Escavator
Escalator શબ્દથી આજકાલ કદાચ બધા જ પરિચિત હશે.રેલવે સ્ટેશન કે એરપોર્ટની સીડીઓ ઉપર ચડવા માટે હવે પગને કષ્ટ આપવું પડતું નથી. પરંતુ સીડી પર ઊભા રહી જવાનું હોય છે અને સીડી પોતે ઉપર ચાલી જાય છે. જેને અંગ્રેજીમાં escalator કહેવાય છે. એની સામે આપણી જે અસલ જૂની સીડી છે.એ પણ આપણને ઉપર પહોંચાડે છે. પરંતુ તેમાં ચડવા માટે જાતે પરિશ્રમ કરવો પડે છે.
આ વાતનો બોધ પાઠ એ છે કે આપણા માબાપોએ બાળક માટે સીડી બનવાની જરૂર છે. Escalator બનવાની જરૂર નથી.સંતાનને જે જોઈતું હોય તે જરૂર આપો પરંતુ એમાં સંતાનના ભાગે પણ થોડો પરિશ્રમ હોવો જોઈએ.માંગે એ બધું સંતાનને આપી દેવાનું કે સંતાનને ખભા પર ઊંચકીને ફરવાની કોઈ જરૂર નથી. અમુક ટકા મહેનત સંતાન પણ કરે તે જરૂરી છે. અન્યથા સંતાનના મગજનો વિકાસ થતો નથી. ઘણી મમ્મીઓ પોતાની દીકરીને કશું જ કામ કરાવતી નથી અને એવું માને છે કે મારી દીકરી કામ કરવા જન્મી નથી, એ મોટી થઈને ઘણું કામ કરશે. પરંતુ આવી દીકરીઓના હાથ-પગ મોટા થયા પછી કામ કરવા માટે વળતા નથી અને કામ કરવા માટે સજ્જ હોતા નથી. આવી સ્ત્રીઓને હકીકતમાં જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં નિષ્ફળ જાય છે. સરવાળે શું થાય છે એ આપણે જાણીએ છીએ. એ જ રીતે છોકરાઓને પણ એમના માતા-પિતાએ ઘરનાં અને બજારના અમુક કામો નાનપણથી સોંપવા જોઈએ. હું કેટલાક એવા બાળકોને જાણું છું કે જે ટ્યુશન જાય છે પરંતુ તેમને પોતાની ટ્યુશનની ફી ખબર નથી. આવા બાળકોને દસ રૂપિયાની નોટ અને વીસ રૂપિયાની નોટ વચ્ચેનો તફાવત પણ ખબર પડતી નથી. હવે આવા બાળકો જ્યારે ફરિયાદ કરે કે મને સામાજિક વિજ્ઞાન સમજાતું નથી તો પછી એમાં વાંક કોનો છે? જે બાળકોને રૂપિયા વિશે કે મોંઘવારી વિશે કે આર્થિક સંઘર્ષ વિશે કોઈ જ ગતાગમ ના હોય એને સામાજિક વિજ્ઞાન જેવો વિષય પણ સમજાવાનો કોઈ અવકાશ રહેતો નથી. આથી બાળકોને પણ નાની-નાની ખરીદી કરવા મોકલવા જોઈએ.ઘરમાં જે વસ્તુઓ આવતી હોય એની કિંમત કેટલી છે, એ મોંઘી છે કે સસ્તી છે એની ચર્ચા પણ ઘરની અંદર થવી જરૂરી છે. જેથી બાળકને મોંઘવારી અને આર્થિક મુદ્દા વિશે સમજ પડે. આમ શિક્ષણ એ માત્ર શિક્ષકનો ઈજારો નથી.ઘરમાં પણ અમુક વ્યવહારુ જ્ઞાન આપવું જરૂરી છે.ઘરમાં જે બાળકો વ્યવહારુ જ્ઞાન સારી રીતે મેળવી શકે છે એ લોકો શાળાની અંદર શિક્ષણના મુદ્દાઓને પણ વધારે સારી રીતે સમજી શકે છે. આમ બાળકોને વધારે પડતી છૂટછાટ આપીને આર્યનખાન બનાવવો એના કરતા એના ભાગે થોડી જવાબદારી રાખીને જીવનને સમજે એવો બનાવવો એ future માટે વધારે ફાયદામાં રહેશે.
કર્દમ ર. મોદી,
M.Sc.,M.Ed.
પાટણ
મો.82380 58094
U tube link: kardam modi
Comments
Post a Comment