મારો કાલડી પ્રવાસ
મારો કાલડી પ્રવાસ
ગયા મહિનામાં અમે કાલડી ગયા હતા.કાલડી એ આદ્ય શંકરાચાર્યનું જન્મ સ્થળ છે.ભારતમાં ભાગ્યે જ કોઈ શંકરાચાર્યના વ્યક્તિત્વથી પરિચિત નહીં હોય.આપણા દેશમાં શંકરાચાર્ય નામની એક મહાન વિભૂતિ થઈ ગઈ આજથી આશરે 1000 વર્ષ પહેલા કેરલમાં કાલડી ગામે જન્મ થયો હતો. કાલડી હકીકતમાં એમના પિતાનું ગામ છે.એમનો જન્મ તો કાલડીથી 45 km દૂર પિરામલ નામનું બીજું એક ગામ છે,તે એમનું જન્મ સ્થળ છે અર્થાત એમની માતાનું ગામ છે.પરંતુ બાળકના જન્મ બાદ એમની માતા પતિના ઘેર કાલડી આવી ગયા હતા.આથી કાલડીમાં એમનો ઉછેર થયો.
કાલડી એ ખૂબ જ નાનું ગામ છે.જ્યાં પૂર્ણા નદીના કાંઠે શંકરાચાર્યનું મંદિર છે.જે સુંદર અને જોવાલાયક છે.ત્યાં રહેવાની વ્યવસ્થા પણ છે.કાલડી એ અલૂવા રેલવે સ્ટેશનથી માત્ર 25 km દૂર છે.ગુજરાતથી કાલડી જવા માટે તમે કોઈપણ એક્સપ્રેસ ટ્રેન પકડી શકો છો તેમાં અલુવા સ્ટેશને ઉતરવાનું રહે છે અને અલુવાથી કાલડી સરકારી બસમાં કે અન્ય કોઈ પ્રાઇવેટ વાહનમાં જઈ શકાય છે.કાલડીમાં મંદિરની અંદર જ એક અતિથિ ગૃહ છે.જેમાં તમે સારી રીતે રહી શકો છો અને મંદિરના દર્શન કરી શકો છો મંદિરની પાછળ જ નદી છે કે જ્યાં શંકરાચાર્યનો પગ મગરે ખેંચેલો તે પ્રસંગ બનેલો.શંકરાચાર્યનું બાળપણ આ ગામમાં વ્યતીત થયેલું છે.મંદિરની અંદર એક નાનકડો ચોરસ ઓટલો છે જ્યાં શંકરાચાર્યના માતાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો અને એ ચોરસની બાજુમાં એક નાનકડો થાંભલો છે જે શંકરાચાર્યના વખતથી આજ સુધી અણનમ છે. કાલડીમાં એક અન્ય સ્થળ પણ છે જે ખરેખર જોવાલાયક છે.અન્ય એક મઠ સંચાલિત સ્તંભ મંદિર જે દેખાવમાં ગીઝાના મિનારા જેવું લાગે.જે આઠ માળ ઊંચું છે.તેની ભીંતો દ્વારા Mural દ્વારા ભીંત શિલ્પો બનાવેલા છે.જેમાં શંકરાચાર્યનું સમગ્ર જીવન કંડારેલું છે.
કાલડીથી 45 km દૂર શંકરાચાર્યની માતાનું ગામ પિરામલ છે.તે ગામમાં એક પ્રાચીન મકાન છે જે અત્યારે ચિન્મય મિશન સંચાલિત છે.જ્યાં કોલેજ પણ ચાલે છે અને વિવિધ કોર્સ ભણાવવામાં આવે છે.આ ચિન્મય મિશન દ્વારા સમગ્ર પરિસરની દેખરેખ કરવામાં આવે છે આ ઘર એ શંકરાચાર્યના વખતનું પ્રાચીન ઘર જ છે.કદાચ એનું થોડું ઘણું રિનોવેશન કરવામાં આવ્યું હશે.પરંતુ જૂના સમયમાં કેરલના ટ્રેડિશનલ ઘરો કેવા હતા તે પણ આપણને અહીંયા જોવા મળે છે.એમાં શંકરાચાર્યની મૂર્તિ અને મંદિર છે.
અમે માત્ર આ બે સ્થળોની જ મુલાકાત લીધી હતી.અન્ય કોઈ જગ્યાએ અમે ગયા નથી પરંતુ હું માનું છું કે આપણે મોટા મોટા યાત્રાધામોમાં જઈએ છીએ તો પછી કાલડી પણ એક વખત દર્શનાર્થે જવું જોઈએ.કાલડી એ નદીના કાંઠે વસેલું એક શાંત અને સુંદર સ્થળ છે જ્યાં જવાથી એક માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે પરંતુ સમય લઈને ત્યાં એક અથવા બે દિવસ રહેવા જેવું છે એવું મારું સૂચન છે.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ.
8238058094

Comments
Post a Comment