વાલી સંમેલન
આજકાલ શાળાઓમાં વાલી મીટીંગનું એક જબરદસ્ત નાટક ચાલી રહ્યું છે.છાશવારે વાલીઓને શાળાઓમાં બોલાવવામાં આવે છે અને જુદી જુદી બાબતો સમજાવવામાં આવે છે.એમાં હકીકતમાં કોઇ નક્કર મુદ્દો હોતો નથી અને કશું સમજવા જેવું હોતું નથી પરંતુ શબ્દોની રમત દ્વારા પોતે મહાન શિક્ષણ આપનાર સંસ્થા છે એવું સાબિત કરવામાં આવે છે.જે સરવાળે વાલી માટે અર્થવિહીન જ હોય છે.આજકાલ મોટાભાગના વાલીઓ ભણેલા જ હોય છે.એટલે પાયાની વાતો સારી રીતે જાણતા જ હોય છે.જેમ કે બાળકને ઘેર વંચાવવું જોઈએ. બાળકને મોબાઈલ ન આપવો જોઈએ.બાળકે ટીવીમાં સમય ન બગાડવો જોઈએ વગેરે.આ વાત આજનો કયો વાલી નથી જાણતો? છતાં પણ વાલી સંમેલનના નામે વાલીઓને ફરજિયાત શાળાઓમાં ફોન કરીને બોલાવવામાં આવે છે.પછી વાલીઓ સમક્ષ તેમના વિદ્યાર્થીઓની નબળાઈઓ રજૂ કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે અમારા તરફથી અમે ખૂબ મહેનત કરીએ છીએ પણ તમારું બાળક જ નબળું છે.
અરે ભાઈ! બાળક નબળું છે એટલે તો શાળામાં મોકલીએ છીએ.વાલીની આગળ એનું નબળાપણું સાબિત કરીને આપ શું સિદ્ધ કરવા માંગો છો? હકીકતમાં વાલીને આવી રીતે બોલાવવાનો કોઈ અર્થ જ નથી.વાલીને બોલાવવો પણ ન જોઈએ. વાલીએ બાળકને શાળામાં ભણવા માટે મોકલ્યો છે ત્યારબાદ બધી જવાબદારી શાળાની છે.બાળકના શૈક્ષણિક પ્રશ્નો શાળાએ જ ઉકેલવાના હોય. છાશવારે વાલીઓને બોલાવવાથી વાલીઓ પણ કંટાળી જતા હોય છે.એમને એ પ્રકારની અનુકૂલતા પણ હોતી નથી.વાલી એમ જ કહે છે કે અમે શું કરી શકીએ? અમે તો ફી ભરી શકીએ અને જરૂરિયાતો પૂરી કરી શકીએ.હવે શિક્ષકો ઉપર બધો આધાર છે.તો આ વાતનો બોધપાઠ એ છે કે વાલી મીટીંગ મીટીંગો લગભગ નકામી સાબિત થાય છે.@કર્દમ મોદી
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment