કેરલ પ્રવાસ શોભાયાત્રા
મારા કેરળના પ્રવાસ દરમિયાન એક બે બાબતો મને સ્પર્શી ગઈ હતી જે આજે હું પ્રસંગ સ્વરૂપે અલગથી લખવા માંગુ છું.
૧) શંકરાચાર્યની ભૂમિ કાલડી જવા માટે અલુવા રેલ્વે સ્ટેશન ઉતરવું જરૂરી છે.ત્યાંથી કાલડી 25 કિલોમીટરના બસ રસ્તે છે.આથી અમે રેલવે સ્ટેશનની બહાર આવેલા બસ સ્ટેન્ડ પર બસની રાહ જોતા ઉભા હતા.એ દરમિયાન રોડ ઉપર એક પી.એસ.આઇ અને બે ત્રણ પોલીસ ફરતા હતા. મોટા વાહનો ખાસ આવતા નહોતા અને પબ્લિક પણ ઓછી હતી.એટલે મને લાગ્યું કે નક્કી કોઈ કાર્યક્રમ હોવો જોઈએ.બાકી પીએસઆઇ અને બે ત્રણ પોલીસવાળા રોડ પર આ રીતે ફરતા ન હોય થોડી વાર પછી સામેથી એક સરઘસ આવતું દેખાયુ.એ દિવસે જન્માષ્ટમી હતી અને ત્યાં જન્માષ્ટમીની વિશાળ શોભાયાત્રા નીકળે.આ શોભાયાત્રા જોવી એ મારા માટે જીવનનો એક મહત્વનો પ્રસંગ બની ગયો.આપણે ત્યાં પણ જુદા જુદા તહેવારોમાં શોભાયાત્રા નીકળે છે પરંતું આમાં કંઇક વિશેષ હતું. ડીજેનો ઘોઘાટ,સ્પીકરો બુમ બરાડા અને શોર બકોર સદંતર ગેરહાજર. આપણે ત્યાં શોભાયાત્રા, શોભાયાત્રા બનવાને બદલે ઘોઘાટ યાત્રા બની જતી હોય છે.
મેં જીવનમાં પ્રથમવાર એવી શોભા યાત્રા જોઈ કે જે લગભગ એક કિલોમીટર જેટલી લાંબી હતી પરંતુ નિરવ શાંતિ સાથે. જેમાં પુષ્કળ બાળકોએ વિવિધ વેશ ભૂષા કરી હતી.કોઈ રામ બન્યું હતું,કોઈ કૃષ્ણ બન્યું હતું, કોઈ હનુમાન બન્યું હતું. પુષ્કળ સંગીતના સાધનો પણ હતા પરંતુ સમગ્ર શોભા યાત્રામાં ઘોંઘાટનો અભાવ હતો જેના લીધે સમગ્ર શોભાયાત્રા એક શાંતિ યાત્રા હોય એવું લાગતું હતું.થોડા થોડા અંતરે ભજનમંડળીઓ હતી. જેમાં લોકો માઇક વગર ભજન ગાતા હતા.આ ભજન મલયાલમ ભાષામાં હતા.એટલે અમને સમજાતા નહોતા પરંતુ કેરલ જેવા પારકા પ્રદેશમાં કૃષ્ણના ભજનો લોકો રસ્તા ઉપર ગાતા હતા એ જોઈને અત્યંત આનંદની લાગણી થતી હતી.તમામ સ્ત્રીઓ અને પુરુષો ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ હતા અને બધા ત્રણત્રણ ની લાઈનમાં ચાલતા હતા.જેનાથી શિસ્તનું એક વાતાવરણ ખડું થતું હતું.સંપૂર્ણ ધાર્મિક પ્રતિકોથી સજ્જ અને ધાર્મિક લોકોથી છલોછલ એવી આ શોભાયાત્રા ખરેખર એક શાંતિ યાત્રા પણ હતી.એના સૌંદર્ય અને શાંતિનું વર્ણન કરવું કઠિન છે.સમગ્ર શોભાયાત્રામાં જે શાંતિનો માહોલ જોયો એ જીવનભર યાદ રહેશે.
આપણે ત્યાં પણ શોભાયાત્રામાં બિનજરૂરી શોર શરાબા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે તો એમાં કશું ખોટું નથી.તે ખરેખર શોભાયાત્રા બની જાય. આ બાબત ખરેખર મારા હૃદયને સ્પર્શી ગઈ.
લેખક
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
8238058094
Comments
Post a Comment