આવો અભ્યાસક્રમ હોય?
મારી દીકરી ધોરણ ત્રણમાં ભણે છે તેને ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો આવે છે હવે મને એમએસસી એમ.એડ થયા પછી અને 27 વર્ષના અનુભવ પછી આગ્રાનો નકશો મને પોતાને દોરતા આવડતું નથી.તો ગુજરાતમાં રહેતું ત્રીજા ધોરણનું બાળક આગ્રાનો નકશો કેવી રીતે દોરી શકે? તેમ જ શા માટે દોરવો જોઈએ? એ પ્રશ્નોનો જવાબ મને સમજાતો નથી.
શિક્ષણ એ મારો મુખ્ય વિષય છે. તેમજ શોખ પણ છે.શિક્ષણ વિશે હું ઘણું બધું વિચારું છું તેમ જ નવું નવું લખતો પણ હોઉં છું છતાં પણ ત્રીજા ધોરણમાં આગ્રાનો નકશો દોરવાનો મુદ્દો મને કંઈ સમજાતું નથી આવા વાહિયાત મુદ્દાઓ મૂકી અને શિક્ષણને નિરસ કંટાળાજનક અને મૂર્ખતા પ્રેરક બનાવવા માટે કદાચ શિક્ષણ શાસ્ત્રીઓ તો જવાબદાર નહીં જ હોય. કારણ કે તેઓ તો મહાન માણસો ગણાય.પરંતુ આવું બધું કોણ બનાવે છે એ મને કોઈ કહો.
શા માટે ભણવામાં વાર્તાઓ, કલ્પના કથાઓ, પરિ કથાઓ,સાહસ કથાઓ આવું બધું મૂકવામાં આવતું નથી?નાનું બાળક ટ્રેનમાં મુસાફરી કરે એને લગતા વાહિયાત પાઠો પણ મુકેલા છે.(ધોરણ 4)એક નાની છોકરી મધમાખીના મધપૂડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે એ પ્રકારના પાઠ પણ છે જે માથાના દુખાવા જેવા છે. (ધોરણ 4)
અત્યારે હું વધુ કશું લખી શકું એમ નથી પરંતુ ધોરણ ચારના પાઠ્યપુસ્તકમાંથી તમે આ પાઠ જોઈ શકો તો તમે પણ સમજી જશો કે આવા પાઠોમાં બાળકને કોઈ રસ પડી શકે નહીં આથી મારું સૂચન છે કે બાળ માનસને અનુરૂપ નિર્દોષ વાર્તાઓ કે મનોરંજક કથાઓ કે સાહસ કથાઓ કે આપણી સંસ્કૃતિ આધારિત કથાઓ મૂકવી જોઈએ કે જેનાથી બાળકને શિક્ષણમાં રસ પડે.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
Comments
Post a Comment