ભવનાથ મહાદેવ યાત્રા

 *ભવનાથ મહાદેવ યાત્રા*


અમદાવાદ થી શનિવારે સવારે છ વાગ્યે લક્ઝરીમાં બેસીને અમે નીકળ્યા અને લગભગ 9:30 વાગે રાજેન્દ્રનગર ખાતે એક મહાદેવના મંદિરમાં પહોંચ્યા ત્યાં અમારો ચા નાસ્તો હતો.ચા નાસ્તો કર્યા બાદ અમે ત્યાંના જંગલમાં લગભગ ત્રણ કિલોમીટરનો ટ્રેક કરવા ગયા.ત્યાં જંગલમાં એક બાલસાગર નામનું સ્થળ છે.


લોકવાયકા પ્રમાણે ઘણા વર્ષો પહેલા ત્યાં એક માતા અને બાળક પાણીના અભાવે મૃત્યુ પામ્યા હતા.ત્યારબાદ ત્યાં એક ઝરણાનું નિર્માણ થયું હતું અને એ ઝરણાની બાધા આજના દિવસે પણ લોકો રાખે છે. ત્યાં બાધામાં સ્ત્રીઓ પોતાના બ્લાઉઝ ચડાવે છે.રસ્તામાં એક સુંદર સરોવર આવતું હતું.સરોવરમાં અનેક પ્રજાતિના પક્ષીઓ જોવાની ખૂબ જ મજા આવી. સાથે પક્ષી શાસ્ત્રીઓ પણ હતા એમણે તમામ પક્ષીઓની ઓળખ આપી,ખાસિયતો સમજાવી.કાંટા વચ્ચેના સાંકડા રસ્તામાંથી ચાલતા ચાલતા અમે બાલસાગરના મંદિરમાં પહોંચ્યા. મંદિર ભવ્ય નથી.ત્યાં પથ્થરનો બનાવેલો એક કૂવો તેમજ ગૌમુખ હતું. જેમાંથી સ્વચ્છ પાણી વહી રહ્યું હતું.ચારે બાજુ વાળું વડ હતા.પુષ્કળ વાંદરાઓ તેમજ વિવિધ જાતિના પક્ષીઓ હતા.નિરવ શાંતિ હતી.જ્યાં અમે 15 મિનિટ માટે મેડીટેશનમાં બેઠા.જંગલમાં શાંત વાતાવરણમાં મેડીટેશનમાં બેસવાની મજા કંઇક અનેરી હોય છે.જ્યાં અમારા સાહેબે અમને કહ્યું કે જેને આ મેડીટેશનની દસ મિનિટ એક મિનિટ જેવી લાગી હોય એ કુદરત સાથે અને પોતાની સાથે કનેક્ટ થયેલા છે એમ માનવું અને જેને એક મિનિટ દસ મિનિટ જેવી લાગી હોય તેને હજુ ઘણી બધી પ્રક્રિયા પોતાની અંદર કરવાની બાકી રહે છે એમ સમજવું. આવી સરળ વ્યાખ્યા સાથે દરેકે પોતાનું મૂલ્યાંકન કર્યું.


જોકે અહીં ધ્યાન ખેંચે એવો એક પ્રસંગ પણ બન્યો હતો.જેનો ઉલ્લેખ કરવો મને ખૂબ જ જરૂરી લાગે છે.અમે લગભગ 40 લોકો આંખો બંધ કરીને પલાઠી વાળીને ધ્યાનમાં બેઠા હતા તે દરમિયાન આસપાસના એક વૃક્ષ પર 8,10 વાંદરાઓ પણ ઝાડની ડાળી ઉપર પોતાનું શરીર ડાળી પર મૂકીને ચારે હાથ પગ લટકાવીને જાણે સુઈ ગયા હોય એવી મુદ્રામાં સ્થિર થઈ ગયા હતા.એવું લાગતું હતું કે જાણે અમને આટલા બધાને શાંત રીતે બેઠેલા જોઈને વન્ય પ્રાણીઓ પણ શબ્દ થઈ ગયા હતા. જ્યારે અમને ધ્યાનમાંથી મુક્ત થવાનું કહેવામાં આવ્યું ત્યારે એકાદ મિનિટ પછી બધા વાંદરાઓએ પણ હલનચલન ચાલુ કર્યું અને એક એક કરીને બધા જતા રહ્યા. આ ગઈકાલે તદ્દન નજર સામે બનેલી ઘટના છે.જેનું મારી દ્રષ્ટિએ મોટું મહત્વ છે. ધ્યાનની પ્રક્રિયાની અસર જો પ્રાણીઓ પર આટલી તાત્કાલિક પડતી હોય તો મનુષ્ય જીવન ઉપર કેમ ન પડી શકે? એ વિચારવા માટેનો મુદ્દો છે.


અમે એ જ રસ્તે ટ્રેક કરીને પાછા મહાદેવના મંદિરમાં આવ્યા અને પાછા બસમાં બેસી અને ત્યાંથી લગભગ 50 કિલોમીટર આગળ એક વ્યૂ પોઇન્ટ પર પહોંચ્યા આ વ્યુ પોઇન્ટ પર પહોંચવાથી હાથમતી નદીના ડેમના પાણી બહુ સુંદર દેખાય છે.સમગ્ર વિસ્તાર આ ઊંચાઈ પરના સ્થળથી જોવાની ખૂબ મજા આવે છે.જ્યાં અમે ખૂબ ફોટા પણ પાડ્યા ઘણે દૂર એક નાનકડું ગામડું દેખાતું હતું. અમારા સાહેબે અમને કહ્યું કે આ ગામડું એ જ ઉમાશંકર જોશીનું જન્મ સ્થળ બામણા.ત્યારબાદ વળી પાછા અમે બસમાં ગોઠવાયા અને ભિલોડા થઈને ભવનાથ મહાદેવ પહોંચ્યા.


ભવનાથ મહાદેવ એ એક ટાપુ પર આવેલું મંદિર છે.જેની ચારે બાજુ ડેમના રિઝર્વ પાણી છે.આ ટાપુ પર પહોંચવા માટે લગભગ બે કિલોમીટર લાંબો રોડ બનેલો છે.આથી છેક સુધી વાહન દ્વારા જઈ શકાય છે પરંતુ ટાપુ પર જમવાની કોઈ વ્યવસ્થા છે નહીં.જો કોઈએ આ જગ્યાએ રાત્રિ રોકાણ માટે જવું હોય તો જમવાની વ્યવસ્થા જાતે કરવાની થાય. બાકી રોકાવાની વ્યવસ્થા ત્યાં સારી છે.

(જમવા માટે ૧૦ કિલોમીટર દૂર ભિલોડા જવું પડે અથવા ભિલોડાથી જમવાનું પેક કરાવીને લઈને આવવું પડે) ટાપુ ઉપર શંકર ભગવાનનું જે મંદિર આવેલું છે તેની કથા ચ્યવન ઋષિ અને અશ્વિની કુમારની વાર્તા સાથે જોડાયેલી છે.આ સ્થળનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે.ચારે બાજુ પાણી હોવાથી સ્થળ અત્યંત રમણીય લાગે છે અને ત્યાં ઉગેલા વૃક્ષો ઉપર પક્ષીઓનો નિવાસ છે.જેમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે.જેમાં ખાસ કરીને લીલું કબુતર જોવાની અમને ખૂબ મજા આવી.લીલા કબૂતરની ખાસિયત એ છે કે કબૂતર જેવું જ દેખાય છે.પરંતુ લીલા રંગનું છે.આ કબુતર કદી જમીન પર બેસતું નથી.એક વ્યક્તિએ એવું પણ કહ્યું કે જો તે નીચે આવે તો એક લાકડું લઈને તેના પર જ બેસે. પરંતુ સીધું જમીન પર કદી બેસતું નથી.બોલો છે ને અભિમાનની પરાકાષ્ઠા,Attitude 


સાંજે અમે બધાએ જમી લીધું.(રસોડું અને રસોઈયો સાથે જ હતા તેમણે જ બનાવ્યું)ત્યારબાદ એક નાનકડી સભા કરવામાં આવી.જેમાં દરેકે પોતાનો પરિચય આપ્યો અને પોતાની પસંદગીની વાતો કરી.ગીતો ગાયા અને કવિતાઓ રજૂ કરી.ઉમાશંકર જોશીનું ગામ સામે જ હોવાથી શ્રદ્ધાંજલિ રૂપે ઉમાશંકર જોશીના કવિતા " ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા" નો કવિતાનું બ્લુ ટૂથ સ્પીકરમાં શ્રવણ કરવામાં આવ્યું.મેં પોતે થોડું બાંસુરી વાદન કર્યું અને ત્યારબાદ અમે નીકળ્યા શરદપૂનમની ચાંદનીના શીતળ કિરણોમાં નાહવા માટે.


આ મંદિર ટાપુ પર હોવાથી જમીન અને આ ટાપુને જોડતા બે કિલોમીટર લાંબા રોડ પર અમે ચાલવા માટે નીકળ્યા.આ રોડ ઉપર રાત્રિના સમયે ચંદ્રના પ્રકાશમાં ચાલવું એક અનેરો લહાવો બની ગયું. બંને બાજુ પાણી હતું. રાત્રીનો સમય હતો.આકાશમાં ચંદ્ર હતો. દ્રશ્ય ખરેખર અત્યંત સમૃદ્ધ લાગતું હતું.એનું યોગ્ય વર્ણન કરવા માટે અમારી પાસે શબ્દો નથી.આ માત્ર એક અનુભવની વાત છે. ખાસે દૂર જઈ અને અમે બધા જુદી જુદી પાળીઓ પર બેઠા અને ત્યાં લગભગ 15 મિનિટ અમે ધ્યાનમાં બેઠા.પક્ષીઓના અને પ્રકૃતિના વિવિધ ધ્વનિઓનું શ્રવણ કર્યું અને ત્યારબાદ પરત પરથી વખતે એક એક જણને વ્યક્તિગત રીતે મોકલવામાં આવ્યા અને કોઈપણ જાતની વાત કરવાની કે મોબાઈલમાં ગીતો સાંભળવાની ના પાડવામાં આવી હતી. શરદપૂનમની ચાંદની માં ચારે બાજુ પાણી ની વચ્ચે બનેલા રસ્તા ઉપર ચાલવાનો અનુભવ જિંદગીભર યાદ રહેશે.


અમે લગભગ 11:30 વાગે પરત આવ્યા અને ચાંદનીના સ્મરણો કરતા કરતા રાત્રે ક્યારે સૂઈ ગયા તે ખબર પણ ન પડી. 


બીજા દિવસે સવારે ઊગતો સૂર્ય જોવા માટે અમે બધા વહેલા ઊઠીને અગાસીમાં ચડી ગયા.ચારે બાજુ પાણી જ પાણી અને પાણીના પછી ડુંગર દેખાતા હતા એ ડુંગરોની પાછળ ધીમે રહીને થોડીવારમાં પૂર્વ દિશામાં સૂર્યનારાયણ પ્રગટ થયા.સવારના પહોરમાં લાલચોળ સૂર્ય દેવતા પણ હકીકતમાં કોમળ કિરણો વિખેરનારા સાબિત થયા.પક્ષીઓ ઉડાઉડ કરતા હતા.વાતાવરણ અત્યંત ઠંડુ હતું.બહુ જ રમણીય દ્રશ્ય લાગી રહ્યું હતું.સૂર્ય ઉપર આવી ગયો અને તડકો થવા માંડ્યો.


ત્યારબાદ અમે નીચે આવીને ચા નાસ્તો કર્યો.મંદિરમાં દર્શન કરીને બસમાં ગોઠવાઈ ત્યાંથી 60 કિલોમીટર દૂર પાલ નામના ગામે પહોંચ્યા.જ્યાં આશ્રમશાળામાં અમારે ઉતરવાનું હતું.


આશ્રમ શાળામાં આદિવાસી વિસ્તારના બાળકો ધોરણ 1 થી 12 માં ભણતા હતા. મને મારા ડેડીયાપાડાનું શૈક્ષણિક જીવન યાદ આવી ગયું.આ બાળકોનું ભોળપણ અને નિર્દોષતા બધાને બહુ સ્પર્શી ગયા.કેટલાક મિત્રો તો બાળકો સાથે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા કે કેટલીક બાળકીઓ અમારા કેટલાક મિત્રોને વિદાય વખતે છોડવા તૈયાર નહોતી.જે એક અદભુત ઘટના હતી.આ આશ્રમશાળાની બાજુમાં સરકારે એક વિરાંજલી વન બનાવ્યું છે. જાણવા જેવી વાત એ છે કે જલિયાવાલા બાગથી પણ ત્રણ ગણો મોટો હત્યાકાંડ અહીં અંગ્રેજોએ કરેલો.જેમાં કુલ 1200 આદિવાસીઓના મૃત્યુ થયા હતા.તેમના સ્મરણમાં અહીંયા એક અત્યંત સુંદર વિરાંજલી વન બનાવવામાં આવ્યું છે.જેમાં વિવિધ પ્રકારની રાશિઓને અનુરૂપ વૃક્ષો વાવવામાં આવ્યા છે.વિવિધ સ્ટેચ્યુ મુકવામાં આવ્યા છે.આદિવાસી નેતા મોતીલાલનું સ્ટેચ્યુ પણ મૂકવા આવ્યું છે.આ વિરાંજલિ વન પર્વતોની ગોદમાં હોવાથી જાણે કાશ્મીરમાં ફરતા હોય એવી અનુભૂતિ થાય છે.ફોટો જેનીક પ્લેસ છે.ક્યારેક મુલાકાત લેવા જેવું ખરું!!!



જ્યાં બપોરે ભોજન લીધું.થોડો આરામ કર્યો અને સાંજે લગભગ ચાર વાગે ત્યાંના એક સ્થાનિક યાત્રાધામમાં દર્શન કરવા ગયા.આ યાત્રાધામ એક પર્વતની ટોચ પર આવેલું છે.આ જગ્યાએ જવા માટે અમારે લગભગ ચારેક કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડ્યું.જ્યાં જવા માટે પાકો રોડ બનાવેલો છે.અનેક ગાડીઓ અમારી બાજુમાંથી પસાર થતી હતી.પરંતુ અમે તો રહ્યા ટ્રેકિંગ વાળા. અમારા માટે તો ગાડી વર્જીત હોય એટલે અમારે પગે ચાલીને જવાનું હતું પણ ખરેખર અસલી મજા તો પગે ચાલીને જવામાં જ છે અને તે આ રીતે જઈ શકાય છે.છેક ઉપર પહોંચીને માતાજીના દર્શન કર્યા તેની પાછળ થોડુંક ચાલીને આગળ જઈએ તો ત્યાંથી લગભગ 30 ફૂટ ઊંચો એક મોટો પથ્થર છે જેના ઉપર એક ધજા છે.ત્યાં સુધી પણ અમે ચડ્યા. તે વિસ્તારમાં તે જગ્યા સૌથી ઊંચી છે. એટલે સમગ્ર વિસ્તારનું સિંહાવલોકન ત્યાંથી થઈ શકે છે.સમગ્ર વિસ્તાર આ બિંદુ પરથી જોવાની મજા ખૂબ અનેરી છે.સામે સૂર્ય પણ લગભગ આથમી રહ્યો હતો.


ત્યારબાદ અમે નીચે ઉતર્યા અને ઢાળવાળા રોડ પર ચાલીને નીચે આવતા હતા રસ્તામાં સૂર્યાસ્ત પણ જોયો અને ચંદ્રોદય પણ. લગભગ 6:30 વાગે અમે અમારા મુકામ પર પાછા આવ્યા.ઝડપથી ભોજન વગેરે પતાવ્યું.ખાઈને બસમાં ગોઠવાઈ ગયા અને બસ સડસડાટ અમદાવાદ તરફ દોડવા લાગી.


બસમાં ચાલુ બસે કેમ્પ વિશેના પોતાના અભિપ્રાય આપવાની સભા રાખવામાં આવી.બસ રોડ ઉપર સડસડાટ જતી હતી અને અંદર અમારી સભા ચાલતી હતી.સાથે બ્લુટુથ સ્પીકર વાળું માઈક હતું.એટલે બધા માઇકમાં પોતપોતાનો અભિપ્રાય આપતા હતા.ત્યાંથી અભિપ્રાય આપવાનું શરૂ કર્યું અને અભિપ્રાય પૂરો થતા થતા અમદાવાદ આવી ગયું.ખૂબ હસાહસી અને ધમાચકડી સાથે અત્યંત મજા આવી ગઈ.આખરે અમદાવાદ આવી અને સૌ પોતપોતાના મુકામ પર ઉતરી ગયા અને પોત પોતાના ઘેર પહોંચી ગયા.


ઘણીવાર આપણે પ્રવાસ માટે દૂર દૂરના સ્થળો પર જઈને મોટા ખર્ચાઓ કરીને આવીએ છીએ.પરંતુ આપણી આસપાસ જ આવા ઘણા બધા સ્થાનિક સ્થળો છે જ્યાં આપણે જવાનું કાં તો જાણતા નથી અથવા તો ટાળીએ છીએ.ખરેખર આવા જ એક સ્થળનો અમને બહુ સહજતાથી લાભ મળ્યો.એની અત્યંત ખુશી છે.આપ સૌને પણ વિનંતી કે ક્યારેક ભવનાથ મહાદેવ જરૂર જજો.ભવનાથ મહાદેવ જવા માટે ભિલોડા જવું ફરજિયાત છે.ભિલોડાથી આ સ્થળ માત્ર ૧૦ કિલોમીટર છે પોતાનું વાહન હોય તો સવાલ નથી.નહિતર ભિલોડાથી વાહનો આરામથી મળી રહે છે.જો ત્યાં રોકાવું હોય તો રોકાવાની વ્યવસ્થા છે પરંતુ જમવાની વ્યવસ્થા નથી.સાથે લઈને જવું ફરજિયાત છે પણ ત્યાં એક રાત્રિ નિવાસ કરવા જેવો ખરો!!

ભવનાથ ફોન

9265843364


इति संपन्न


કર્દમભાઈ મોદી

આચાર્ય

પાટણ

8238058094

Comments

Popular posts from this blog

અંગદનો પગ:હરેશ ધોળકિયા

ટોમ એન્ડ જેરી

અલ્યા ભણ નહીતો રહી જઇશ