પુસ્તકનું નામ: આપણા ક્રાંતિકારીઓ લેખક: જીતેન્દ્ર પટેલ,


 

પુસ્તકનું નામ: આપણા ક્રાંતિકારીઓ
લેખક: જીતેન્દ્ર પટેલ,

પ્રકાશક: પાર્શ્વ publications, અમદાવાદ

મિત્રો, હમણાં અનાયાસે એક પુસ્તક જોવામાં આવ્યું.એ કઈ રીતે જોવામાં આવ્યું એ જણાવવું પણ મને જરૂરી લાગે છે. હમણાં હું એક વિદ્યાર્થીનું ટ્યુશન કરું છું. આ વિદ્યાર્થી સાતમા ધોરણમાં ભણે છે. પરંતુ મને એનું વાંચન થોડું નબળું લાગ્યું. એટલે મને એમ થયું કે એનું વાંચન સુધારવા માટે હું એની પાસે રોજ એક ફકરો વંચાવવો. એ માટે મેં એને કહ્યું કે તારા ઘરમાં કોઈ ચોપડી પડી હોય તો તું મને એ ચોપડી આપ. એટલે એણે મને એના ઘરમાં પડેલી આપણા ક્રાંતિકારીઓ, લેખક જીતેન્દ્ર પટેલ. એ ચોપડી આપી. મેં ચોપડીનું અવલોકન કર્યું. તે ચોપડીનીમાં સો ક્રાંતિકારીઓના જીવન ચરિત્ર છાપેલા હતા. ડાબી બાજુના પેજ પર એક ક્રાંતિકારીનો ફોટો હતો અને જમણી બાજુના પેજ પર માત્ર એક પેજમાં જે તે ક્રાંતિકારીનું જીવન ચરિત્ર લખેલું હતું. એટલે મને એમ થયું કે નિયમિત વાંચવા માટે આ ચોપડી ખૂબ સારી છે. એટલે મેં એ વિદ્યાર્થીને મારા ટ્યુશનની શરૂઆતની બે-ત્રણ મિનીટમાં એ ચોપડી નું કોઈપણ એક પ્રકરણ ક્રમાનુસાર વાંચવાનું જણાવ્યું. આથી ટ્યુશનની શરૂઆતમાં રોજ તે એનું એક પ્રકરણ વાંચે છે અને અમારો પ્રયોગ સરસ રીતે ચાલી રહ્યો છે. એનું વાંચન પણ મહદંશે સુધરી ગયું છે.

પરંતુ મારે જે વાત કહેવાની છે તે વાત એ છે કે રોજ એક એક એક પ્રકરણ વંચાતા જાય છે અને હું એ સાંભળતો હોઉં છું તો લગભગ રોજ મારી આંખમાં આંસુ આવી જાય છે. મને થાય છે કે આપણા દેશને આઝાદી મળી છે તેની માટે આપણે મુખ્ય મુખ્ય પાંચ સાત લોકોના નામો જ જાણીએ છીએ. પરંતુ હકીકતમાં એવા સેંકડો ક્રાંતિકારીઓ છે કે  જેમણે ભયંકર કષ્ટ ભોગવ્યા છે.તેમના ચરિત્ર વાંચીને આપણે ધ્રૂજી ઊઠીએ એવા આ વિરલ ચરિત્ર વિશે આપણે કશું જાણતા નથી.કદાચ બહુ ઓછું જાણીએ છીએ. લગભગ દરેક ક્રાંતિકારીના જીવન વિશે વાંચી ખરેખર જ આંખમાં આંસુ આવી જાય છે. દાખલા તરીકે ભગતસિંહના સગા કાકા  અજીતસિંઘ હતા.આ અજીતસિંઘે ક્રાંતિકારી પ્રવૃત્તિના ભાગરૂપે ભાગી જઈને અફઘાનિસ્તાન જવું પડ્યું હતું અને ત્યાંથી એમણે બ્રાઝિલમાં ભાગી જવું પડયું હતું. બ્રાઝિલમાં સોળ વર્ષ સુધી એમણે જુદી જુદી નોકરીઓ કરીને પોતાનું જીવન પસાર કર્યું. ત્યાંથી તેઓ યુરોપમાં ગયા અને અંતે 38 વર્ષ રઝળપાટ કરીને તે ભારત આવેલા. પરંતુ જ્યારે ભારત આવ્યા ત્યારે તનથી થાકી ગયા હતા અને 15 ઓગસ્ટ 1947 ના રોજ તેમનું મૃત્યુ થયું હતું. તો મિત્રો આપણામાંથી કેટલા લોકો જાણે છે કે અજીતસિંઘે આ દેશને આઝાદી અપાવવા માટે ૩૮ વર્ષ સુધી પશ્ચિમના દેશોમાં રીતસર રઝળપાટ કરી હતી. તદુપરાંત કેટલાય ક્રાંતિકારીઓ એવા છે કે જેમના દુઃખોની અને કષ્ટોની તમે કલ્પના ન કરી શકો.

