ધરમપુરનું વિજ્ઞાન કેન્દ્ર
ધરમપુરનું વિજ્ઞાન કેન્દ્ર
વહાલા મિત્રો,
આજે હું આપ સૌને ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર વિશે વાત કરવાનો છું. સૌ પ્રથમ તો હું આપને એ જણાવીશ કે આપનાં સંતાનને લઈ અને આપ આપના ગામથી ધરમપુર સ્પેશ્યલ જઈને આ સ્થળ બતાવો તો પણ તમે આવ્યા પછી એમ કહેશો કે પૈસા વસુલ. એટલું જબરદસ્ત આ સ્થળ છે. તો એવું તે શું છે આ સ્થળમાં? તો એના વિશે વિગતવાર વાત કરીએ.
ધરમપુર એ વલસાડ જિલ્લામાં આવેલું છે વલસાડથી ૩૦ કિલોમીટર દૂર આવેલું તાલુકા સેન્ટર છે. જ્યાં જવું બહુ સરળ છે.આ એક રજવાડી શહેર છે. ત્યાં વિજ્ઞાન કેંદ્ર ઉપરાંત મ્યુઝીયમ, ત્રણ દરવાજા તેમજ બાગ બગીચા જોવાલાયક છે. નજીકમાં વિલ્સન હીલ નામનું હીલ સ્ટેશન પણ છે.પરંતુ આ લેખમાં આજે માત્ર વિજ્ઞાન કેન્દ્ર ની વાત કરવાની છે.
આપણે ત્યાં તમામ ધોરણમાં વિજ્ઞાન ભણાવવામાં આવે છે. પરંતુ શાળામાં વિજ્ઞાનના પ્રયોગો ભાગ્યે જ કરાવવામાં આવે છે. આપણે ત્યાં ઓક્સીજન બનાવવાથી માંડીને, ખેતીમાં વિવિધ પાકો લેવાથી માંડીને, વિવિધ રોગોથી માંડી અને બાળકો કેવી રીતે જન્મે છે.... આ તમામ ઘટનાઓ કાળા પાટીયાની અંદર જ થઈ જાય છે. પરિણામે આપણે ત્યાં વિજ્ઞાનના પ્રાયોગિક ખ્યાલ જેવું કશું છે જ નહીં. વિજ્ઞાન એટલે માત્ર ચોપડીમાંથી ગોખીને પરીક્ષામાં લખી નાખવાનું જ્ઞાન.જેને અમે કહીએ છીએ કે કાળા અક્ષરનું પુરા અક્ષરમાં રૂપાંતર.
હકીકતમાં ધરમપુર વિજ્ઞાન કેન્દ્ર એ આ કોયડાનો ઉકેલ છે. ભણવામાં આવતા તમામ મુદ્દાઓની વ્યવહારૂ અને પ્રાયોગિક રજૂઆત આ વિજ્ઞાન કેન્દ્રમાં કરવામાં આવી છે.આ વિજ્ઞાન કેન્દ્રની અંદર લગભગ પાંચ જેટલા ખંડ છે. જેની અંદર શાળાકીય વિજ્ઞાનના તમામ મુદ્દાઓને પ્રાયોગિક રીતે પણ અત્યંત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા છે. પ્રાયોગિક રીતે રજુ કરવાના લીધે પાંચ વર્ષના બાળકથી માંડીને ૫૦ વર્ષના પ્રોફેસરને પણ આ રજૂઆતમાં રસ પડી જાય છે. લાઇટ અને સાઉન્ડનો અદભુત ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર મુંબઈ ખાતે આપણે ક્યારેય જઈ શકવાના નથી. પરંતુ એનું એક મીનીએચર આ વિજ્ઞાન કેન્દ્રની અંદર મૂકવામાં આવ્યું છે. એ મીનીએચર જોતાં આપણને એવો અહેસાસ થાય છે કે આપણે પોતે ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર જોઇને આવ્યા હોય.
તેની બાજુમાં 3D ફિલ્મ બતાવવા માટેનું એક નાનકડું થીયેટર પણ બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં ગાંધી ડિજિટલ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. કે જેમાં ગાંધીજીના સમગ્ર જીવનને ડીજીટલાઈઝ કરવામાં આવ્યું છે. બાળકો પોતાના આંગળીના ટેરવાંની મદદથી ગાંધીજીના જીવનના વિવિધ પાસાંને સમજી શકે છે. આ વિભાગમાં ગાંધી અને વિજ્ઞાનનો અનેરો સંગમ જોવા મળે છે.
ત્યારબાદ આ વિજ્ઞાન કેન્દ્રની અંદર એક અરીસાભવન ઊભુ કરવામાં આવ્યું છે. જેનું નામ ભૂલભૂલૈયા છે.આ વિભાગમાં અરીસાની એટલી જબરદસ્ત કરામતો બતાવવામાં આવી છે કે મોટી ઉંમરના માણસો પણ એની અંદર ખોવાઈ જાય અને રમતે ચડી જવાનું મન થાય એવી રીતે અરીસાઓ ગોઠવવામાં આવેલા છે. સામાન્ય રીતે એવું લાગે ટ્રાયલ રૂમ જેવું બનાવેલું હશે. પરંતુ એટલું જ નથી. તે ઉપરાંત અનેક કલાત્મક બાબતો પણ અંદર બતાવવામાં આવેલી છે.
જેમ કે એક જગ્યાએ એક નાનકડો હોલ પાડવામાં આવેલો છે.એ હોલમાંથી નજર કરીએ તો અંદર હજાર માણસ બેસી શકે તેવો એક મોટો સભાખંડ દેખાય છે. હકીકતમાં એવો કોઈ સભાખંડ છે જ નહીં. પરંતુ છે માત્ર અરીસાની કરામત.બીજી એક જગ્યાએ પચીસ રેલવેના ડબ્બા જોડાયેલા હોય એવી લાંબી ટ્રેન દેખાય છે. હકીકતમાં ત્યાં માત્ર એક જ ડબ્બો રાખેલો છે. પરંતુ અરીસાની કરમતના લીધે બહુ લાંબી ટ્રેન દેખાય છે. એક જગ્યાએ અનંત ઊંડાઈ વાળો કુવો દેખાય છે. જેની અંદર નજર કરતા આપણને ચક્કર આવી જાય. પરંતુ હકીકતમાં એ માત્ર પાંચ જ ફૂટનો કૂવો છે. પરંતુ અરીસાની કરામતને લીધે આ કૂવો અનંત ઊંડાઈનો જણાય છે.અરીસાની આવી અનેક ભુલભુલામણીમાં ખરેખર આનંદ આવે છે. નાના બાળકો એમાંથી નીકળવાનું નામ જ લેતા નથી.
એક જમાનામાં અમદાવાદની બાલવાટિકાની અંદર વિશિષ્ટ પ્રકારના અરીસા હતા. એટલે આપણને એની સાથે આની સરખામણી કરવાનું મન થાય. પરંતુ આ વિજ્ઞાન કેન્દ્રની અંદર એ પ્રકારના અરીસા ઉપરાંત નવા જમાનાને અનુરૂપ નવા પ્રકારની અનેક પ્રકારની અરીસાની ગોઠવણ કરેલી છે. જેનાથી મોટી ઉંમરના માણસો પણ નાની ઉંમરના બાળક જેવી અનુભૂતિ કરે છે.
આ વિજ્ઞાન કેન્દ્રના બહારના ભાગમાં એક જુરાસિક પાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં લગભગ એક ડઝન જેટલા બહુ જ મોટા કદના ડાયનોસોર બનાવવામાં આવેલા છે. આ ડાયનોસોર જોતા જ એવું લાગે છે કે જાણે બધા ડાયનોસોર જીવતા હોય. નાના બાળકો ડરી જાય એવા ભયાનક ડાયનોસોર પણ અહીં હાજર છે.
તદુપરાંત વિજ્ઞાનના અમુક સિદ્ધાંતની મદદથી કેટલીક રમતો બનાવવામાં આવી છે.પાર્કમાં રમતો રમતા રમતા પણ બાળકો વિજ્ઞાનના સિદ્ધાંતો શીખી શકે છે. જે ખરેખર એક જબરદસ્ત બાબત છે. આપણને લાગે છે કે આ બનાવનારે ખરેખર ખુબ ચિંતન કરીને આ બધું બનાવેલું છે.
ઉપરાંત વિજ્ઞાન કેન્દ્રની અંદર એક નક્ષત્રાલય છે. જેને આપણે પ્લેનેટોરિયમ કહીએ છીએ. આ પ્લેનેટોરિયમની છત ગોળાકાર છે અને એમાં સૂતાસૂતા ફિલ્મ જોવાની હોય છે. ફિલ્મમાં બ્રહ્માંડ બતાવવામાં આવે છે.બપોરના સમયે પણ મધ્યરાત્રી થઈ ગઈ હોય તેવી અનુભૂતિ થાય છે. (કેટલાક લોકો તો સૂઈ પણ જતા હોય છે) ફિલ્મમાં બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને પૃથ્વી સુધીનો વિકાસ જોવા મળે છે.
આ તમામ મુદ્દાઓ આપણા બાળકોને શાળાકીય વિજ્ઞાનમાં ભણવામાં આવે છે. જેથી આપણા બાળકોને અહીં વિજ્ઞાન ભણતા હોય એવો અહેસાસ થાય છે.પરંતુ આનંદમય રીતે. આપણી શાળાઓ આનંદમય શિક્ષણની વાતો કરતી હોય છે પરંતુ શિક્ષણની અંદર આનંદમય જેવું કશું હોતું નથી. પરંતુ આ વિજ્ઞાન કેન્દ્રની જ્યારે મુલાકાત લઇએ છીએ ત્યારે લાગે છે કે વિજ્ઞાન ખરેખર આનંદ દાયક હોઈ શકે છે.
આથી મારી દરેક વાલીઓને ભલામણ છે કે ક્યારેક પોતાના બાળકોને લઈને ધરમપુર જરૂર જજો. આપણે ટયૂશન જેવી બાબતોમાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ. પરંતુ ધરમપુરના વિજ્ઞાન કેન્દ્ર જેવી સંસ્થા જોવા માટે આપણે બાળકોને લઈ જતા હોતા નથી. ખરેખર આપણી સમજણની આ કચાશ છે.
ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રની કક્ષાનું વિજ્ઞાન કેન્દ્ર કદાચ અમદાવાદમાં પણ નથી એવું મારું માનવું છે. (જોકે અમદાવાદમાં એક સાયન્સ સીટી છે)
સૌથી છેલ્લે સમગ્ર વિજ્ઞાન કેન્દ્રમાં મને
પોતાને જે બાબત સ્પર્શી ગઈ તે બાબતની રજૂઆત કરીને મારો આ લેખ પૂર્ણ કરીશ. વિજ્ઞાન કેન્દ્રના પાર્કની અંદર એક જગ્યાએ સી. વી. રામનનું પાસપોર્ટ સાઇઝનું સ્ટેચ્યુ છે. આ સ્ટેચ્યુ માત્ર એક સ્ટેચ્યુ છે.એમાં કોઈ લાઇટિંગ નથી. કોઈ મશીન મૂકેલું નથી. કોઈ કરામત નથી. છતાં પણ સ્ટેચ્યુની આજુબાજુ ફરીએ તો એવું લાગે છે કે સ્ટેચ્યુની નજર પણ આપણી સાથે ફર્યા કરે છે. આ જે અનુભૂતિ છે તે ખરેખર એક વિશિષ્ટ પ્રકારની અનુભૂતિ છે. આ બનાવનારને ધન્યવાદ આપવા જોઈએ. કારણ કે સ્ટેચ્યુ પોતાની સાથે આંખો ફેરવે છે એના માટેનું જે કારણ છે તે ભૌતિક કારણ નથી પરંતુ માનસિક કારણ છે. આનાથી વિશેષ આ લેખમાં સમજાવવું શક્ય નથી. માટે આપ સૌ ત્યાં જઈને ક્યારેક જાત અનુભવ કરો એ જ ઇચ્છનીય છે.
લેખ ધાર્યા કરતાં થોડો મોટો થઈ ગયો છે પરંતુ મારી વાતને વિગતવાર સમજાવવા મને આટલું લખવું જરૂરી લાગ્યું. એટલે મેં લખ્યું છે. અંત સુધી વાંચવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી વાર કહું છું કે આપના બાળકને લઈને ગમે ત્યારે ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં જજો.આપને આ વિજ્ઞાન કેન્દ્ર અત્યંત ગમશે.આપના બાળકોને પણ અત્યંત ગમશે એવી મને પૂરી શ્રદ્ધા છે.
કર્દમ ર. મોદી,
પાટણ.
82380 58094
Comments
Post a Comment