ધોરણ-12 ફેઈલ
ધોરણ-12 ફેઈલ
તમે ધોરણ-12માં ફેઈલ થયા હો, ભણવામાં સાવ ઠોઠ હો, અંગ્રેજી આવડતું ન હોય, ગરીબ હો, અનેક અભાવો વચ્ચે જીવતા હો... છતાં તમે મુંબઈના જોઇન્ટ પોલીસ કમિશ્નર બની શકો છો... એ તમને ખબર છે.??
(સત્ય ઘટના)
હા, આજે મારે તમને 'મડદું પણ બેઠું થઈ જાય' એવી એક અદ્દભુત, રોમાંચક, રહસ્યમય અને વાસ્તવિક સ્ટોરી કહેવી છે.
મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર ત્યાંના ડાકુઓ અને બંદૂકની ધણધણાંટીથી કુખ્યાત છે. એ બૂંદેલખંડ, એ જમનાનો કિનારો અને એ ચંબલ... ત્યાં ઘેરઘેર બંદૂક મળે. કટ્ટા તો તમને પાણીના ભાવે મળે. પોલીસ હોય કે ડાકુ... જેની પહેલી બંદૂક ચાલે તે જ સર્વોપરિ હોય. પરંતુ પીઠ પાછળ ઘા કરનારને ત્યાંના લોકો બહુ અપમાનની નજરે જુએ છે. જે કરવું તે સામી છાતીએ કરવું એ આ પ્રદેશના લોકોની ખુમારી છે.
આ જ પ્રદેશના એક યુવાને નવો-નોખો ચિલો ચાતરી કશુંક નવું અને નક્કર કરી દેખાડવાના જોમ અને જુસ્સાથી એવી તો ક્રાંતિ કરી કે આખા દેશનું મીડિયા તેના ઉપર ઓળઘોળ થઈ ગયું.
વાત કંઈક એવી છે કે સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશ્નર રહેલા અનુરાગ પાઠકે પોતાના મિત્રના જીવન ઉપર એક બુક લખી છે, જેનું નામ છે...
'ટવેલ્થ ફેલ'
ટાઈટલની નીચે એક વાક્ય લખ્યું છે.
'હારા વહી જો લડા નહિ'
હિન્દી ભાષાના બેસ્ટ સેલર આ ઉપન્યાસે હાલ ચારેબાજુ તહેલકો મચાવી દીધો છે. કારણ કે આ નવકલથા એક નિષ્ફળતામાંથી સફળતાને વરેલ વ્યક્તિના જીવનની સંઘર્ષકથા છે.
મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના જૌરા તાલુકાનું એક નાનકડું બીલગાવ નામે ગામ. આ ગામમાં એક સાધારણ પરિવારમાં જન્મેલો મનોજ બાળપણથી જ ભણવામાં ઠોઠ. ધોરણ-9, 10, 11માં ચોરી કરીને માંડ થર્ડ કલાસમાં પાસ થનાર મનોજને એમ કે જો બાર પાસ થઈ જવાય તો ટાઈપ વગેરે કાંઈક શિખીને રોજીરોટી મેળવી શકાય.
દરેક વખતની જેમ આ વખતે પણ મનોજે (કોપી કરવાની) પૂરતી તૈયારી કરી. પરંતુ આ વખતે ત્યાં નવા આવેલા SDM એ નક્કી કરેલું કે ચોરીનું દુષણ દૂર કરવું જ છે. તેઓ પેપર શરૂ થાય તે પહેલાં જ આવી પહોંચ્યા. પેપર પૂરું થયું ત્યાં સુધી રોકાઈને બિલકુલ ચોરી ન થવા દીધી. અને આખી સ્કૂલના બાળકો ધોરણ-12માં નાપાસ થયા. જેમાં મનોજ પણ હતો.
SDMનો રુઆબ અને રૂતબો જોઈ મનોજને થયું કે પ્રિન્સિપાલ સહિતના લોકો જેની આગળપાછળ ફરે છે તે નક્કી બહુ મોટા સાહેબ હોવા જોઈએ. અને મનોજે ત્યારે જ એ સાહેબની જેમ SDM બનવાનું નક્કી કરી લીધું. પરંતુ ધોરણ-12માં જ ફેલ થઈ ગયો હતો. હવે શું કરવું..!?
મનોજને ઘરના લોકો પણ ભણવામાં બહુ સપોર્ટ નહોતા કરતા. આર્થિક સ્થિતિ પણ ખરાબ. મનોજ લોટ દળવાની ચક્કીમાં પણ નોકરી કરતો.
એક તો ભણવામાં નબળો, કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ ખરાબ, અંગ્રેજી પણ આવડે નહિ... અને અધૂરામપુરો ધો-12માં હિન્દી સિવાય બધા વિષયમાં નાપાસ થયો. જેથી ભાઈ સાથે ટેમ્પો ચલાવવા લાગી ગયો.
એક દિવસ પોલીસે તેનો ટેમ્પો પકડ્યો. ટેમ્પો છોડાવવાની ભલામણ કરવા SDM પાસે પહોંચેલા મનોજે ટેમ્પોની વાત પડતી મૂકી સાહેબને પૂછ્યું...
'સાહેબ, તમે SDM બનવા કેવી રીતે તૈયારી કરતા...?' સાહેબ પાસેથી વિગતો જાણી રોમાંચ પામી મનોજે MPSCની પરીક્ષા પાસ કરી SDM બનવાનું નક્કી કર્યું. Dy.S.P. બનવાનું સપનું પણ સેવેલું.
સપના સાકાર કરવા અને આગળ અભ્યાસ કરવા મનોજ ગ્વાલિયર જઈ પહોંચ્યો. રહેવા-જમવાના તો કાંઈ ઠેકાણા નહોતા. ત્રણ-ચાર દિવસ તો એક મંદિરની બહાર ભિખારીઓ સાથે સુઈ રહેવું પડયું. ક્યારેક તો જમવાનું પણ ન મળ્યું.
આ સમય દરમિયાન મનોજને એક લાઇબ્રેરીમાં પટાવાળા કમ ચોકીદારની નોકરી મળી ગઈ. ત્યાં મધ્ય ભારતીય સાહિત્ય સભા દ્વારા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો યોજાતા. કવિ સંમેલનો પણ થતા. મનોજ તેમાં પાથરણા પાથરતો અને મહેમાનોની ચા-પાણીની વ્યવસ્થા કરતો. બધા ચાલ્યા જાય પછી લાઇબ્રેરી બંધ કરી મનોજ માઈકની સામે કલાકો સુધી બોલવાની અને સ્ટેજ પાવર મેળવવાની પ્રેક્ટિસ કરતો. કારણ કે ગ્રેજ્યુએશન સુધી તેણે કોઈ સ્ટેજ ઉપર ચડી સ્પીચ આપી હોય એવું ક્યારેય નહોતું બન્યું.
લાઇબ્રેરીમાં કામ કરતા કરતા મનોજ ડાયરી પણ લખતો. તેને એમ થતું કે કોઈ વ્યક્તિ મારા જીવનમાં આવશે. મારી આ ડાયરી વાંચશે. મારી સમસ્યાઓ જાણશે. મને સમજાવશે... મને હૂંફ આપશે...
રજાઓમાં ઘરે ગામડે જતો તો લોકો તેની મજાક ઉડાવતા. 'શહેરમાં ભણીને શું કરીશ. ? પાછું અહીં ગામડે આવી કામે લાગવું જ પડશે.'
ગ્વાલિયરની લાઈબ્રેરી મનોજના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. મેક્સિક ગોરકી અને અબ્રાહમ લિંકન જેવા મહાનુભાવો અને તેમના કાર્યો તથા વિચારોનો પરિચય વાંચવા મળ્યો.
આ લાઈબ્રેરીમાં નોકરી દરમિયાન એક ઘટના બની. લાઇબ્રેરીયને જૂના છાપાની પસ્તી વેચવા કાઢી. જેની જવાબદારી મનોજને સોંપવામાં આવી. મનોજે પસ્તી વેચી તેની કિંમતના 5000 રૂપિયા લાઇબ્રેરીયનના હાથમાં મૂક્યા. લાઈબ્રેરીયને કહ્યું પસ્તી તો વધુ હતી..! સાતેક હજાર આવવા જોઈએ. આટલા જ પૈસા કેમ..? નક્કી બે હજાર રૂપિયા તું ખાઈ ગયો.
'જ્યાં પ્રામાણિકતાની કદર ન થતી હોય ત્યાં કામ કરવાનો કોઈ મતલબ નથી.' એમ કહી મનોજે તરત જ એ નોકરી છોડી દીધી.ગ્વાલિયરથી UPSCની તૈયારી માટે તે દિલ્હી આવી ગયો.
દિલ્હીમાં આખા દેશમાંથી યુવાધન આવે છે. અભાવો વચ્ચે ઉછરેલા અનેક યુવક-યુવતીઓ આંખોમાં IAS/IPS બનવાના સપના આંજી ગામડાઓમાંથી દિલ્હી જેવા મોટા શહેરોમાં આવી વસે છે. મુખરજીનગર, નહેરુનગર, બદ્રા સિનેમા અને આજુબાજુના અનેક વિસ્તારોમાં આવા હજારો યુવાનો 10×10ની ખોલીમાં રહે છે અને તનતોડ મહેનત કરે છે. જમવાનું મળે છે કે નહીં તેની પરવા કર્યા વિના દેશના GDP ની ચર્ચા કરે છે, ભારત-પાક સંબંધોની ચર્ચા કરે છે, ઇતિહાસ, ભૂગોળ અને બંધારણની ચર્ચામાં મશગુલ રહે છે.
મનોજ પણ કશુંક કરી દેખાડવાની ભાવના સાથે દિલ્હી આવી નહેરુનગરમાં એક નાનકડી રૂમમાં રહે છે. રહેવા-જમવાનો ખર્ચ કાઢવા મનોજ કામ શોધવા લાગ્યો. બાજુમાં મુખરજીનગરમાં રહેતા અમીર લોકોના કૂતરાને ફેરવવાની નોકરી તેને મળી ગઈ. એક કુતરાના 300-400 રૂપિયા મળી રહેતા. મનોજે 4-5 ઘરના કૂતરા ફેરવવાનું કામ રાખી લીધું અને સાથે UPSC ની તૈયારી આદરી.
દરમિયાન દ્રષ્ટિ એકેડમીના વિકાસ દેવકીર્તિ નામના સર મળ્યા. જેમણે મનોજને ફી વગર કોચિંગ આપી ખૂબ મદદ કરી.
વચ્ચેના સમયગાળામાં મનોજે પોસ્ટ ગ્રેજ્યુએશન ઉપરાંત નેટ JRF અને Ph.D. પણ પૂરું કર્યું. દેશના પ્રસિદ્ધ પત્રકારોમાંથી પ્રેરણા મેળવી મનોજે જર્નાલીઝમમાં ડૉક્ટરેટ કર્યું.
પરંતુ ગોલ UPSC જ હતો. જોરદાર તૈયારી કરી તેણે પ્રથમ પ્રયત્ને જ પ્રિલીમ અને મેઇન્સ પાસ કરી બતાવી. પણ મૌખિક ઇન્ટરવ્યૂમાં ન નીકળી શકાયું.
આ સમય દરમિયાન મનોજના જીવનમાં શ્રધ્ધા નામની એક છોકરી આવી. મનોજ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ કહેતા ડરતો હતો. તેને ડર હતો કે મારા જેવા 'બાર ધોરણ ફેલ'ને એ છોકરી પણ ક્યાંક ફેઈલ કરી દેસે તો...!?
UPSC માં સફળ થયેલા એક વિદ્યાર્થીની પાર્ટીમાં મનોજ ગયો તો ત્યાં પણ તેની ખૂબ બેઇજ્જતિ થઈ.
'ધોરણ-12 નાપાસ'નું લેબલ તેનો પીછો છોડતું નહોતું. મનોજે નક્કી કર્યું કે ધોરણ-12 ફેઈલનું લેબલ હટાવવા કશુંક નક્કર કરી બતાવવું પડશે.
મનોજે UPSCની બીજી ટ્રાય આપી. પણ ધ્યાન શ્રધ્ધામાં હતું તેથી પ્રિ માં પણ ન પહોંચ્યો. ફરજીયાત અંગ્રેજીનું પેપર હતું. મનોજ તો પહેલાંથી જ અંગ્રેજીમાં નબળો હતો. ટેરરીઝમ ઉપર આખો નિબંધ લખી નાખ્યો. શ્રધ્ધા એ જ્યારે પેપર જોયું ત્યારે ખબર પડી કે નિબંધ ટેરરીઝમ ઉપર નહિ પણ ટુરિઝમ ઉપરનો હતો. ને ભાઈસાહેબ ટેરરીઝમ ઉપર લખીને આવ્યા છે. પરિણામ નક્કી જ હતું. તમે જો એ અંગ્રેજીના કમ્પલસરી પેપરમાં પાસ થાઓ તો જ તમારા આગળના પેપર ચકાસવામાં આવે. તો આમ બીજી ટ્રાય અને પછી તો ત્રીજી ટ્રાય પણ નિષ્ફળ ગઈ.
ત્યારે શ્રધ્ધા પણ UPSCની તૈયારી કરતી હતી. તેના માતા-પિતા શિક્ષક હતા. શ્રધ્ધા પોતે પણ ડૉક્ટર હતી. તે જાણતી હતી કે મનોજમાં ગજબની ક્ષમતા છે. અસીમ ઉર્જા અને કશુંક કરી દેખાડવાની તાકાત પણ છે. છતાં મનોજ પરિણામ પ્રાપ્ત નથી કરી શકતો. બન્ને એકવાર બેઠા હતા. શ્રધ્ધાએ તેને ખૂબ સમજાવ્યો કે તું કરી શકે એમ છે. તારામાં ક્ષમતા છે. જરૂર છે તેને બહાર લઈ આવવાની.
ત્યારે મનોજે કહ્યું, તું એકવાર હા પાડી દે કે તું પણ મને પ્રેમ કરે છે... પછી હું કરી દેખાડીશ. તું સાથ આપ... હું દુનિયા બદલી નાખીશ. શ્રધ્ધાએ જોયું કે મનોજની આંખો ભરપૂર આત્મવિશ્વાસથી ચમકતી હતી. અને શ્રધ્ધાએ મનોજના પ્રેમ પ્રસ્તાવનો સ્નેહપૂર્વક સ્વીકાર કર્યો. મનોજે પણ નક્કી કરી લીધું કે હવે દુનિયાને બતાવી દેવું છે કે મારામાં પણ ક્ષમતા છે. હું પણ કરી શકું છું.
ભરપૂર મહેનત કરી મનોજ શ્રધ્ધાના પ્રેમના જોરે અને પોતાની મહેનતના બળે 2005માં ચોથા પ્રયત્ને સમગ્ર ભારતમાં 121માં રેન્ક સાથે UPSC ક્લિયર કરે છે. અને મનોજમાંથી મહારાષ્ટ્ર કેડરના પ્રસિદ્ધ IPS ઓફિસર મનોજ શર્મા બને છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે અંગ્રેજીમાં નબળા હોવાથી UPSCના મૌખિક ઇન્ટરરવ્યુ માટે મનોજને ટ્રાન્સલેટર સાથે રાખવાની સુવિધા મળેલી. ચયન સમિતિના એક સભ્યોએ મનોજને પૂછ્યું કે,
"તમને અંગ્રેજી નથી આવડતું તો પ્રશાસન કેવી રીતે ચલાવશે...?"
મનોજ શર્મા થોડા નાસીપાસ થયા. પેલા સભ્યોએ તેમને પાણી પી લેવા કહ્યું. મનોજ શર્માએ પાણી પીવાની ના પાડી. પેલા સભ્યોએ કારણ પૂછ્યું તો મનોજ શર્માએ કહ્યું કે આ કાચના ગ્લાસની જગ્યાએ સ્ટીલના ગ્લાસમાં પાણી આપો તો હું પીઉં. સભ્યનો પિત્તો ગયો. કહ્યું કે પાણી કાચના ગ્લાસમાં હોય કે સ્ટીલના ગ્લાસમાં.. પાણી તો પાણી જ છે. મનોજ શર્માએ પણ કહ્યું કે સર, હું પણ એ જ કહેવા માગું છું. ભાષાનું માધ્યમ ગમે તે હોય. મારામાં કામ કરવાની કાબેલિયત તો છે જ ને...! તેમના જવાબથી સભ્યો ખુશ થઈ ગયા.
એક સભ્યોએ બીજો પ્રશ્ન પૂછ્યો.
"અહીં IIM અને IIT ના બેસ્ટ સ્ટુડન્ટ અમને ઉપલબ્ધ છે. તો પછી અમે તમારી પસંદગી શા માટે કરીએ...?"
મનોજ શર્માએ જવાબ આપ્યો કે "12 ફેઈલ વિદ્યાર્થી અહીં સુધી પહોંચી ગયો તો તેનામાં કૈક તો આવડત હશે ને..!"
ઇન્ટરવ્યૂમાં છેલ્લો સવાલ એ પૂછવામાં આવ્યો કે આ તમારો અંતિમ પ્રયાસ છે. જો તમને સિલેક્ટ કરવામાં ન આવે તો..?
મનોજ શર્માએ જવાબ આપ્યો કે, તો હું બીજું ગમે તે કામ કરીશ.
મનોજ શર્માની આ પોઝિટિવિટી સભ્યોને સ્પર્શી ગઈ અને તેનું સિલેક્શન થયું.
પછી તો મસૂરીમાં ટ્રેનીંગ શરૂ થઈ. એક વખત રાત્રિના બાર વાગ્યે મનોજ પોતાને વિનામૂલ્યે કોચિંગ આપનાર વિકાસસરના ઘેર ગયા અને દરવાજો ખખડાવ્યો. સરે દરવાજો ખોલ્યો. મનોજ શર્માએ તેમના ચરણસ્પર્શ કરી 500 રૂપિયાની નોટ તેમના ચરણોમાં મુકતા કહ્યું કે આજે મારો પ્રથમ પગાર થયો છે...
પછી તો શ્રધ્ધાએ પણ UPSC ક્લિયર કરી. તે IRS થઈ હાલ ઇન્કમટેક્સ વિભાગમાં જોઈન્ટ કમિશનર તરીકે કાર્યરત છે.
2005માં જ મનોજ અને શ્રધ્ધાના લગ્ન થયા. આજે આ દંપતિને માનસ નામે એક પુત્ર પણ છે.
મનોજ શર્માએ ટ્રેનીંગ પુરી કરી મહારાષ્ટ્રના ગઢચિરોલી, ચન્દ્રપુર, કોલ્હાપુર, નાગપુર વગેરે શહેરોમાં SP તરીકે ફરજ બજાવી. સાઉથ મુંબઈના DCP તરીકે અને ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશ્નર અને હાલ DIG તરીકે ફરજ બજાવી રહ્યા છે.
મનોજ શર્માના સંઘર્ષના સાથી અને અભ્યાસ દરમિયાન 15 વર્ષ રૂમપાર્ટનર રહેલા અનુરાગ પાઠકે(તેઓ પણ હાલ GSTના ડેપ્યુટી કમિશ્નર છે.) મનોજ શર્માના જીવન સંઘર્ષ ઉપર એક નવલકથા લખી છે. જેનું નામ છે 'ટવેલ્થ ફેલ' હારા વહી જો લડા નહિ.
આ નવલકથાની હાલ હિન્દી સાહિત્યમાં ખૂબ ચર્ચા છે. 2019માં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિશે તેનું વિમોચન કર્યું હતું.
આ બુક વિશે પ્રતિભાવ આપતા વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર સચિન તેંડુલકરે કહ્યું છે કે, "અત્યંત પ્રેરક ઔર પઠનીય, મેરા વિશ્વાસ હૈ કી યે ઉપન્યાસ અનેક યુવાઓકો ઉનકે સપને પુરે કરનેકે લિયે પ્રેરિત કરેગા."
આ ઉપરાંત પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક રાજકુમાર હિરાણી, વિશ્વ પ્રસિદ્ધ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપ, ફિલ્મ અભિનેતા મનોજ વાજપેયી અને આશુતોષ રાણા, પ્રસિદ્ધ પત્રકારો રજત શર્મા અને દીવાંગ, પ્રસિદ્ધ એડવોકેટ ઉજ્જવલ નિકમ, સુપર 30ના આનંદ કુમાર વગેરેએ પણ આ બુક વિશે પોતાના હકારાત્મક પ્રતિભાવો આપ્યા છે.
આ બુકમાં 10×10ની ખોલીમાં UPSC ની તૈયારી કરનાર અસંખ્ય યુવાનોની કથા છે. આ પુસ્તક હાલ બેસ્ટ સેલર બુક તરીકે બજારમાં ધૂમ મચાવી રહ્યું છે.
વિવિધ tv ઇન્ટરવ્યૂમાં UPSC ની તૈયારી કરતા યુવાનો માટે પ્રેરણાદાયી વાત કરતા મનોજ શર્મા જણાવે છે કે,
-પોતાની જાતને ઈમાનદાર બનાવો, ડરો નહિ.
-સફળતા માટે જોખમ ખેડવું જરૂરી છે. જે રિસ્ક લેતા નથી તે ક્યારેય જીતતા નથી.
-સારા મિત્રો બનાવો, સારા વાતાવરણમાં રહો, સારા માહોલમાં તૈયારી કરો. કઠોર પરિશ્રમ કરો, લડતા શીખી જાઓ... તમારી જીત નક્કી જ છે.
-25 મિનિટનો પ્રશ્ન લખવાનો હોય તો બે મિનિટ તેની હાઈલાઈટ લખવામાં બગાડો. પેપર જોનાર વ્યક્તિને જવાબ વાંચવા માટે મજબૂર કરી દો.
-સાહસ, માર્ગદર્શન અને ઈમાનદારીથી તમે ચોક્કસ સફળતા મેળવી શકો છો.
-સરળ ભાષામાં સરળ રીતે વાત સમજો અને સમજાવો.
-આપણે જીવનમાં કશુંક કરવાની યાત્રા આરંભીએ છીએ. ટાર્ગેટ પૂરો થતાં તે યાત્રા પુરી થાય છે. આ અસફળતાથી સફળતા તરફની યાત્રા છે.
-જીવનમાં સંશય ન હોવો જોઈએ. સંઘર્ષ કરો અને જીતો.
તમે દ્રઢ નિશ્ચય સાથે તૈયારી કરો છો ત્યારે તમારામાં અસીમ ઉર્જા અને ગજબની તાકાત આવી જાય છે. જંગ જીતવાનો વિશ્વાસ હોય છે. દ્રઢ સંકલ્પ કરો અને જંગ જીતી બતાઓ.
-તમે જે નિર્ણય કરો તેને વળગી રહો. કનફાર્મ રહો. પછી તમે કેટલું ઉડો છો તે મહત્વનું નથી. પરંતુ ઉડતા ઉડતા તમારી પાંખો ચોક્કસ મજબૂત થાય છે. આ UPSC ની લડાઈથી પાંખોને મજબૂત કરવાની લડાઈ છે.
-500 રૂપિયાની નોટ આપી એક અમીર અને એક ગરીબ બાળકને શાકભાજી લેવા મોકલીએ તો ગરીબ બાળક વધારે શાકભાજી લાવશે. કારણ કે તે સંઘર્ષ જાણે છે.
-જાત સાથે વફાદાર અને ઈમાનદાર બનો. નબળાઈ દૂર કરવાનું સાહસ હોવું જરૂરી છે. જાત અને દેશને વફાદાર રહો.
-પાસ કે નાપાસનું એક રિઝલ્ટ કાં તો વ્યક્તિને એકદમ યોગ્ય બનાવી દે છે અથવા નકામો બનાવી દે છે. કોઈ પરીક્ષામાં સફળ ન થઈએ તો જિંદગી કાંઈ ખતમ નથી થઈ જતી. તમારું મેળવેલું જ્ઞાન તમને દરેક વિષયમાં કામ આવે છે.
-મને ગણિત કે અંગ્રેજી ભલે નહોતું આવડતું. પરંતુ માણસ ઓળખતા આવડતું'તું.
-વ્યક્તિની ભણવાની ઉંમર હોય છે તે જ ઉંમર પ્રેમ કરવાની પણ હોય છે. આ સમસ્યા છે. પરંતુ એ પ્રેમને તમે તમારી નબળાઈ બનાવો છો કે તાકાત તે તમારા ઉપર નિર્ભર છે.
-પ્રેમને આપણે જે રીતે જોઈએ છીએ તેના કરતાં તે ઘણો મહાન હોય છે. જો તમારી સાથે પોઝિટિવ વ્યક્તિ જોડાય તો સામેની વ્યક્તિને પણ સકારાત્મક ઊર્જા મળે છે.
-પત્ની મિત્ર બની જાય પછી આરોપ કે પ્રત્યારોપ રહેતા નથી. માટે પહેલા મિત્રો બનો પછી પ્રેમ કરો અને પછી લગ્ન કરો.
મિત્રો,
મનોજ શર્માની આ યાત્રા શૂન્યમાંથી શિખરે પહોંચવાની યાત્રા છે. નાપાસ થનારા કે નાસીપાસ થનારા દરેક વ્યક્તિના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરનાર મનોજ શર્મા જેવા તો અનેક સંઘર્ષવીરો છે જે સમાજને સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે.
સલામ છે આવા યોદ્ધાઓને.
લેખક. ડો. સુનીલ જાદવ
(સંકલિત)
Comments
Post a Comment