સરદાર પૃથ્વી સિંહ રાણાએ તો અમેરિકાના કોઈ ટાપુ પર અનેક વર્ષો ગાળ્યા હતા. ત્યાં ઢોર ચરાવ્યા હતા અને શાકભાજી વેચી હતી. વીર સાવરકરે આંદામાન-નિકોબારના જેલની અંદર પોતાનો કાયા ઘસી નાખી હતી. કેટલાક ક્રાંતિકારીઓ આંદામાન નિકોબારની જેલમાં કાળાપાણીની સજા ભોગવતા હતા. ત્યારે નાળિયેરના છોતરા સાથેના કામને લીધે એમના હાથમાંથી લોહી નીકળવા લાગતુ હતું. જ્યારે તેઓ નાળિયેરનું તેલ કાઢતા હતા ત્યારે એમને એમની પીઠ ઉપર કોરડા ફટકારવામાં આવતા હતા. એક કિસ્સો તો એવો નોંધાયેલો છે કે એક ક્રાંતિકારીને એક સૈનિકે એટલો માર માર્યો હતો કે તે જોઈને બીજો એક ક્રાંતિકારી પાગલ થઇ ગયો હતો. કેટલા ક્રાંતિકારીઓએ બીજા ક્રાંતિકારીઓના દુઃખો અને કષ્ટો જોઈને આઘાતના લીધે આત્મહત્યા કરી લેવાનું પસંદ કર્યું હતું. એવી જ રીતે આપણા સૌથી આદ્ય ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકેનું જીવન ચરિત્ર તો વાંચી પણ ન શકાય એટલું કષ્ટદાયી છે. એમને ભારતથી હજારો કિલોમીટર દૂર આફ્રિકાની એડન જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. એમના શરીર ઉપર વીસ કિલોનો પથ્થર બાંધવામાં આવ્યો હતો. જેથી તે કોઈપણ પ્રકારની હલનચલન ન કરી શકે.એક ક્રાંતિકારીના દાંત હથોડી વડે તોડી નાખવામાં આવ્યા હતા.આનાથી વધારે વિગતવાર લખવું મને જરૂરી નથી લાગતું.

પરંતુ મને એક નવો વિચાર એ આવ્યો કે આ ચોપડી આપણે દરેકે પોતાની પાસે રાખવી જોઈએ અને રોજ એક પ્રકરણ એમાંથી વાંચવું જોઈએ. રોજ એક પ્રકરણ વાંચતા વધુમાં વધુ ૨ થી ૩ મિનિટ થાય. પરંતુ નિયમિત રીતે જો આપણા લોકો આ પ્રકારના પ્રકરણો વાંચે તો ચોક્કસ આપણે આપણા આપણી આઝાદી વિશે વધારે જાગૃત થઇ શકીએ અને આપણા દેશ વિશે પણ વધારે જાગૃત થઇ શકીએ. અને આપણી અંદર દેશભક્તિનો એક જુવાળ પ્રગટી શકે છે.

એટલે જે મિત્રોને વાંચવામાં રસ હોય એવા મિત્રોને આ પુસ્તક વાંચવા માટે હું ભલામણ તેમજ દરેક વાલી મિત્રોને પણ મારા તરફથી વિનંતી છે કે આવી એક ચોપડી પોતાના બાળકને આપો અને પોતાના બાળકને સામે બેસાડીને રોજનું એક પ્રકરણ વંચાવો તો ઘણી બધી રીતે ફાયદો થશે એવું મારું ચોક્કસ પણે માનવું છે.સમાજમાં રાષ્ટ્રિય મૂલ્યોનો સહજતાથી વિકાસ થશે.

કર્દમ ર. મોદી,
પાટણ.
82380 58094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા