ભેરૂનાથ ટ્રેક
યે પર્વતો કે દાયરે.....
ગુરુ શિખર જવું એનો અર્થ એમ જ થાય કે માઉન્ટ આબુ જવું પણ અમે તો ગુરુશિખર એવી રીતે ગયા કે માઉન્ટ આબુ વચ્ચે આવ્યું જ નહીં.કારણકે અમે ગુરુ શિખરના પાછળના વિસ્તારમાં 20 કિલોમીટર દૂર સિરોહી રોડ પર જીપમાંથી ઉતર્યા હતા અને ત્યાંથી પહાડોમાં ટ્રેકિંગ કરીને કુલ 20 કિલોમીટર ચાલીને ગુરુશિખર પહોંચ્યા હતા.
વાત એમ છે કે શનિવારે સવારે 11:30 વાગે સિરોહી રોડ પર આવેલા ઈસરા નામના ગામે વાસ્તાનેશ્વર મહાદેવથી અમે ચાલવાનું શરૂ કર્યું. આ મંદિરની મૂર્તિ અયોધ્યાની મૂર્તિ જેવી જ છે.ત્યાંથી દિવસભર કુલ 10 કિલોમીટર ચાલ્યા અને રાત્રે 8:00 વાગે અમે ભેરુનાથ મહાદેવ પહોંચ્યા. સળંગ 10 કિલોમીટર માત્ર પહાડી રસ્તો તેમજ ચઢાણ હતું.થાકીને લોથપોથ થઈ ગયા હતા. છેલ્લે છેલ્લે તો હિંમત પણ હારી ગયા હતા. શરીર પણ સાથ નહોતું આપતું. પાણી પણ અડધે રસ્તે પતી ગયું હતું.આથી તરસ્યા હોવા છતાં પણ ચાલવું બહુ જ કપરું હતું પરંતુ જંગલનું સૌંદર્ય અને અંદરનો આત્મવિશ્વાસ બે અમને આગળ ચાલવા પ્રેરતો હતો.
જ્યારે અંધારું થયું ત્યારે આકાશમાં મહા મહિનાનો પૂનમનો ચંદ્ર ખીલતો જોઈને અમારો બધો જ થાક ઉતરી ગયો.અમારી સાથેના ગાઈડનું ઘર રસ્તામાં આવતું હતું એમણે એમના ઘરમાં અમને લઈ જઇને બધાને ચા પીવડાવી એમના ઘરની ચુલાની ચા પીવાની મજા કંઈક ઓર હતી. એમના ઘરની બાજુમાં ઘણી ગાયોની એક ગમાણ હતી જેના દૂધમાંથી ઘી બનાવીને એ લોકો પોતાનો જીવન નિર્વાહ કરે છે.તેમના ઘરની બાજુમાં રહેલા મોટા મોટા પથ્થરોમાંનો એક પથ્થર માણસના ચહેરા જેવો હતો તે જોવાની મજા પડતી હતી.like a cartoon.તેની સાથે અમે ઘણા ફોટા પડાવ્યા.
ત્યારબાદ એકાદ કલાક અંધારામાં ટોર્ચના અજવાળે ચાલ્યા અને ભેરુનાથ મહાદેવ પહોંચ્યા.ભેરુનાથ મહાદેવ એ એક ઊંચા મોટા પથ્થર પર આવેલી મોટી ગુફામાં આવેલો શંકર ભગવાનનું નાનકડું મંદિર છે. ત્યાં ખાસ કોઈની અવર-જવર નથી.કારણ કે આ જગ્યાએ આવવું એ ખૂબ જ કપરૂ છે.ત્યાં ખાસ યાત્રાળુઓ પણ આવતા નથી.સામે એક સુંદર તળાવ છે અને ચારે બાજુ કુદરતી સૌંદર્યનો અદભુત નજારો છે.અહીં આવ્યા પછી ખ્યાલ આવે છે કે ખરેખર આ એક સુંદર પ્રાકૃતિક સ્થળ છે.ઠંડી ભયંકર લાગી રહી હતી. થથરી જવાતું હતું નેટવર્ક પણ આવતું નહોતું. માત્ર સાદી ખીચડી અને કઢી ખાઈને અમે થાકેલા સૂઈ ગયા સુતાવેંત કદાચ એક મિનિટથી પણ ઓછા સમયમાં અમને ઊંઘ આવી ગઈ થાક તો એવો જબરજસ્ત લાગ્યો હતો કે પહોંચીને આડા પડ્યા પછી એવું થયું કે ખાવા પણ ન બોલાવે તો સારું પરંતુ બધા ખાવા ન જાય તો ખાવાનું બગડે એટલે અમે ખાવા તો ગયા પણ ફટાફટ થોડું થોડું ખાઈને અમે તરત જ સુધી સૂઈ ગયા.
રાત્રે પૂનમનો ચંદ્ર જેમ જેમ ઊંચો આવતો હતો તેમ સૌંદર્ય પણ વધતું જતું હતું અને ઠંડી પણ વધતી જતી હતી અમે ગુફાની અંદર ઊંઘ્યા હતા. મારી જગ્યા શિવલિંગના લગોલગ હતી.આખી રાત શિવલિંગના પડખામાં સુવા મળ્યું કોઈ જાતના વિશેષ પ્રયત્ન વગર.મને લાગે છે કે આખી રાત ભગવાનના સાનિધ્યમાં ઊગવું એ એક અદભુત લાવવો હતો.ગુફા હોવાથી ખાસ ઠંડી લાગતી નહોતી અમે કુલ 10 12 જણ ગુફાની અંદર ઊંઘ્યા હતા ગુફાના ઉપર કદાચ કેટલાક પક્ષીઓ વગેરે હતા જેના લીધે રાત્રે પક્ષીઓનો કરકર અવાજ કરવા આવતો હતો. ગુફામાં ઊંઘવાની અનુભૂતિ કંઈક વિશિષ્ટ જ હતી. બીજા કેટલાક મિત્રો એમ બાજુની એક નાનકડી રૂમમાં ઊંઘ્યા હતા તેમજ તેમના સિવાયના પાંચ સાત મિત્રો બહાર ખુલ્લામાં આકાશની છે બે ઇન્સ્ટન્ટ તંબુ બાંધી અને ઊંઘ્યા હતા.
દિન ૨
બીજા દિવસે રવિવારે સવારે વહેલા ઉઠીને અમે લગભગ આઠ વાગે ચાલવા માટે તૈયાર થઈ ગયા.ઠંડી કડકડતી હતી પરંતુ ચાલ્યા વગર છૂટકો નહોતો.સવારે આઠ વાગ્યાથી ચાલવાનું શરૂ કર્યું સળંગ આઠ કલાક ચાલ્યા પછી સાંજે ચાર વાગે અમે ગુરુ શિખર નીકળ્યા.અમે જ્યારે ગુરુ શિખર જતા હતા ત્યારે રસ્તામાં ચઢાણ અને ઉતરાણ બંને આવતું હતું રસ્તામાં ઉતરજ નામનું એક ગામ પણ આવતું હતું જ્યાં સપાટ મેદાનો લીલાછમ ખેતરો અને ઊંચી ઊંચી ખજૂરીઓના સુંદર વૃક્ષો હતા.બપોરે 2:00 વાગે અમે એક જણના ઘેર બપોરનું ભોજન કર્યું.બીજો દિવસ પ્રમાણમાં સરળ હતો પરંતુ છેલ્લો બે કલાકનું ચડાણ ખૂબ જ કપરું હતું.ઉપર ગુરુ શિખર દેખાતું હતું અને અમે નીચે હતા.ગુરુ શિખરની બાજુમાં ઇસરોની observatory પણ નીચેથી દેખાતી હતી.જે એક મોટા શિવલિંગ જેવી લાગતી હતી. લગભગ બે કલાકના સળંગ ચઢાણ પછી અમે ગુરુશિખર નીકળ્યા ત્યારે એક નાનકડી ગલીમાંથી અમે નીકળ્યા અને સામે જ ગુરુ શિખર હતું.ત્યાં જઈને ચા પીધી અને 200 પગથિયાં ચડીને ગુરુ શિખર જઈને ઘંટનાદ કર્યો અને ત્યાં જ અમારા ટ્રેકિંગનું સમાપન થઈ ગયું.
ત્યારબાદ અમે તરત જ જીપોમાં બેસીને સીધા આબુરોડ આવી ગયા અને આબુરોડ થી એ જ જીપમાં અમે તરત જ પાટણ આવી ગયા.રાત્રે 8:30 વાગે પાટણ આવી ગયા હતા. પાટણ આવ્યા ત્યારે અમે થાકીને લોથપોથ થઈ ગયા હતા.પગ ખૂબ જ દુઃખતા હતા એવું લાગતું હતું કે મહિના સુધી થાક નહીં ઉતરે પરંતુ કુદરતે આ શરીર પણ એટલું ગજબનું બનાવ્યું છે કે માત્ર એક જ રાત સારી રીતે ઊંઘીએ એટલે બીજા દિવસે મોટા ભાગનો થાક ઉતરી ગયો હોય. બસ આજ તો મજા છે ટ્રેકિંગની અને આપણા શરીરની.
આવી સાહસ યાત્રાઓથી શું ફાયદો થાય છે એવું જો વિચારું છું તો તેના જવાબો નીચે પ્રમાણે મળે છે.
૧)શરીર મજબૂત થાય છે.
૨)આત્મવિશ્વાસ વધે છે.
૩)કુદરતના સાનિધ્યમાં જવાય છે.
૪)પોતાની જાત વિશે વિચારવાની ખૂબ તક મળે છે.
૫) અત્યંત થાકી જવાના લીધે મન સ્વચ્છ થઈ જાય છે.
અને વિચારોનો કચરો ખતમ થઈ જાય છે.
૬)નવા નવા મિત્રો બને છે.
૭)રોજિંદી ઘટમાળ (ટાઈમ ટેબલ) બદલાય છે.જેનું એક મોટું મહત્વ છે.
૮)તદ્દન નવા પ્રકારના મિત્રો અને નવા પ્રકારના વાતાવરણમાં જવાથી માઈન્ડ ફ્રેશ થાય છે.
૯) ફિટનેસ નું મહત્વ સમજાય. જે રોજિંદા જીવનમાં ઉપયોગી છે.
(તારીખ 24 25 ફેબ્રુઆરી ને શનિ રવિના રોજ ગુરુ શિખર માઉન્ટ આબુ ખાતે કરેલા ટ્રેકિંગનો રિપોર્ટ)
કર્દમ મોદી
પાટણ
૮૨૩૮૦૫૮૦૯૪
Comments
Post a Comment