સંકટ સમયનો સાથી

 સંકટ સમયનો સાથી




આપણે આર્થિક રીતે ભલે સંપન્ન થયા હોઇએ.પરંતુ હવે આપણી સમસ્યાઓ ભૌતિક નહીં પરંતુ માનસિક વધી રહી છે. જેનો સીધો કોઈ ઉકેલ જણાતો નથી. પરંતુ ઊંડાણપૂર્વક વિચારતા એવું લાગે છે કે માનસિક સમસ્યાઓનો ઉકેલ વિચારોની તાજગીમાં પડેલો છે.


વિચારોની તાજગી માટે મનની અંદર નવા પ્રકારના વિચારોની આવન-જાવન થવી જોઈએ અને મનની અંદર નવા પ્રકારના વિચારોની આવન-જાવન માટે આપણી પાસે વિચારોનો સ્ત્રોત હોવો જોઈએ અને વિચારોનો સ્રોત એટલે પુસ્તકો.આમ આપણે પુસ્તકો વાંચવા રહ્યા. પરંતુ આજના જમાનામાં કોઈને પુસ્તક વાંચવાનું કહેવું એ ગંભીર ગુનો પણ બની શકે છે. એટલે પુસ્તક વાંચવાનું તો કહી શકાય એવી પરિસ્થિતિ નથી. પરંતુ એનો અન્ય એક વિકલ્પ મને દેખાઈ રહ્યો છે.


આપણે ત્યાં ઘણા બધા મેગેઝીનો છપાતા હોય છે.(સામયિકો)કેટલાક અઠવાડિયે પ્રસિદ્ધ થાય છે. કેટલાક પંદર દિવસે પ્રસિદ્ધ થાય છે અને કેટલાક સામયિકો દર મહિને પ્રસિદ્ધ થતા હોય છે. જો આપણે કાઠા થઈને પોતાની પસંદગીના એક બે કે પાંચ સામયિકોનું લવાજમ ભરી દઈએ તો આ સામયિકો દર અઠવાડિયે કે પંદર દિવસે નિયમિતપણે આપણા ઘેર બાય પોસ્ટ આવતા હોય છે.જ્યારે ટપાલ દ્વારા સામાયિક આપણા ઘેર આવે ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને વાંચવાના છીએ અને એને હાથમાં પકડતા વેંત જ આપણી અંદર નવા વિચારોનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. એ રીતેઆપણી જે રોજિંદી વિચાર પ્રક્રિયા છે તેની સાંકળ તૂટી શકે છે. આપણે વિચારોની નવી દુનિયામાં જઈ શકીએ છીએ. એટલે મને એવું લાગે છે કે કદાચ આપણે પુસ્તક ન વાંચી શકીએ કે પુસ્તકાલયમાં જઈને નવું પુસ્તક ન લાવી શકીએ અથવા નવું પુસ્તક ખરીદવાની હિંમત ન કરી શકીએ. પરંતુ એકાદ બે મેગેઝીન જરૂર બંધાવી શકીએ. આ મેગેઝીનો ખરેખર આપણો વિચાર પ્રવાહ બદલી શકે છે. જેનાથી આપણને ઘણો લાભ થાય છે.


આપણી માનસિક દુનિયાની અંદર નવા પ્રકારના વિચારો પ્રવેશે છે. જેના લીધે આપણા વ્યક્તિત્વમાં એક જાતની તાજગી આવે છે.વિચારોની તાજગીને લીધે આપણે બીજા લોકો સુધી પણ સારા વિચારો પહોંચાડી શકીએ છીએ. આપણે જ્યારે પણ બીજા માણસોને મળીએ છીએ, ત્યારે હકીકતમાં આપણી પાસે બીજા માણસને આપવા જેવું કશું હોતું જ નથી. એટલે નાછૂટકે આપણે રાજકારણની કે ફિલ્મોની ઘસાઈ ગયેલી વાતો કરીને સમય પસાર કરવો પડે છે.પરંતુ જો આપણી પાસે નવી વાતો હોય તો આપણે આપણી વાતો દ્વારા સામેવાળાને નવા વિચારો આપી શકીએ છીએ.એક જૂની કહેવત છે કે મારી પાસે એક રૂપિયો હોય અને એ હું તમને આપી દઉં અને તમારી પાસે એક રૂપિયો હોય અને એ તમે મને આપી દો, તો બંનેની સ્થિતિમાં કોઈ ફેર પડશે નહીં.પરંતુ મારી પાસેનો એક વિચાર હું તમને આપું અને તમારી પાસેનો એક વિચાર તમે મને આપો તો આપણા બંને ની પાસે વિચારોની સંખ્યા બમણી થઈ જાય. મનનું કાર્ય એ સંપૂર્ણપણે આપણા વિચારોની સાથે સંકળાયેલું છે. એટલે વિચારોના આગમન માટે ઘરે મેગેઝીન બંધાવવું એ એક અત્યંત સરળ ઉકેલ જણાઈ રહ્યો છે. મેગેઝિન પોતાની પસંદગીનું રાખવું.


મારી પોતાની વાત કરું તો હું ભૂમિપુત્રનો કાયમી ગ્રાહક છું. હું પણ બધાની જેમ રોજિંદા પ્રશ્નોને લીધે જીવનની સમસ્યાઓ નો સામનો કરી રહયો છું. પરંતુ ભૂમિપુત્ર વાંચવાથી નવી તાજગી આવી જાય છે.

આપણી આસપાસ સમાજ પરિવર્તનની કેટકેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અથવા આપણી આસપાસ કેટલી બધી સામાજીક પ્રવૃત્તિઓ ચાલી રહી છે.એનો ખ્યાલ આવે છે.


 આ રીતે મને લાગે છે કે આપણે નિરાશ થવાની કોઈ જરૂર નથી.સમાજની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે અને વિવિધ માણસો એની અંદર કામ કરી રહ્યા છે. તો આપણે પણ કંઈ સારું કામ કરી શકીએ છીએ. આવું વિચારવાથી મારા વાણી અને વર્તનમાં એક જાતની તાજગી આવી જાય છે. દર પંદર દિવસે મારે ત્યાં ભૂમિપુત્ર આવે એટલે મને એક સહાનુભૂતિ અથવા લાગણીનો અનુભવ થાય છે. જેમ દુઃખી થયેલા માણસને કોઈ આશ્વાસન આપે તો તેને સારું લાગતું હોય છે એવી જ અનુભૂતિ કદાચ મારી હોય છે. આ વાત કદાચ કોઈને માન્યામાં ન પણ આવે.પરંતુ હકીકતમાં મને એવી જ લાગણી દર પંદર દિવસે એક ભૂમિપુત્ર મેળવીને થાય છે. આથી જે લોકો પૈસા ખર્ચવા માટે સક્ષમ છે, એમના માટે મારુ એક સુચન છે કે પોતાની પસંદગીના કેટલાક મેગેઝીનોના ગ્રાહક બની જવું જોઈએ. જેથી તમે સતત પુસ્તકના સંપર્કમાં રહી શકો.


અહીં વાત સમજાવવા માટે ભૂમિપુત્રનું ઉદાહરણ આપ્યું છે. પરંતુ વ્યક્તિ પોતાની પસંદગીનું કોઈપણ મેગેઝીન મંગાવી શકે છે. જેમ કે આપના બાળકો શાળા અથવા કોલેજમાં ભણતા હોય તો તમારે સફારી મેગેઝીન ફરજિયાત બંધાવવું જોઈએ. જો આપને રાજકીય અને સામાજિક મુદ્દાઓમાં રસ હોય તો આપે ચિત્રલેખા અને અભિયાન બંધાવવું જોઈએ. જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો આપે યુગ શક્તિ ગાયત્રી કે જલારામ જયોત જેવું મેગેઝીન બંધાવવું જોઈએ. જો આપને ગાંધીવાદમાં રસ હોય તો ભૂમિપુત્ર બંધાવવું જોઈએ. જો આપને ગણિતમાં રસ હોય તો સુગણિતમ બંધાવવું જોઈએ.આપને સ્પર્ધાત્મક પરીક્ષામાં રસ હોય તો આપે લેટેસ્ટ ફેકટસ ઈન જનરલ નોલેજ બંધાવવું જોઈએ.આ ઉદાહરણ માટેના કેટલાક નમૂના છે. હકીકતમાં સેંકડો મેગેઝીનો આપણી આસપાસ પ્રાપ્ય છે એમાંથી કોઈ પણ બંધાવી શકાય.


આ પ્રકારના મેગેઝીનોથી ઘરના સભ્યો પણ પુસ્તકના/વિચારોના સંપર્કમાં રહી શકે.આપણા બાળકો આવાં મેગેઝીન વાંચશે તો એમની અંદર પણ નવા વિચારોનું વાવેતર થશે. જે ભવિષ્યમાં સામાજિક પ્રગતિનું કારક બની શકે..




કર્દમ ર. મોદી,

પાટણ.

M.Sc.,M.Ed.

82 380 580 94



Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા