટલે માત્ર શિક્ષણ તરફ નજર રાખવાના બદલે ક્યારેક આવી હસ્તકલાઓ શીખીને પણ આપણે જીવનમાં વિકાસ કરી શકીએ છીએ.

મારા અન્ય એક મિત્રના દાદીમાં પતંગ ચગાવવાના દોરામાંથી વિવિધ પ્રકારના ટેબલ કલોથ બનાવે છે. આ કલા મેં જ્યારે જોઇ ત્યારે મને લાગ્યું કે ખરેખર આ કલા એ પાટણના પટોળાની સમકક્ષ જ કહેવાય. આવી તો કેટલી બધી કલાઓ આપણી આગળની પેઢી જાણે છે. પરંતુ નવી પેઢીને આ બધું શીખવા ઉત્સાહી નથી. નવી પેઢીને પૈસા ફેંકો તમાશા દેખો એ પ્રકારની થિયરીમાં વધારે રસ છે.

સારું એ છે કે નવરાશના સમયે કેટલીક કળાઓ સિધ્ધહસ્ત કરવી જોઈએ. આવી કળાઓમાં સંગીત પણ એક કળા આવે છે. વાંચન પણ એક કળા છે. લેખન પણ એક કળા છે. જેની અંદર આપણે ઘણો બધો વિકાસ કરી શકીએ છીએ. પરંતુ આપણા સમાજમાં આ પ્રકારનો ટ્રેન્ડ નહીં હોવાથી આપણે ઝડપથી આ પ્રકારની કલા તરફ વળી શકતા નથી. સરવાળે કોઈપણ પ્રકારનો નિર્ણય ન લઈ શકવાને લીધે આપણે કંટાળીને આખરે સોશિયલ મીડિયામાં ઝંપલાવી દઈએ છીએ. જે સમયની હત્યા કર્યા બરાબર છે.

નવરાશના સમયને સર્જનાત્મક રીતે વાપરવા માટે રોજ એક ચિત્ર દોરવું જોઈએ. રોજ એક કવિતા વાંચવી જોઈએ અને રોજ એક વાર્તા વાંચવી જોઈએ. માત્ર આટલી જ બાબતો કરવાથી વર્ષના અંતે તમે ૩૬૫ કવિતા જાણતા હશો, ૩૬૫ ચિત્ર દોરેલા હશે અને ૩૬૫ વાર્તાઓ જાણતા હશો. શું શું આ ઓછું છે?

કર્દમ ર. મોદી,
પાટણ.
M.Sc.,M.Ed.
82380 58094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા