હવે હું ત્યાં નહિ જાઉં

 હવે હું ત્યાં નહિ જાઉં



થોડા દિવસ પહેલા હું અમદાવાદ લાલ દરવાજા મારી બંને દીકરીઓને લઈને કેટલીક ખરીદી કરવા ગયો હતો.એ વખતે મને વિચાર આવ્યો કે લાલ દરવાજાથી થોડાક આગળ ચંદ્ર વિલાસ હોટલ પાસે પુસ્તકોની પણ એક દુનિયા છે તો ચાલો ત્યાં આંટો મારી આવીએ.જેથી કોઈ સારું પુસ્તક સસ્તામાં મળી જાય એમ વિચારીને સૌપ્રથમ અમે પુસ્તકોની દુનિયાથી ફરવાના શ્રી ગણેશ કર્યા.


તમને ખબર હશે કે બહારના મુખ્ય રોડ ઉપર કેટલીક જૂના પુસ્તકોની લારીઓ ઉભી રહે છે.ત્યાં આપણને સારા સારા પુસ્તકો ઓછી કિંમતમાં મળતા હોય છે. ઘણા લોકોના બાળકો મોટા થઈ જાય એટલે એ લોકોએ એમના બાળકો માટે નાનપણમાં ખરીદેલા પુસ્તકો અહીંયા અડધી કિંમતમાં આપી જતા હોય છે અને એવા પુસ્તકો અહીંયા ખુબ જ સસ્તામાં મળતા હોય છે અને આ જ લારીઓ પરથી ભૂતકાળમાં ખરીદાયેલા પુસ્તકો અમે પોતે વાંચી વાંચીને મોટા થયા છીએ.


એટલે હું સીધો એ જ લારીઓ પર ગયો પરંતુ મને એક પણ લારી પર બાળકોનું એક પણ પુસ્તક મળ્યું નહીં. ઉપરથી લારીઓવાળા એવું કહ્યું કે હવે આવા બાળ સાહિત્યના પુસ્તકો વેચાવા માટે આવતા જ નથી કારણ કે આવા પુસ્તકો આજકાલ કોઈ ખરીદતું નથી અને ખરીદતું નથી માટે વેચાતા પણ નથી.ભૂતકાળમાં જે લેવાયેલા હતા એ બધા વેચાઈ ગયા છે એટલે હવે નવા કોઈ પુસ્તકો આવતા નથી.


લારીવાળાની વાત સાંભળી અને મેં ઊંડો નિસાસો નાખ્યો અને લાગ્યું કે હવે હું અમદાવાદ આવું ત્યારે પુસ્તકોની દુનિયામાં આંટો મારવા જવાની જરૂર રહેતી નથી.

કર્દમ મોદી

પાટણ

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા