ટૂંકા પ્રશ્નોની લાંબી વાત
આજના શિક્ષણની એક એવી બાબત રજૂ કરવા માગું છું કે જે આપણામાંથી ઘણા વાલીઓની ધ્યાન બહાર હશે.
છેલ્લા કેટલાક વર્ષોથી બાળકોના ટકા વધારે આવે છે. એ બહુસ્પષ્ટ બાબત છે.આ માટે શિક્ષણમાં ટૂંકા પ્રશ્નો અથવા એમસીક્યુ અથવા હેતુલક્ષી પ્રશ્નોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બાળકોને ટૂંકા પ્રશ્નો અને હેતુલક્ષી પ્રશ્નો વધારે પડતા લખાવવામાં આવે છે અને એ જ તૈયાર કરાવવામાં આવે છે અને એની જ પરીક્ષા લેવામાં આવે છે. આવું તમામ ધોરણોમાં કરાવવામાં આવે છે.આવા ટૂંકા પ્રશ્નો તૈયાર કરવાનું બાળકો માટે બહુ સહેલું અને આરામદાયક હોય છે. એટલે બાળકો તૈયાર કરી લે છે અને એ જ પરીક્ષામાં પુછાય છે. એટલે સારા ટકા આવી જાય છે. જેના લીધે વાલીઓ પોતાની જાતને ધન્ય માને છે.
પરંતુ આ બાબતની લાંબા ગાળે શું અસર થઈ શકે એ આપણે સમજી શકતાં નથી. આજે પરિસ્થિતિ એ છે કે આપણા વિદ્યાર્થીઓ સારો નિબંધ લખી શકતા નથી. નિબંધ તો શું ટૂંક નોંધ કે ચાર માર્કના પ્રશ્નોનો આઠ લીટીમાં જવાબ પણ લખી શકતા નથી. એ પ્રકારના લાંબા પ્રશ્નો લખવામાં વિદ્યાર્થીઓ પાસે કોઈ પ્રકારની સારી ભાષા કે શબ્દ ભંડોળ પણ પૂરતી માત્રામાં છે નહીં. કારણકે ધોરણ-૧થી હંમેશા માટે ટૂંકા પ્રશ્નો અને એમસીક્યુ તૈયાર કર્યા હોય છે. આથી લાંબુ લખવાની કળા વિકસી હોતી નથી. પરિણામે તેઓ લાંબુ લખાણ કરી શકતા નથી. જેમ જેમ વિદ્યાર્થી આગળ ભણતો જાય છે તેમ તેમ ટૂંકા પ્રશ્નોનું મહત્વ ઘટતું જાય છે. કારણ કે મોટી મોટી સંકલ્પનાઓ સમજવા માટે ટૂંકા પ્રશ્નો કામ નથી આવતા. પરંતુ નિબંધલક્ષી પ્રશ્નો કામમાં આવે છે. પરિણામે આવા બાળકોને આગળ પણ ભણવામાં તકલીફ ઊભી થાય છે.
આપણા બાળકો સારી રીતે રજા ચિઠ્ઠી પણ લખી શકતા નથી. જે આપણા માટે ચિંતાજનક કહેવાય. એક શિક્ષક તરીકે મારો અનુભવ એવો છે કે ક્લાસમાં ૫૦ માંથી 49 વિદ્યાર્થીઓને આજકાલ રજા ચિઠ્ઠી લખતા આવડતું નથી. જે દર્શાવે છે કે બાળકો પાસે કોઈ પણ પ્રકારની વિચાર શક્તિ કે વર્ણનશક્તિ નથી. એના મૂળમાં એમની પાસે શબ્દો કે ભાષાનો અભાવ છે.
આ વાતમાંથી તારણ એ નીકળે છે કે આપણે હવે ટકાવારીનો મોહ છોડી દેવા જેવો છે. આ ટકાવારી આપણને કશું જ આપવાની નથી.આપણામાંથી કેટલા લોકોને નોકરી મળશે એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ એટલે બાળકોની પાસે વધારે ટકા લાવવાની અપેક્ષા રાખવા કરતા બાળક ભલે થોડું શીખે પણ સારું શીખે એ બાબત ઉપર આપણા વાલીઓએ ભાર આપવાની જરૂર છે.....
કર્દમ ર. મોદી,
પાટણ.
M.Sc.,M.Ed.
82380 58094
Comments
Post a Comment