અંગદનો પગ:હરેશ ધોળકિયા

                                અંગદનો પગ

હરેશ ધોળકિયા લિખિત અંગદનો પગ નવલકથા આજે બીજી વખત વાંચી.લગભગ 10 વર્ષ પૂર્વે વાંચી હતી. ત્યારબાદ ઘણા લોકોની આગળ આ પુસ્તકનો પ્રચાર પણ કર્યો હતો અને એ ખુબ સારી ચોપડી છે એવી છાપ મનમાં હોવાને લીધે હાલમાં બીજી વખત વાંચી.પુસ્તક આ હેતુથી જ ખરીદવા પડે છે કે ઇચ્છા થાય ત્યારે વાંચી શકાય અથવા કોઈને આપી શકાય પુસ્તક પાસે હોવાની એક મજા છે.


અંગદનો પગ નવલકથામાં મુખ્ય ત્રણ જ પાત્ર છે.સ્વરૂપ ડાયરીનું છે. આથી તદ્દન જુદી ભાત પાડનારું પુસ્તક છે.શહેરની એક શાળાના બે શિક્ષકો છે દવે સાહેબ અને શાહ સાહેબ તથા  શાળાનો  એમનો વિદ્યાર્થી છે કિશોર.દવે  સાહેબ અને શાહ સાહેબ  બન્ને ટેલેન્ટેડ, સક્ષમ અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય છે.પરંતુ શાહ સાહેબ આધ્યાત્મિક પાયાવાળા માણસ છે. આથી જીવનમાં ઉચ્ચ નૈતિક મૂલ્યો રાખે છે, ખૂબ કામ કરે છે અને વિદ્યાર્થીઓને નિર્વ્યાજ પ્રેમ આપે છે.સાથે જીવનલક્ષી શિક્ષણ આપે છે.જ્યારે દવે સાહેબ ખૂબ જ ઈર્ષાળુ અને અદેખાઈ વાળા છે.બહારથી મિત્ર પણ અંદરથી શાહ સાહેબના દુશ્મન.હંમેશા શાહ  સાહેબને નુકસાન પહોંચાડવાના સંજોગો પેદા કરે છે.પરંતુ પકડાઇ ન જવાય એ રીતે.વળી શાહ સાહેબને બધી ખબર છે કે દવે પોતાને છૂપી રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે.પરંતુ તેઓ કોઇ પ્રતિક્રિયા આપતા નથી.

દવે સાહેબ શાહ  સાહેબ  વિરુદ્ધ ટ્રસ્ટીઓને ભડકાવે છે.શાહ સાહેબના રમતગમત,પ્રાર્થના તેમજ વક્તૃત્વસ્પર્ધા જેવા ક્ષેત્રોમાં ચંચુપાત કરે છે.શાળામાં સમગ્ર સ્ટાફને દવે સાહેબ વિરુદ્ધ ભડકાવે છે.શાળામાં ટ્યુશન શરૂ કરાવે છે. શિક્ષક સંઘમાં સમગ્ર સ્ટાફને ઘસડી જાય છે વગેરે વગેરે.પરંતુ શાહ સાહેબ સાક્ષીભાવે આ બધું જુએ છે અને સહન કરે છે.પરંતુ કોઇ જગ્યાએ કશો જ પ્રતિભાવ નથી આપતા.તે કહે છે કે નકારાત્મક બાબતમાં પ્રતિભાવ આપવામાં સમય ન બગાડાય.એનાથી કોઇ ફાયદો ન થાય.ઉલટાનું નુકસાન થાય.


 ફિલોસોફીની મહાન રશિયન નવલકથા લેખિકા આયન રેન છે.એણે  એટલાસ શ્રગ્ડ અને ફાઉન્ટેન હેડ જેવી મહાન નવલકથાઓ લખી છે. એનો હવાલો આપીનેશાહ સાહેબ કહે છે કે સેકન્ડ રેટરો કદી પ્રતિભાના જોરે આગળ આવી ન શકે.તેમને આગળ આવવા પ્રથમ કક્ષાના લોકોને નુકસાન પહોંચાડવું જ પડે.જો કે પ્રથમ કક્ષાના લોકોને કદી નુકસાન નથી પહોંચતું.હા, ભૌતિક સ્તરે કદાચ થતું દેખાય.પણ બૌદ્ધિક સ્તરે ન પહોંચે. પ્રતિભાની મસ્તી જ એટલી જબ્બર હોય છે કે બાહ્ય સિદ્ધિઓનું કશું મૂલ્ય નથી હોતું. તેમને બાહ્ય સિદ્ધિઓ સહજ રીતે જ મળે છે. સૂર્યની સાથે પ્રકાશ હોય તેમ.પણ કદાચ પ્રકાશ ડગમગતો દેખાય સેકન્ડ રેટરોને તોપણ આ લોકોની આંતરિક ચેતનામાં કશો ફરક પડતો નથી.આ લોકો પ્રજ્ઞા લોકમાં જીવે છે.બહારની દુનિયાને તો માત્ર તેનો લાભ મળે છે. સેકન્ડ રેટરોનું  મુખ્ય શસ્ત્ર હોય છે નિંદા.તેનાથી તેમને મિથ્યાસંતોષ મળે છે કે જુઓ આ વ્યક્તિ પણ અમારા જેવી જ છે.


આ વાર્તા પરથી નાટક કે ફિલ્મ કેમ નથી બનતી એ સમજાતું નથી. બાકી શિક્ષકોની દુનિયાને પૃષ્ઠભૂમિ બનાવીને લેખકે આપણા સમાજની ઘણી દબાઈ રહેલી વાતો બહાર કાઢી છે. આ વાર્તાનો અંત બહુ વિશિષ્ટ પ્રકારનો આવે છે .પરંતુ મને લાગે છે કે મારે એ ન લખવો જોઈએ.માટે અંત વિશે કોઈ વાત કરતો નથી.અમે પોતે શિક્ષક હોવાથી આ વાર્તા ખૂબ સારી રીતે સમજાય છે.વિદ્યાર્થીઓમાં થોડા લોકપ્રિય થવા જઈએ કે વિરોધનો સૂર આપવાનું શરૂ થઈ જાય છે. પણ ચાહે અંધિયારા કિતના ઘનાહૈ, દિયા જલાના કબ મના હૈ. એમ માનીને કામ કરતા રહેવું એ જ સાચી સમજણ ગણાશે.શિક્ષકો માટે આ ચોપડી વાંચવાની ફરજીયાત હોવી જોઈએ.

કર્દમ ર.મોદી
નિર્મલ નગર સોસાયટી
પાટણ

Comments

Post a Comment

Popular posts from this blog

ઓ દુનિયા કે રખવાલે........એક પ્રતિભાવ

વાર્તા:વાત કરવાની કળા