સર્જનશીલતા

                                    સર્જનશીલતા

 ક્રિએટિવિટી એ કેટલો મહાન શબ્દ છે. એ કઈ રીતે સમજાવવો. એનો ગુજરાતી અર્થ થાય છે સર્જનશીલતા. મતલબ કે કશુંક નવું કામ, કશું પ્રાપ્ત કરવું ,શીખવું ,બનાવવું, વાંચવું,લખવું, જોવું .પણ  આ બધી એવી બાબત હોવી જોઈએ કે તમને થાય કે આજે મારી અંદર અમુક બાબત ઉમેરાઇ.  કાલ કરતા આજે હું કંઈક નવું શીખ્યો.આ માટે તમારે પિકાસો ,માઈકલ એન્જેલો કે પાયથાગોરસ કે ટાગોર હોવાની જરૂર જ નથી .એક નવી કવિતા વાંચો ,એક નવો પ્રયોગ કરો, એક નવું સાધન બનાવો એ બધી ક્રિયેટીવીટી જ છે.આ ખરેખર સરળ છે.

 જેમ  દરેક વેપારી  રાત્રે સૂતી વખતે વિચારે છે કે આજે હું કેટલું કમાયો. ધારો કે 100 રૂપિયા કમાશે તો  તેને થશે કે આજનો ખાધાખોરાકીનો ખર્ચ તો નીકળી ગયો. કારણકે ખાધાખોરાકીનો ખર્ચે મૂળભૂત ખર્ચ  ગણાય.  સર સલામત તો પગડી હજાર. એવી રીતે આપણે પણ રોજ વિચારવું જોઈએ કે આજે મેં શું ક્રિએટિવ  કર્યું અને આવું વિચારવાથી મન એ દિશામાં કાર્યાન્વિત થાય છે. આથી તરત જ રસ્તા મળે છે એટલે કે ઉકેલ મળે છે અને કશુંક નવું સર્જન થઈ જાય છે અને આટલી વારમાં સાંજ પડી જાય છે અને દિવસ ખતમ થઇ જાય છે અને જીવન ના ખાતામાં (account  of life) આપણું કશુંક જમા બોલે છે.

 જેમ પેલો વેપારી વિચારે છે કે આજે હું કમાયો.ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ તમે વિચારો તો ખરા કે રોજની એક નવી બાબત તમારામાં ઉમેરાય તો વરસની ૩૬૫ બાબતો ઉમેરાય. આ નાની સંખ્યા છે ?આ મારો સ્વયંસિદ્ધ, અનુભવસિદ્ધ પ્રયોગ છે.

 ધારો કે આજની વાત કરું કે ક્રિએટિવિટી શબ્દ વિષે વિચાર કરતાં-કરતાં વિચાર આવ્યો કે ચાલો આ વાત લખી કાઢીએ.અને  મારો એક લેખ બની ગયો. અનાયાસે જ. શરૂઆતમાં એક જ ફકરો લખવો ,એવું મનમાં હતું. કારણકે લખવાની આપણને ભયંકર આળસ છે. પરંતુ લખવા બેઠો તો બે પેજ થઈ ગયા. હવે આ લખાણ ફેસબુક, વોટ્સએપ, બ્લોગ વગેરે સાહિત્ય વહેતું મુકવાની જે આધુનિક નદીઓ છે કે જેનાથી ગોવર્ધનરામ ત્રિપાઠી પણ અજાણ હતા એમાં તરતો મૂકાશે. પછી બધા મને લાઇક કરશે, અભિનંદન આપશે, bla bla bla bla...


તો વાત એમ છે કે ક્રિએટિવિટી શબ્દને આપણે શબ્દકોષ એટલે કે ડીક્ષનરી માંથી બહાર કાઢ્યો જ નથી. વળી બીજી એક અદ્ભુત અથવા ચમત્કારિક બાબત એ છે કે ક્રિએટિવિટીની વિચારણા એટલે કે થીંકીંગ દરમિયાન જ નુકશાનકારક વિચારો આપોઆપ જ દૂર રહે છે. કારણ કે મન એક સાથે એક વિચાર જ કરી શકે છે. એની સાબિતી પેલું  લૈલા મજનું વાળું ચિત્ર છે કે જેમાં વૃક્ષ દેખાય તો લેલા મજનુ ના દેખાય અને લેલા મજનુ દેખાય તો વ્રૃક્ષ ન દેખાય.(જો કે લેલા મજનુને તો કશું જ દેખાતું નહોતું એ બીજી વાત છે)એટલે મન જો ક્રિએટિવઆઇડિયાઝ માં  ખૂંપેલું હશે તો અન્ય વિચારોનો કોઇ અવકાશ જ રહેતો નથી અને આટલું કરતાં કરતાં તો સાંજ પડી જાય છે ને દિવસ ખતમ થઇ જાય છે.

ઘણા લોકો એવું માને છે કે ક્રિએટિવિટી નો મતલબ કોઈ supersonic plane બનાવવું કે high range  વાળી મિસાઈલ બનાવવી એવો થતો હોય છે. ઘણા ન્યુટનનો ચોથો નિયમ શોધવો એને જ ક્રિએટિવિટી માનતા હોય છે.પણ મિત્રો, શરૂઆતમાં આપણે ચોખવટ કરી દીધી છે કે પોતાના આત્મામાં કશુક નવું ઉમેરાય એ જ ક્રિએટિવિટી છે. એમાં વાંચવું , લખવું,  કવિતા,  સાહિત્ય,  વિજ્ઞાન બધું જ આવી જાય ભલે નાના બાળકના પગલાં જેટલું પદાર્પણ હોય. પરંતુ પદાર્પણથી નવી દિશા પકડાય છે. નવું ક્ષેત્ર ઊઘડે છે.

તો મિત્રો, આ શબ્દ ડીક્ષનરી માંથી બહાર કાઢી તમારા મનમાં ગોઠવો અને એનું સ્મરણ કરો. એટલે આપોઆપ જ ક્રિએટિવિટી આવતી જશે નીચેના જેવી પ્રવૃત્તિઓ વિચારી શકાય.જેથી વાત સમજાય.

 1) ડાયરી લખવી
 2) રોજ એક  કવિતા વાંચવી
 3)રોજ એક ગીત ગાવું ભલે ના આવડે
 4) રોજ એક ચિત્ર દોરવું ભલે ના આવડે
 5) રોજ એક સુવિચાર બનાવવો
 6) કોઇ પુસ્તકનું એકાદ પ્રકરણ વાંચવું
 7) વિજ્ઞાનનું કોઈ રમકડું પ્રયોગ પ્રોજેક્ટ બનાવવો
 8) ઘરની તૂટેલી બગડેલી વસ્તુઓ જાતે રીપેર કરવી
 9) અને આ પ્રકારનું ઘણું બધું

 કર્દમ ર. મોદી,
 નિર્મલ નગર સોસાયટી
 પાટણ
  82 380 580 94
:

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા