ગીતા ગોપીનાથ
હમણાં છાપામાં એક સમાચાર આવ્યા.ભારતીય મૂળના એવા ગીતા ગોપીનાથ આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા.જે આપણા માટે ગૌરવની વાત ગણી શકાય. એમના વિષે છાપામાં વિગતવાર વાંચતા એક મહત્વની બાબત જાણવા મળી કે ગીતા ગોપી નાથ જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે ધોરણ સાત સુધી તેઓ માત્ર ૪૫ ટકા મેળવતા હતા.આપણી દૃષ્ટિએ ઠોઠ નિશાળિયામાં ગણાય.
હવે જોવાની વાત એ છે કે જે વ્યક્તિ પ્રાથમિક શાળામાં ભણવામાં અત્યંત નબળી છે તે આગળ જતા આઇએમએફના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બને છે.આ વાતનો સારાંશ એ છે કે આજે આપણે ત્યાં ધોરણ-૧થી જ 95 ટકાથી વધારે લાવવાની હોડ જામી છે અને પછી બાળકને દરેક ધોરણમાં 95 ટકાથી વધારે આવે એ માટે દબાણ કરવામાં આવે છે બાળક વધારે ટકા લાવે એ માટે મહેનત કરીએ એમાં કશું ખોટું પણ નથી.પરંતુ આ બધી ક્રિયાઓ સમજણપૂર્વક થવી જોઈએ અને બાળકને એમાં મજા આવવી જોઈએ. કારણ કે આખરે આ બધી બાબતો એ બાળકના મગજ સાથે " છેડછાડ " છે. બાળકને નાનપણથી વધારે પડતું દબાણ આપી દેવાથી( નાનપણમાં બાળકની યાદશક્તિ તેજ હોય છે માટે ) નાનપણમાં ટકાવારી આવી જાય છે.વળી તેની ટકાવારી માટે જુઠ્ઠી પરીક્ષા પદ્ધતિ પણ જવાબદાર છે.શરૂઆતના ધોરણની ઊંચી ટકાવારીનો અર્થ એ નથી કે બાળક આગળના ધોરણોમાં પણ વધારે ટકા લાવશે.એટલે સરળથી કઠિનના નિયમ પ્રમાણે બાળક આગળ જતાં વધારે મહેનત કરે એ દિશામાં વાલીઓએ વિચારવાની જરૂર છે.
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ચારે બાજુ શિક્ષણની અફરાતફરી જામી છે.શિક્ષણ માટે લોકો ઘાંઘા થઈ ગયા છે.પરંતુ કોઈને ધાર્યું પરિણામ મળતું નથી.જાતજાતની શાળાઓ અને ટ્યુશનો અજમાવવાનો ખેલ ચાલી રહ્યો છે.એકસરખી તીવ્રતાથી ચારેબાજુ મહેનત ચાલી રહી છે.પરંતુ પરિણામોની બાબતે સર્વ કોઈ નિરાશ છે.સરવાળે ભાગાકાર.
એક શિક્ષક તરીકે એક નમ્ર સુચન છે કે બાળકોને નાનપણમાં દબાણ ન આપો પરંતુ શરૂઆતના ધોરણોમાં ઓછી મહેનત કરે અને ઉપરના ધોરણોમાં વધારે મહેનત કરે એ રીતે શિક્ષણનું આયોજન કરવું જોઈએ.કારણકે સાતમા ધોરણ સુધી 45% લાવનાર ગીતા ગોપીનાથ પણ IMF ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બની શકે છે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
82380 58094
U Tube: kardam modi
Comments
Post a Comment