આજનું teaching
આજના શિક્ષણની સૌથી મોટી બલિહારી એ છે કે હવે શાળાઓમાં ભણાવવામાં આવતું નથી. ભણાવવું એટલે શું એ પણ ઘણા શિક્ષકોને ખબર પણ નથી. ઘણા બધા શિક્ષકો ઘેરથી પોપટની જેમ ગોખીને આવે છે અને વર્ગખંડની અંદર બોલી જાય છે. અને કેટલાક શિક્ષકો વર્ગખંડની અંદર પાઠ્યપુસ્તકમાંથી પોતાની વાંચન કલાની રજૂઆત કરે છે. એટલું જ નહીં અમે કેટલાક શિક્ષકોને હાથમાં સીધેસીધી ગાઈડ પકડીને પણ ભણાવતા જોયા છે. હકીકતમાં શિક્ષણની અંદર જે પાઠો અથવા ગણતરીઓ અથવા સમીકરણો આપવામાં આવ્યા છે એ દરેક બાબતનો જીવનમાં ઉપયોગ કરવાનો હોય છે અને જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો એ શિક્ષકે બાળકને શીખવાડવાનું હોય છે. જેમકે અખાના છપ્પા ભણાવવામાં આવે ત્યારે આપણા સમાજમાં રહેલી અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરવાની છે, જે શિક્ષકે બાળકોને સમજાવવાનું છે. એ જ રીતે હાઈડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો H2O બને છે અને H2O એટલે પાણી એવું શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવવાનું હોય છે. પાયથાગોરસનો પ્રમેય છે તે દુનિયાના કોઈપણ બિલ્ડિંગમાં વપરાયેલો હોય છે. પરંતુ આ બધું ખુલાસા પૂર્વક, ફોડ પાડીને સારી રીતે, ભારપૂર્વક કહેવામાં આવતું નથી. પરિણામે શિક્ષણનો અને જીવનનો કોઈ પ્રકારનો સંબંધ ઊભો થતો નથી. પરિણામે શિક્ષણ દ્વારા જે નીતિ મૂલ્ય શીખવાડવાના હોય છે તે નીતિ મૂલ્ય શિક્ષણમાંથી નિષ્પન્ન થઇ શકતા નથી.માટે બાળકો નીતિમૂલ્યો શીખી શકતા નથી. સરવાળે આ બધું શિક્ષણ માત્ર પરીક્ષાલક્ષી બની જાય છે.
એટલે હવે એવું કહેવું પડે કે આપણા શિક્ષકો ભણાવવાના બદલે હકીકતમાં શું કરે છે?તો જવાબ એ છે કે આપણા શિક્ષકો ભણાવવાના બદલે હકીકતમાં પરીક્ષામાં શું લખવું તે શીખવાડે છે. એટલે કે ઓક્સિજન એવું બોલવામાં આવે છે અને અમુક પ્રકારની ખાલી જગ્યા પુછાય તો એમાં ઓક્સિજન લખવું એવું કહેવામાં આવે છે. પણ ઓક્સિજન એટલે હવા અને એ જ હવા કે જે તમે શ્વાસમાં લો છો, એ પ્રકારનું અર્થઘટન જણાવવામાં આવતું નથી.એવી રીતે સિલ્વર એટલે ચાંદી એ વાત સમજાતી નથી. સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું એ વાત સમજાતી નથી. પરિણામે આ સમગ્ર શિક્ષણ એ પોથીમાંના રીંગણા સાબિત થાય છે. આ માટે ૯૯ ટકાથી વધારે જવાબદારી શિક્ષકોની ગણાય. એટલે આપણે સારા શિક્ષકો શોધવા પડે કે જે પુસ્તકમાં છાપેલા પાઠને જીવન સાથે જોડી અને વિદ્યાર્થીઓને નીતિ મૂલ્યો શીખવાડે.
પરંતુ તકલીફ એ છે કે આજે B.Ed. સારી રીતે કરવામાં આવતું નથી. લગભગ ઘેરબેઠા B.Ed. કરવામાં આવે છે. માત્ર પરીક્ષાઓ આપીને બી.એડ. પાસ કરવામાં આવે છે.આથી " કેવી રીતે ભણાવવું " એની કલા આપણી નવી પેઢીના ઘણા શિક્ષકો લગભગ જાણતા જ નથી. પરિણામે શિક્ષણની હાલત દયાજનક થઈ ગઈ છે.
એક જાણીતી ઉક્તિ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે.પરંતુ એમાં ફેરફાર કરીને એવું કહેવું જોઈએ કે ત્રીજું વિશ્વયુદ્ધ શિક્ષણ માટે થશે. તમારું મંતવ્ય જણાવો.
એક સર્વેક્ષણમાં હમણાં માલુમ પડયું કે આપણા દેશના 50% સ્નાતકો નોકરીને માટે જરૂરી જ્ઞાન ધરાવતા નથી. આ ખરેખર રાષ્ટ્રીય શોક મનાવી શકાય એવા સમાચાર છે. ભારતની એક પણ યુનિવર્સિટી વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં ગણાતી નથી. પરંતુ હમણાં ભારતની બે યુનિવર્સિટીઓ વિશ્વની સારી યુનિવર્સિટીઓ તરીકે ધ્યાનમાં લેવામાં આવી છે. કે જ્યારે આ દેશની અંદર 800 કરતા વધારે યુનિવર્સિટીઓ છે. શું આપણા સૌના માટે આ વાત યોગ્ય ગણાય?
આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં એક સમયે તક્ષશિલા અને નાલંદા નામની વિદ્યાપીઠો હતી. જે જ્ઞાન માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત હતી. વિશ્વના લોકો જ્ઞાન મેળવવા માટે આ યુનિવર્સિટીમાં આવતા હતા. આજે આપણી પાસે શ્રેષ્ઠ એન્જિનિયરો નથી. આજે આપણી પાસે સમર્થ શિક્ષકો નથી.
આ બધું ક્યાં જઈને અટકશે એ સમગ્ર સમાજ એકત્ર થઇને ચિંતન કરવા જેવો વિષય છે.
કર્દમ ર. મોદી,
પાટણ.
82380 58094
Comments
Post a Comment