Hir અને પાંથી વાર્તા
હીર અને પંથુ બે પાકી બેનપણીઓ હતી. બંનેને એકબીજા વગર ચાલતું નહોતું.એક સ્કૂલે ના જાય તો બીજી પણ સ્કૂલે ન જાય . એક નાસ્તો ન કરે તો બીજી પણ નાસ્તો ન કરે.શાળામાં એમની દોસ્તીની ઠેર ઠેર વાતો થતી હતી.એમના ઉદાહરણો હતા.
છતાં પણ બંનેમાં એક વાતનો પાયાનો ફેર એ હતો કે પંથુ ખૂબ ઉતાવળી હતી અને હીર ખૂબ ધીમી હતી.પંથુ હંમેશા હીરને ઉતાવળ કરવા કહેતી અને હીર પણ પંથુને હંમેશા ધીમી રહેવા કહેતી. અને ઘણીવાર તો એ બંને વચ્ચે એ વાતનો ઝઘડો થઈ જતો.પરંતુ પાંચ મિનિટમાં ઝઘડો પતી પણ જતો.બંને એ ભૂલીને મસ્તી કરવા માંડતા.
એકવાર એવું બન્યું કે શાળામાં પરીક્ષા હતી.બંને વાહનમાંથી ઉતરીને શાળા બાજુ જતા હતા.ત્યારે થોડું મોડું થઈ ગયું હતું એટલે પંથુએ હીરને કહ્યું કે તું ઝડપથી ચાલ.આપણે મોડું થાય છે પણ હીર કહે ના મારે ઝડપથી નથી ચાલવું.હું તો શાંતિથી આરામથી ડોલતી ડોલતી જ આવીશ.એટલે પંથુએ કહ્યું કે ઝડપથી ચાલ નહિતર પહોંચવામાં મોડું થશે.પણ હીર માની નહીં અને બંને વચ્ચે એ જ વખતે ઝઘડો થઈ ગયો. પંથુ હીર છોડીને ઝડપથી ચાલવા માંડી.એ ઝડપથી ચાલીને પરીક્ષા ખંડમાં આવી ગઈ અને પરીક્ષા આપવા માંડી.થોડીવાર પછી હીર આવી.પરીક્ષા ચાલુ થઈ ગઈ હતી એટલે સાહેબે એને રોકી અને મોડા આવવાનું કારણ પૂછ્યું.એટલે એ તરત રોવા માંડી. થોડી સમજાવટ પછી બધાની વચ્ચે હીરને ઠપકો આપ્યો અને બીજા દિવસે એના વાલીને બોલાવી લાવવા કહ્યું અને પછી પરીક્ષા આપવા દીધી.પરંતુ મૂડ આઉટ થઈ જવાના લીધે હીરને પરીક્ષામાં ઓછા માર્ક આવ્યા.એટલે ઘેર ઠપકો સાંભળવો પડ્યો એ જુદો.ત્યારે પંથુએ એને કહ્યું કે હું તને નહોતી કહેતી કે તું ઝડપથી ચાલ.પણ તું મારું કીધું માનતી જ નથી.એટલે હીર કહે હું તારું કીધું નહીં જ માનું.
થોડા દિવસ વીત્યા.શાળામાંથી એક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. પ્રવાસ એક નદી કિનારે રાખવામાં આવ્યો હતો.બધા બાળકો એમાં જોડાયા હતા પરંતુ બધા બાળકોને પ્રવાસમાં એકલા પડી જવાનો ડર હોવાથી બધા બાળકો સાહેબની સાથે ને સાથે ફરતા હતા અને ઝડપથી બસમાં બેસી જતા હતા ત્યારે પંથુએ હીરને કહ્યું કે તું તારા મોબાઇલથી મારા ફોટા પાડ.એટલે હિરે પંથુના ફોટા પાડવાનું ચાલુ કર્યું.પરંતુ હીર ખૂબ ધીમે ધીમે ફોટા પાડતી હતી એટલે પંથુએ કહ્યું કે તું ઝડપથી ફોટા પાડ અને આપણે જઈને બસમાં બેસી જઈએ.ત્યારે હીરે એને કહ્યું કે ઝડપથી ફોટા પાડીએ તો ફોટા સારા ન આવે.એટલે તું શાંતિથી ઊભી રહે હું તારા સરસ ફોટા પાડી આપું.આમ કહીને હીરે ખૂબ જ ધીમે ધીમે પંથુના જુદી જુદી પોઝિશનમાં સુંદર ફોટા પાડ્યા.એવામાં સાંજ પડી ગઈ એટલે બધા બાળકો બસમાં બેસીને પોતાની શાળામાં પરત આવ્યા.
થોડા દિવસ પછી શાળામાં પ્રવાસના ફોટાઓની એક સ્પર્ધા યોજાઈ.ત્યારે એ સ્પર્ધામાં હીરે પાડેલા પંથુના ફોટાનો પ્રથમ નંબર આવ્યો.ત્યારે પંથુએ કહ્યું કે તું તો જબરી ફોટોગ્રાફર બની ગઈ છે.તેં પાડેલા ફોટાનો તો પ્રથમ નંબર આવ્યો. ત્યારે હીરે કહ્યું કે ફોટામાં પ્રથમ નંબર આવવાનું કારણ એ જ છે કે હું ખૂબ જ ધીમેથી ફોટા પાડતી હતી. આપણે જો ધીમેથી કામ કરીએ તો આપણું કામ સારું થાય.એટલા માટે જ ફોટા સારા આવ્યા અને વળી પાછા બંને મસ્તી કરવા મંડી પડ્યા.
કર્દમ મોદી
પાટણ
Comments
Post a Comment