ડાયરી લેખન


                                ડાયરી લેખન


ઘણા લોકો એવું માને છે કે લેખક હોય એ જ લખી શકે.પરંતુ એવું નથી. હું માનું છું કે જે માણસ લખવા ધારે તે બધા જ લખી શકે છે.આપણે ત્યાં લખવાનો રિવાજ કે કલ્ચર નથી.એટલે આપણી આસપાસ કોઈ લખતું નથી.માટે આપણે પોતે લખતા નથી.લખવાની વાત આવે એટલે બધાને એવું લાગે કે એ તો પન્નાલાલ પટેલ કે ધૂમકેતુ લખી શકે આપણું કામ નહીં.પરંતુ એવું નથી.એ ખોટી માન્યતા છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે પ્રથમ દિવસે કોઇપણ વ્યક્તિ પન્નાલાલપટેલ જેવી વાર્તાઓ લખી ન શકે. પણ સાહિત્યનો એક પ્રકાર એવો છે કે જે બધા ખેડી શકે છે.એ પ્રકાર એટલે ડાયરી.તમને દિવસ દરમિયાન જે બાબત વિશે જે વિચાર આવે તે તમે બોલવાને બદલે લખો અથવા બોલો પણ લખો જરૂર.કારણ કે આપણા જેવા સામાન્ય માણસોની વાતોમાંથી ઘણી વખત સારા મુદ્દાઓ(પોઇન્ટ્સ) નીકળતા હોય છે.પરંતુ આપણે લખતા નથી.માટે પોઇન્ટ ભુલાઈ જાય છે.જો કે નહી લખવાનું મુખ્ય કારણ એ જ છે કે આપણે ત્યાં બોલવાનો કે વાતો કરવાનો રિવાજ  છે અને એનો હેતુ માત્ર ટાઇમપાસ હોય છે.  બોલવામાં કશી સાબિતી આપવાની નથી હોતી કે બોલ્યા પછી કશી સાબિતી રહેતી નથી.એ બોલવાની સુવિધાનો ફાયદો છે.જ્યારે લખ્યા પછી માણસ બંધાઇ ગયાનો ડર અનુભવે છે.વળી લખવા માટે વિશેષ તકલીફ લેવી પડે છે.સમય-સંજોગો, ટેબલ,ખુરશી,નોટ,પેન વગેરે. આથી ઘણીવાર આળસ જીતી જાય છે.

લખવાથી માણસ ગંભીર બને છે.પોતાના શબ્દો પ્રત્યે ગંભીર બને છે એને લખાણની સાથે સાબિતી રાખવી પડે છે.આથી લખવાથી માણસના વ્યક્તિત્વમાં જવાબદારીનો ગુણ વિકસે છે.જે આગળ જતાં બોલવામાં પણ આવે છે.મતલબ કે માણસ જવાબદાર બને છે.ડાયરી તો નિજાનંદ કે સ્વઅભ્યાસ માટે જ હોય છે.આથી એમાં તો કશું ડરવા જેવું હોતું નથી.લખ્યા પછી તમે એનો નાશ પણ કરી શકો છો.

આપણે ત્યાં મહાદેવભાઈની ડાયરી ભણવામાં આવે છે. આથી એ આપણે જાણીએ છીએ પરંતુ પશ્ચિમમાં ડાયરી ડાયરીનું પ્રચલન ખૂબ જ છે.એટીની ડાયરી,એની ફ્રેન્કની  ડાયરી અને એવી જ અનેક ડાયરીઓ પ્રચલિત છે.એન ફ્રેન્ક ૧૪ વર્ષની છોકરી હતી. અને તેણે ચોરીછૂપીથી જે ડાયરી લખી હતી, તેના પર બે ફિલ્મો બની છે અને પુષ્કળ નાટકો બન્યા છે વગેરે વગેરે.

સારાંશ એ છે કે વ્યક્તિત્વ વિકાસ કે સ્વપરિવર્તન માટેનો સૌથી સરળ માર્ગ એ ડાયરી છે.તમારે દિવસ દરમિયાન અવલોકન કરતા રહેવાનું અને જે બાબત thrilling એટલે કે હૃદય સ્પર્શી લાગે એ ડાયરીમાં નોંધી લેવાની.તમે ડાયરી બે લીટીમાં પણ લખી શકો છો અને બે ફકરા માં પણ લખી શકો છો.પરંતુ જો તમે આ ડાયરી લેખન શરૂ કરશો તો તમારા વ્યક્તિત્વમાં સાઇલેન્ટ રિવોલ્યુશન એટલે કે શાંત ક્રાન્તિ  થશે એવો હું દાવો કરું છું.

વળી લખવાનું શરૂ કર્યા પછી મનથી અત્યંત હળવા બની જવાય છે.જ્યારે અનુભૂતિઓ થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે ડાયરી શા માટે.આથી આ લખાણ દ્વારા હું મારા મિત્ર વર્ગને ડાયરી લખવાનો સંદેશો આપું છું.

કર્દમ ર. મોદી,
નિર્મલનગર,
પાટણ

Comments

  1. ડયરી લેખનના બતાવેલા ઉચિત ફાયદા ખૂબ સારા લાગ્યા. આપણે ત્યાં આનો દુકાળ પ્રવર્તે છે.
    -ઉદય નાયક.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા