શહીદની પત્ની :વાર્તા
શહીદની પત્ની
ગામના સૌ ને મોઢે એક જ વાત હતી કે સાંભળ્યું કે નહીં, હરિચરણનો છોરો રામચરણ શહીદ હુઈ ગયો.
હા સુણ્યા તો મૈ પણ છે કે કાશ્મીર સીમા પર ડ્યુટી બજાવતા રામચરણ શહીદ હોઈ ગયો
રામચરણના મૃત્યુ ના સમાચાર મળતાની સાથે ઘરમાં રોકકળ મચી ગઇ.લાલુની દાદી,કાકી ફોઇ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે મા આ સઘળા આવું કેમ કરે છે ?મને તો ડર લાગે છે. ત્યાં તો સ્ત્રી વર્ગમાંથી એક આવીને માનો ચાંદલો ભૂસવા લાગી તો બીજી પથ્થર લઇને એની કાચની બંગડીઓ તોડવા લાગી .દાદીએ માના હાથમાં સફેદ સાડલો મૂક્યો અને કહ્યું દેખ બહુ આજ સે લાલ હરા પીળા રંગના સાડલા પહેરવાના બંધ. જા જઈને આ રાંડેલાનો સાડલો પહેરી આવો રડી રડીને બેવડ વળી ગયેલી લાલચોળ માને જોઈને પોતાના પેટમાં ગુંચળા કેમ વળતા એ લાલુને ન સમજાતું પણ એને આ બધું ગમતું ન હતું. એટલું તો નક્કી કે બધાના સમજાવવા છતાં માનું રડવાનું અટકતું નહોતું. છેવટે દાદાજીએ આવીને કંઇક કડક અવાજે કહ્યું બસ હવે બહુ થયું.લાલુકી માં.તેં તારો સુહાગ ખોયો છે તો અમે અમારો છોકરો ખોયો છે.પણ અમે કાળજે પથ્થર એટલા માટે મૂક્યો છે કે એ તો શહીદ થઈ ગયો છે,દેશનું રક્ષણ કરવા માટે એણે જીવ આપી દીધો .એ વાતનું આપણને અભિમાન હોવું જોઈએ સમજી?
નાનકડો આઠ-દસ વર્ષનો લાલુ બિચારો શું સમજે કે શહીદ એટલે શું? એને એટલું સમજાતું હતું કે એના પાપા કોઇ એવી જગ્યાએ ગયા છે જ્યાંથી હવે કદી એ પાછા ફરવા નથી.એને પણ ખૂબ રડવું હતું પણ મા એને છાતીએ વળગાડતી અને રડતી ત્યારે ચૂપચાપ એના ચાંદલા વિનાના સુના કપાળને જોયા કરતો
ચાર-પાંચ દિવસ પછી રામચરણના મૃતદેહને ગામમાં લાવવામાં આવ્યો .ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું .જે લાકડાની પેટીમાં એને સુવડાવ્યો હતો. એના પર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો .ગામના સૌએ એને હાર પહેરાવ્યા હતા.જીપમાં બેસીને શહેરમાંથી નેતાજી પણ આવ્યા હતા સરપંચ દાદા એમની આગળ પાછળ ફર્યા કરતા હતા. હાથમાં માઈક લઈને નેતાજી બોલ્યા હતા" આ ગામના સપૂત રામચરણે ભારતની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે તમને સૌને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે એ તમારામાંનો જ એક હતો.એના માતાપિતાને આવા પુત્રરત્નને જન્મ આપવા બદલ હું ધન્યવાદ આપું છું આ પરિવારને શહીદ નિધિમાંથી સહાય મળે એ માટે હું પુરા પ્રયત્ન કરીશ પછી એ ઘણું બોલ્યા હતા પણ લાલુને તો રામચરણ અને શહીદ સિવાય બીજું કંઈ સમજાયું નહોતું."
પિતાના નિર્જીવ શરીરને સ્મશાને લઈ જતા હતા ,ત્યારે સરઘસ કાઢીને રામચરણ અમર રહો શહિદકી જય હો' ના નારા સાથે લોકો દોડતા હતા. આ બધું જોઈને લાલુને થયું હવે કોઈ દિવસ મને મારા પાપાનું મોઢું જોવા નહિ મળે એમાં આ બધાને ખુશ થવા જેવું શું લાગતું હશે?
શરૂ શરૂમાં શાળામાં માસ્તરજી અને સાથે ભણતા દોસ્તો લાલુને શહિદ રામચરણ નાયકનો દીકરો કહીને માનથી જોતા. માને પણ ગામલોકો વીર શહીદની પત્ની કહેતા.પણ ધીમે ધીમે બધું બદલાતું ગયું.એક દિવસ નિશાળમાં જીતુ કોઇ વાત માટે એની સાથે મારામારી કરવા લાગ્યો ત્યારે માસ્તર સાહેબે એને કહ્યું કે જવા દેને જીતુ, બાપ વગરનો છોકરો છે, એની સાથે શું ઝગડવાનું .તમારા કુટુંબની ઈજ્જત આબરૂ છે.આ વિધવાના દીકરા સાથે તારી શું સરખામણી?
માંના કપાળેથી હવે શહીદની પત્ની નું લેબલ નીકળી અને વિધવાનું લેબલ ચોટી ગયું હતું. ઘર આખાના ઢસરડા એના માથે આવી ગયા હતા એને માટે છપ્પરપગી,કાળમુખી અને અપશુકનિયાળ જેવા વિશેષણો વપરાતા.દાદા અને કાકા ઘણીવાર કોરા કાગળ પર મા પાસે સહી કરાવી લેતા આ બધી વાત સાથે કંઈ લેવાદેવા ન હોય એમ યંત્રવત સહી કરી આપતી.રામચરણના જવાથી ઘરમાં બીજા કોઈને કંઈ ફરક પડ્યો હોય એવું નહોતું લાગતું માત્ર મા દિવસે દિવસે વધુને વધુ દુબળી પાતળી અને નિસ્તેજ થતી જતી હતી.
લાલુ શાળાએથી આવ્યો ત્યારે કોઈ દિવસ નહીં ને આજે માંને સુતેલી જોઈ ને લાલુ ગભરાયો.મા અત્યારે સાંજની રસોઈની તૈયારી કરતી હોય એને બદલે સુતી કેમ હશે .દોડતા એની પાસે જઈને એને પૂછ્યું, શું થયું માં, અટાણે કેમ સુતી છે?
એને બોલતા બહુ કષ્ટ પડતું હતું.માંડમાંડ એ બોલી થોડો તાવ છે,ગળું સુકાય છે ,જરા પાણી લાવી આપને!
બહાર અજાણ્યા માણસો સાથે વાત કરી રહેલા દાદાને લાલુએ કહ્યું દાદા મારી માની તબિયત બરાબર નથી, જલ્દી ડોક્ટર બોલાવો ને!
"છોરા ,એમ કંઇ જરાજરામાં ડોક્ટરને ના બોલાવાય. તારી દાદી સૂંઠ મરી નાખીને ઉકાળો પીવડાવે એટલે હમણાં ઊભી થઈ જાવેગી.
માને માથે હાથ ફેરવતો અને આંસુ સારતો લાલુ બેઠો હતો. ત્યાં દાદા અને કાકા પેલા મહેમાનો સાથે અંદર આવ્યા દાદાએ સીધી વાત શરૂ કરી .દેખ વહુ, સરકારે તારા નામે શહીદ ફંડમાંથી જમીન ફાળવી છે આપણને તો એની જરૂર નથી.આ સાહેબને બહુ મોટો સ્ટોર કરવા વાસ્તે જમીન જોઈએ છે .હું એ બધા પૈસા બેન્કમાં લાલુના નામે જ મૂકી દેવાનો છું.ચાલ ઉભી થાને આ બધા કાગળ પર સહી કરી આપ.
ઊભા થવાના પ્રયત્નમાં મા પથારીમાં પડી ગઈ અને ડોકું ઢાળી ગઈ. એ સાથે જ દેશના મોરચે શહીદ થયેલા રામચરણની પત્ની ઘરના મોરચે શહીદ થઈને પતિની પાછળ ચાલી નીકળી
મૂળ લેખક: શુભકાન્ત બેહરા (ઓરિસ્સા)
સંક્ષેપ: આશા વિરેન્દ્ર
રજૂઆત : કર્દમ મોદી,પાટણ
સૌજન્ય: ભૂમિપુત્ર (પાક્ષિક)
Comments
Post a Comment