પાટણનો ઇતિહાસ
પાટણનો ઇતિહાસ
પુરાતન પાટણની સ્થાપના વિક્રમ સંવત 802 માં વનરાજ ચાવડા દ્વારા કરાઇ પણ ગુર્જરપ્રદેશનો સુખ અને સમૃદ્ધિનો વિકાસ સોલંકી કાળમાં થયાનું લખાય છે.તેમાં પણ ગુર્જર નરેશ સિદ્ધરાજ સોલંકી (૧૦૯૪ થી ૧૧૪૩ ) દરમિયાન સમગ્ર ભારત વર્ષમાં પાટણ સંસ્કારી નગરી તરીકે ખ્યાતિ પામ્યું હતું. તે સમયે પાટણનો ઘેરાવો ૧૮ માઈલનો હતો.સિદ્ધરાજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ અને માળવાને પણ જોડ્યા હતા.ઉત્તરમાં અજમેર સુધી,દક્ષિણમાં કોલાપુર,પૂર્વમાં બુંદેલખંડ સુધી પાટણની આણ વર્તાતી હતી.સિધ્ધરાજ પણ સંગીતકલા અને વિદ્યાના આશ્રય દાતા તરીકે જાણીતા થયા.તેમણે સિદ્ધપુરમાં રુદ્ર મહાલય ફરી બંધાવ્યો અને પાટણમાં અતિભવ્ય સહસ્ર લિંગ તળાવ બનાવી તેમણે જે મંદિરો બનાવ્યા તેમાં એક શ્રી કાલિકા માતાજીનું અતિ પ્રાચીન મંદિર છે.જે આજે પણ અડીખમ ઉભું છે.જે પ્રાચીન કિલ્લામાંથી માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા,તેમની બાજુમાં મહાલક્ષ્મી ભદ્રકાળી માતા અને રાજસ્થાનના ભીનમાલ બિરાજતા શ્રી ખીમજ માતા ક્ષેમંકરી માતા તરીકે બિરાજે છે.
પાટણનો પરિચય કરાવતા વિશ્વસનીય પુસ્તક સરસ્વતી પુરાણમાં દર્શાવ્યું છે કે સિદ્ધરાજ સમાન કોઈ રાજા નથી અને સહસ્ત્રલિંગ સમાન મહાતીર્થ બીજી કોઈ જગ્યાએ જોવામાં આવતું નથી.બીજા શ્લોકમાં લખ્યું છે કે સિદ્ધરાજ સમાન રાજા થયો નથી અને થશે પણ નહીં.તેણે સહસ્ત્ર બાણલિંગને એક સાથે સહસ્ત્રલિંગ તળાવમાં સ્થાપન કર્યા હતા. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા મળે તે માટે રાજા ભોજનો સાહિત્ય ખજાનો સિધ્ધરાજ પાટણમાં લઇ આવ્યા હતા.
રાણકીવાવ સોલંકી વંશના રાજા ભીમદેવ સિધ્ધરાજના દાદા હતા.તેમની યાદમાં રાણી સૌરાષ્ટ્રના રા'ખેંગારની પુત્રી ઉદયમતીએ તેના મંત્રી દામોદર અને રાજપુરોહિત સોમની સલાહથી દુર્લભ સરોવરની નજીકમાં વાવ બનાવી હતી.વાવના શિલ્પ સ્થાપત્ય સાથે બીજા કોઈની પણ તુલના થઇ ન શકે.તેના શિલ્પસ્થાપત્યમાં શ્રુંગારિતા છે સાથે નરી સાદગી છે.સ્પષ્ટ સંસ્કારીતા છે.વિરાસતના બીજા સ્થાપત્ય સહસ્ત્રલિંગ સરોવરના અવશેષો આજે પણ જોવા મળે છે.આ સરોવર સિદ્ધરાજ જયસિંહે માળવા પર ચડાઈ કરી તે પહેલાં બનાવવાની શરૂઆત કરી હતી અને અવંતિકા વિજય પછી તેનું કામ પૂરું થયું હતું. આ સરોવરનું મૂળ નામ દુર્લભસર હોવાનો ઉલ્લેખ છે.બાણાસુરે નર્મદા નદીના અમર કંટકમાં પધરાવેલા ૧૦૦૮ બાણ લિંગને લઈને સીધા જ અહીં આવીને સરોવરના કાંઠે શિવ મંદિર બનાવીને પ્રસ્થાપિત કર્યા હતા સિદ્ધરાજના રાજ દરબારમાં કેશવ નામના ત્રણ પંડિત હતા અને ભાવ બૃહસ્પતિ એ તેમના ગુરુ હતા.મિરાતે અહમદીમાં નોંધ્યા મુજબ અનાવાડા રોડ પર આવેલી મસ્જિદ મૂળ પ્રાચીન મંદિર હતું. વાન ટ્વીસ્ટ નામના મુસાફરે લખ્યા મુજબ ગણતા ભૂલી જવાય એવા એમાં 1050 થાંભલા તેમાં છે સિદ્ધરાજના સમયમાં પાટણના એક રૂપિયાની સામે ઇન્દોરના 32 રૂપિયાનો વિનિમય દર ચલણમાં હતો માળવાના વિજય પછી સિદ્ધરાજ ૩૫ કરોડ સોનાના સિક્કા પાટણ લાવ્યા હતા. શ્રીમાળનો ભંગ થતાં પાટણનું પુનરુત્થાન થયું અને અમદાવાદની સ્થાપના પછી પડતીના શ્રીગણેશ થયા. પાટણ ભાગીને અમદાવાદ વસાવ્યું તેવું કહેવાય છે.નદીમાં બારેમાસ પાણી રહેતું.હેમચંદ્રાચાર્યે તેના નાવ્યજલા એટલે કે નાવ વડે ઉતરી શકાય તેવું જણાવતા હતા.૧૪મા સૈકા સુધી સરસ્વતી નદીની નહેર કાળકા માતાના મંદિરની બહાર હનુમાનજીના મંદિરના નીચેના ભાગમાં ત્રણ મોટા ઘરનાળા છે તેમાંથી નીકળી અનાવાડા તરફ પીવા અને સિંચાઈ માટે જતી હતી.સિધ્ધરાજ કાળમાં પાટણમાં બાવન બજાર અને ચોર્યાસી ચૌટા હતા.દરરોજ એક લાખ ટકા જકાત ઉપજતી હતી. પાટણમાં સોના અને રૂપાની ખાણો છે તેવો ઉલ્લેખ પરદેશી મુસાફર અરબ સોદાગર સુલેમાને કરેલો છે.
મૂળ લેખક:
અશોકભાઈ વ્યાસ, પાટણ
સંકલન કર્તા
કર્દમ ર. મોદી, પાટણ
Comments
Post a Comment