તોડવા લાગણીનું ફૂલ
તોડવા લાગણીનું ફુલ
પાછું જવાનું સ્કૂલ ?
એક વત્તા એક
હજુય બે જ થાતા
ત્રિકોણ પર ચોરસ
હજુ ક્યાં ગોઠવાતા
સાહેબને દાખલામાં પડે છે હવે ભૂલ
તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ
વ્યાકરણના વાયદા ને
નાગરિકશાસ્ત્રના કાયદા
કેટલાય ભણ્યા'ને
કોને થયા ફાયદા
હર્ષદને જાણે બનાવવાનો છે બૂલ
તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ
પપ્પાનું કરાવે ડેડીને
મમ્મીનું પાછું મોમ
આ છે મારો ભારત
કે એને કહેવો રોમ
વીજળીની જેમ હું તો થઈ ગયો છું ડુલ
તોય પાછું મારે, કાલે જવાનું સ્કૂલ
H2 નું સૂત્ર ના આવડે
ને હલકામાં હું ગણાતો
સંશ્લેષણ કરે પર્ણ ને
ફિક્કો હું પડી જાતો
વાતો આ વિજ્ઞાનની પેટમાં કરે છે શુલ
તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ
રોટલા ટિપતા શીખવે ના
ખાડો ખોદતા આવડે ના
જીવનનું તો નામ નહિ
બુદ્ધિનું જાણે કામ નહિ
વાતો આવી ના આપની જરાય અનુકૂલ
તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ
બની શકતો'તો માણસ
ને બન્યો હું નોકરિયાત
ચાર કાગળિયાની ફાઇલનો
હું તો જાણે આંગળિયાત
નીકળ્યો તો લેવા શિક્ષણ,ને બની ગયો ફુલ
તોય પાછું મારે કાલે જવાનું સ્કૂલ
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment